01 August, 2026 10:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છગન ભુજબળ
નાશિકમાં રસ્તાઓની બિસમાર હાલત અને ખાડાઓના કારણે નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાની ટીકા કરીને મહારાષ્ટ્રના અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળે પ્રશાસનને આ મુદ્દો પ્રધાનમંડળની બેઠકમાં ઉઠાવશે એમ કહ્યું હતું. નાશિકમાં રસ્તાઓની દયનીય અવસ્થાના કારણે થયેલા અકસ્માતોમાં પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. આ વિશે છગન ભુજબળે પોતાની નારાજગી વ્યક્ત કરતાં ઉક્ત નિવેદન આપ્યું હતું. કુંભમેળાની તૈયારીઓ ચાલી રહી હોય અે દરમ્યાન યોગ્ય યોજનાનો અભાવ હોવાનું કહી તેમણે પ્રશાસનની ટીકા કરી હતી.
છગન ભુજબળે કહ્યું હતું કે ‘બધે જ ખાડાઓના સમાચાર છે. હાલમાં જ નાશિકમાં ખાડાથી બચવાનો પ્રયાસ કરતાં બાઇક ચલાવી રહેલા નીલેશ કોતકરનું ખાડાના કારણે મૃત્યુ થયું હતું. કુંભમેળાનું કામ શરૂ છે. નિયમ એવો છે કે એક બાજુનો રસ્તો તૈયાર થાય તો બીજી બાજુનો રસ્તો ખાડામુક્ત હોવો જોઈએ. તાત્કાલિક બીજી બાજુના રસ્તાઓ પરના ખાડા પૂરી નાખવા જોઈએ. આ બાબતે કુંભમેળાના કમિશનર અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનરે ધ્યાન આપવું જોઈએ. મેયર કે વિધાનસભ્યોનું પણ અધિકારીઓ સાંભળતા નથી. કુંભમેળાના પ્રધાન ગિરીશ મહાજને આ વિશે કંઈક કરવું જોઈએ. આ બધી જ વાત હું પ્રધાનમંડળની બેઠકમાં માંડીશ. આટલા ખાડાઓ નાશિકમાં ક્યારેય નહોતા. નાશિકનું નામ ખરાબ થાય છે. ખાડાના કારણે જેમનાં મૃત્યુ થયાં તેમને ૧૦ લાખ રૂપિયાની સહાય પણ આપવી જોઈએ.’