જ્યાંની આગમાં એક જણનો ભોગ લેવાયો એ ચિત્રકૂટના સ્ટુડિયો પાસે ફાયર બ્રિગેડનું એનઓસી જ નહોતું

08 August, 2022 11:57 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

લવ રંજન ફિલ્મ્સ, રાજશ્રી પ્રોડક્શન અને સ્ટુડિયો ઑર સામે ફરિયાદ લેવા રજૂઆત

ચિત્રકૂટ મેદાનમાં પતરાના સ્ટુડિયોમાં લાગેલી આગની ફાઇલ તસવીર

અંધેરી-વેસ્ટના ચિત્રકૂટ મેદાનમાં પતરાનો સ્ટુડિયો ઊભો કરીને ત્યાં લવ રંજન અને રાજશ્રી ફિલ્મ્સની એક ફિલ્મના શૂટિંગ માટે લગાડાઈ રહેલા સેટમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી અને ૩૨ વર્ષના મનીષ દેવાસીનું મૃત્યુ થયું હતું. એ કેસમાં ડી. એન. નગર પોલીસે હાલ અકસ્માત મૃત્યુનો કેસ નોંધીને તપાસ ચાલુ કરી છે. જોકે ફાયર બ્રિગેડે સ્પષ્ટતા કરી છે કે સ્ટુડિયો દ્વારા એનઓસીની અમને અરજી કરવામાં આવી હતી, પણ એનું કામ હજી કમ્પ્લીટ થયું નહોતું એટલે એનઓસી આપવામાં નહોતું આવ્યું.  

આ વિશે મુંબઈ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઑફિસર હેમંત પરબનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ‌‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પણ મકાનનું બાંધકામ થતું હોય ત્યારે પહેલાં ફાયર-સેફ્ટી માટેની અરજી કરવામાં આવે છે. એમાં ફાયર-સેફ્ટી માટે શું-શું પગલાં લેવાનાં છે એ અમે જણાવતા હોઈએ છીએ. એ પછી જ્યારે કન્સ્ટ્રક્શન પૂરું થાય ત્યારે તેમણે બધી જ શરતો પૂરી કરી છે કે નહીં એ ચેક કર્યા બાદ અમારા તરફથી એમને ફાયરનું એનઓસી આપવામાં આવતું હોય છે. ઉપરોક્ત સ્ટુડિયોનું કામ હજી ચાલી રહ્યું હતું, અન્ડર-કન્સ્ટ્રક્શન હતું એટલે તેમણે ફાયર સેફ્ટીને લગતી બધી શરતો પૂરી કરી છે કે નહીં એ ચેક કરવાનું બાકી હતું. અમે એ બાબતે વધુ ડીટેલ મગાવી રહ્યા છીએ.’

ઇન્ડિયન સિને વર્કર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ સુરેશ ગુપ્તાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલની ચિત્રકૂટ સ્ટુડિયોની આગ વખતે જે મનીષ દેવાસી મૃત્યુ પામ્યો તે ઍક્ટર હતો અને નાના-મોટા રોલ કરતો હતો. જોકે તેને કામ મળવાનું બંધ થઈ ગયું હોવાથી અહીં ફાયર ઑફિસર તરીકે જૅકેટ પહેરાવીને ઊભો કરી દીધો હતો અને માત્ર કેટલાંક ફાયર એ​ક્સ્ટિંગિશર ત્યાં રાખવામાં આવ્યાં હતાં. આગમાં તે મૃત્યુ પામ્યો અને હવે તેનો પરિવાર જેમાં તેની પત્ની અને એક વર્ષની દીકરી છે એ રઝળી પડ્યો છે.’   

લવ રંજન ફિલ્મ્સ, રાજશ્રી પ્રોડક્શન અને સ્ટુડિયો ઑર સામે ફરિયાદ લેવા રજૂઆત

ઇન્ડિયન સિને વર્કર્સ અસોસિએશન દ્વારા આ કેસ સંદર્ભે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઉપરાંત બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલ, ચીફ ફાયર ઑફિસર અને પોલીસવડા સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને રજૂઆત કરાઈ છે. પત્રમાં જણાવ્યા મુજબ પ્રોડક્શન હાઉસ, પ્રોડ્યુસર અને સ્ટુડિયોના માલિક દ્વારા વર્કરોની સેફ્ટી માટે કોઈ વિચાર કરાતો નથી અને એના માટે કોઈ પગલાં લેવાતાં નથી. કામગારોએ જાનના જોખમે કામ કરવું પડે છે. એથી લવ રંજન ફિલ્મ્સ, રાજશ્રી પ્રોડક્શન અને સ્ટુડિયો ઑરના માલિકના આવા વલણને ગંભીરતાથી લઈ તેમની સામે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવે. એ સાથે જ મૃતક મનીષ દેવાસીના પરિવારને સહાયરૂપે પચાસ લાખની રકમ આપવામાં આવે એવી રજૂઆત ઇન્ડિયન સિને વર્કર્સ અસોસિએશનના પ્રેસિડન્ટ સુરેશ ગુપ્તાએ પત્ર લખીને કરી છે. 

mumbai mumbai news andheri bakulesh trivedi