એકનાથ શિંદેના થાણે પાલિકાની તમામ બેઠકો બીજેપીને જીતવી છે

18 July, 2022 11:09 AM IST  |  Mumbai | Sameer Surve

એ માટે એણે ‘શત પ્રતિશત ભાજપ’ કાર્યક્રમ જાહેર કર્યો: જોકે એનું કહેવું છે કે આ પક્ષની રૂટીન કવાયત છે અને એને હાલની રાજકીય સ્થિતિ સાથે કશો સબંધ નથી

ફાઇલ તસવીર

એક તરફ એકનાથ શિંદે થાણેમાં તેમની મોજૂદગીને વિસ્તારવા માટે આતુર છે તો બીજી તરફ તેમના સાથી પક્ષ બીજેપીએ આગામી થાણે કૉર્પોરેશનની ચૂંટણીમાં તમામ બેઠકો કબજે કરવા માટેની એની યોજના જાહેર કરી છે. થાણે બીજેપીએ કૉર્પોરેશનની આગામી ચૂંટણીમાં શત પ્રતિશત બીજેપીનો ઠરાવ પસાર કર્યો છે, પણ એના દાવા પ્રમાણે આ પક્ષની રૂટીન કવાયત છે.

મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા પછી એકનાથ શિંદેએ થાણે જિલ્લામાં ભૂતપૂર્વ કૉર્પોરેટર્સને મળવાનું શરૂ કર્યું છે. તેમના પુત્ર સંસદસભ્ય ડૉક્ટર શ્રીકાંત શિંદે પણ સેનાના સ્થાનિક કાર્યકરોને મળવા માંડ્યા હતા. શિવસેનાના ૬૭ ભૂતપૂર્વ કૉર્પોરેટરમાંથી ૬૬ એકનાથ શિંદેના પડખે છે. થાણે જિલ્લો એકનાથ શિંદેનો ગઢ છે. બીજી તરફ સત્તા પર આવ્યાના ફક્ત ૧૨ જ દિવસમાં બીજેપીએ થાણેમાં મુખ્ય પ્રધાનને પડકાર ફેંક્યો છે.

થાણે શહેરના બીજેપી પ્રમુખ અને વિધાન પરિષદના સભ્ય નિરંજન દાવખરેએ જણાવ્યું હતું કે ‘બીજેપીનો ‘શત પ્રતિશત ભાજપ’ એ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ છે. અમારી નિયમિત બેઠક હતી. આ કાર્યક્રમ હેઠળ અમે બૂથ લેવલે ૧૦થી ૨૦ કાર્યકરો નિયુક્ત કરી રહ્યા છીએ. આવી બેઠકો સમગ્ર વર્ષ દરમ્યાન યોજાતી રહે છે. અમે આ બેઠકમાં કામની સમીક્ષા કરીએ છીએ. આ બેઠકને હાલની રાજકીય સ્થિતિ સાથે કશો સબંધ નથી. એ પક્ષની રૂટીન બેઠક છે.’ આ વિશે ટિપ્પણી માટે શિંદે કૅમ્પના પ્રવક્તા વિધાનસભ્ય દીપક કેસરકરનો સંપર્ક કરી શકાયો નહોતો.

mumbai mumbai news maharashtra eknath shinde thane bharatiya janata party