ડોમ્બિવલીમાં રસ્તા પર રખડતા પાંચ કૂતરાઓએ બાળકને કરડી ખાધું

26 June, 2025 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૂતરાઓ બાળકના પગ અને હાથ પર ઘણી બધી વાર કરડ્યા હતા અને બાળકને ખેંચીને થોડે દૂર લઈ ગયા બાદ ફરીથી તેને બચકાં ભર્યાં હતાં.

ડોમ્બિવલીમાં રસ્તા પર રખડતા પાંચ કૂતરાઓએ બાળકને કરડી ખાધું

ડોમ્બિવલીમાં રહેતા એક બાળક પર રસ્તે રખડતા પાંચ કૂતરાઓએ હુમલો કર્યો હતો જેને કારણે બાળકને ગંભીર ઈજાઓ થઈ છે. મંગળવારે સવારે મોઠાગાવ રેતીબંદર રોડ ખાતે રહેતું આ બાળક જેવું તેના ઘરમાંથી બહાર નીકળ્યું ત્યારે રસ્તા પર જતા એક કૂતરાએ તેના પર હુમલો કર્યો હતો. કૂતરાએ બાળકના પગ પર બચકું ભર્યું હતું એટલે બાળક જોર-જોરથી ચીસો પાડીને રડવા લાગ્યું હતું અને જમીન પર પડી ગયું હતું. આ જોઈને બીજા ચાર કૂતરા પણ બાળકને કરડવા આવી ગયા હતા. કૂતરાઓ બાળકના પગ અને હાથ પર ઘણી બધી વાર કરડ્યા હતા અને બાળકને ખેંચીને થોડે દૂર લઈ ગયા બાદ ફરીથી તેને બચકાં ભર્યાં હતાં.

રસ્તા પર જતી એક વ્યક્તિએ પથ્થર મારીને કૂતરાઓને ભગાડ્યા બાદ બાળકનો છુટકારો થયો હતો. આ આખી ઘટના બાળકના ઘરની બહાર લાગેલા CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. કૂતરાઓના હુમલાને કારણે બાળકને ગંભીર ઈજાઓ થઈ હતી, જેને લીધે તે ઊભું પણ નહોતું થઈ શકતું. આસપાસના રહીશોએ કૂતરાઓના ત્રાસ બાબતે અનેક વાર મ્યુનિસિપાલિટીના હેલ્થ ડિપાર્ટમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી એવો રોષ લોકોએ દાખવ્યો હતો.

હૉસ્પિટલના ICUના વેન્ટિલેટરમાં આગ લાગી, સદ્નસીબે દરદીઓ બચી ગયા 

થાણેના ઋતુરાજ પાર્કમાં આવેલી બે માળની વૃંદાવન હૉસ્પિટલમાં ઇન્ટે​ન્સિવ કૅર યુનિટ (ICU)માં આગ લાગી હતી. આગની શરૂઆત ICUમાં મૂકવામાં આવેલા વેન્ટિલેટરમાંથી થઈ હતી. ICUમાં સારવાર લઈ રહેલા ૬૬ વર્ષના દરદીને બચાવીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા.

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધ્યક્ષ યાસીન તડવીએ જણાવ્યું હતું કે ‘બુધવારે સવારે ૧૦.૩૭ વાગ્યે હૉસ્પિટલના ICUમાં આગ લાગી હતી. એ વખતે ICUમાં એક અને જનરલ વૉર્ડમાં પાંચ દરદીઓ હાજર હતા. તે બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા હતા. આગ વધુ ફેલાય એ પહેલાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. વેન્ટિલેટરમાં કયા કારણસર આગ લાગી હતી એ જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.’ 

dombivli news mumbai news mumbai maharashtra maharashtra news