બસ ભલે સ્કૂલની પોતાની ન હોય, મુસાફરી દરમ્યાન સ્ટુડન્ટ્સની જવાબદારી તો એની

29 March, 2024 10:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્કૂલ-મૅનેજમેન્ટ આઉટસોર્સિંગના આધારે મુસાફરી દરમ્યાન સ્ટુડન્ટ્સની સિક્યૉરિટીમાંથી પોતાને મુક્ત ન કરી શકે.’ 

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સ્ટેટ ક​મિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (MSCPCR)એ ગુરુવારે રાજ્યમાં સ્ટુડન્ટ્સના ટ્રાન્સપોર્ટેશન માટે સ્કૂલને ગાઇડલાઇન્સ આપી હતી, જેમાં ઘર અને સ્કૂલ વચ્ચેની મુસાફરી દરમ્યાન જાતીય શોષણના વધતા કિસ્સાઓ ટાંકવામાં આવ્યા હતા. MSCPCRનાં ચૅરપર્સન સુસીબહેન શાહે જણાવ્યું હતું કે ‘તમામ સ્કૂલ-બસમાં ફન્ક્શનલ GPS, CCTV કૅમેરા તથા ટ્રેઇન્ડ ફીમેલ અટેન્ડન્ટ હોવાં જોઈએ. સ્કૂલ-મૅનેજમેન્ટ આઉટસોર્સિંગના આધારે મુસાફરી દરમ્યાન સ્ટુડન્ટ્સની સિક્યૉરિટીમાંથી પોતાને મુક્ત ન કરી શકે.’ 

કમિશને ગયા મહિને થાણેની એક પ્રાઇવેટ સ્કૂલની ઘાટકોપરના થીમ-પાર્કમાં ગયેલી પિકનિક દરમ્યાન આઉટસોર્સ કરવામાં આવેલી બસમાં વિદ્યાર્થિનીઓ સાથે થયેલી કથિત છેડછાડનો પણ ઉલ્લેખ કર્યો હતો. MSCPCR રાજ્યમાં બાળઅધિકારોના રક્ષણ, પ્રોત્સાહન અને સંરક્ષણ માટે કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ ઍક્ટ, ૨૦૦૫ હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે.
ગાઇડલાઇન્સ મુજબ ‘સ્કૂલ-મૅનેજમેન્ટે ખાતરી કરવી જોઈએ કે ડ્રાઇવર અને સ્કૂલનો સંપર્ક-નંબર, બસ-ઓનર તથા સ્કૂલના નામની વિગતો બસની બહારના ભાગમાં એ રીતે મૂકવામાં આવે કે એ તમામ મુસાફરો અને પબ્લિકને દેખાય. તમામ બસમાં સ્પીડ-ગવર્નર લગાવેલાં હોવાં જોઈએ. ઇમર્જન્સી માટે બસમાં અલાર્મ અને સાયરન મેકૅનિઝમ્સ પણ ઇન્સ્ટૉલ કરેલાં હોવાં જોઈએ. સ્કૂલ-મૅનેજમેન્ટે ઓછામાં ઓછા ૧૫ દિવસ માટે બૅકઅપ તરીકે CCTV કૅમેરાનાં ફુટેજ પણ રાખવાં જોઈએ.’

mumbai news maharashtra news