ચાચી ૪૨૦એ તો અક્ષયકુમારના નામની પણ કરી નાખી રોકડી

26 February, 2021 11:46 AM IST  |  Mumbai | Mehul Jethva

ચાચી ૪૨૦એ તો અક્ષયકુમારના નામની પણ કરી નાખી રોકડી

રૂપલ પંડ્યા, ઇશાન પંડ્યા

મુલુંડ પોલીસે આશરે ૩૦ કરતાં વધુ લોકો સાથે ૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ઈશાન પંડ્યાની ગોવાના એક કસીનોમાંથી ધરપકડ કર્યા બાદ અનેક ચોંકાવનારી વાતો બહાર આવી રહી છે. એમાં બન્ને આરોપીઓએ લોકોને એવું કહીને પૈસા પડાવ્યા હતા કે તેઓ અક્ષયકુમારને લઈને વેબસિરીઝ તૈયાર કરવાના છે અને એ માટે પૈસા જોઈએ છે. એક વાર આ સિરીઝ તૈયાર થઈ જશે કે તરત બધાને સારા રિટર્ન સાથે પૈસા પાછા આપવાનું આરોપીએ વચન આપ્યું હતું. જોકે મુખ્ય આરોપી રૂપલ પંડ્યાના દીકરાને કસીનોમાં જુગાર રમવાની આદત હોવાથી મોટા ભાગના પૈસા તેણે ત્યાં ઉડાવી દીધા હોવાનું એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું.

જાન્યુઆરી મહિનાના અંતમાં મુલુંડ પોલીસ-સ્ટેશને રૂપલ પંડ્યા નામની મહિલાની ૨૪ લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવા માટે ધરપકડ કરી હતી. એમાં તપાસમાં બહાર આવ્યું હતું કે રૂપલ પંડ્યાએ તમામ લોકોના પૈસા તેના પુત્ર ઈશાન પંડ્યાના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. શરૂઆતમાં રૂપલ પંડ્યાની ધરપકડ બાદ પોલીસને એવું જાણવા મળ્યું હતું કે તેણે લોકો પાસેથી લીધેલા પૈસા ઈશાનને દુબઈમાં ક‌સીનોમાં હારવાને લીધે શેખ લોકોના ચુંગાલમાંથી છોડાવવામાં વાપર્યા હતા, પણ હવે ઈશાનની ધરપકડ થયા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે હકીકતમાં એવું કંઈ નહોતું. રૂપલ પંડ્યાએ જુદા-જુદા લોકો પાસેથી ઉધાર લીધેલા પૈસા તેના દીકરા ઈશાને અમુક દેશોના કસીનોમાં પોતાના શોખ ખાતર ઉડાડી દીધા હતા.

આ પણ વાંચો: ચાચી ૪૨૦

અક્ષયકુમારની વેબસિરીઝ માટે પૈસા જોઈએ છે એમ કહીને એમ. દેઢિયા નામની મહિલા પાસેથી રૂપલ પંડ્યાએ રૂપિયા પડાવ્યા હતા. આ બાબતે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રૂપલે મને કહ્યું હતું કે ઈશાન અક્ષયકુમારને લઈને એક વેબસિરીઝ બનાવી રહ્યો છે અને એનાં લોકેશન્સના પ્રી-બુકિંગ માટે તે દુબઈ ગયો છે, પણ ત્યાં અમુક પૈસા ઓછા પડે છે. આવું કહીને તેણે મારી પાસેથી અઢી લાખ રૂપિયા લીધા હતા.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ લોકોને અલગ-અલગ કારણો બતાવીને પૈસા પડાવ્યા છે. હાલમાં વધુ તપાસ માટે અમે તેને દિલ્હી લઈ જઈએ છીએ. ત્યાં તે જે કંપનીમાં કામ કરતો હતો તેમની પણ અમને ફરિયાદ મળી છે. નવાઈની વાત એ છે કે તેણે બધા પૈસા વાપરી નાખ્યા લાગે છે, કારણ કે હજી સુધી તેની પાસેથી કોઈ રિકવરી નથી થઈ.’

મુંબઈ પોલીસના ઝોન સાતના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રંશાત કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને બીજી માર્ચ સુધીની કસ્ટડી મળી છે. અમારી એક ટીમ તેને લઈને દિલ્હી જઈ રહી છે. અત્યારે તો એવું જ લાગી રહ્યું છે કે તેણે કસીનોમાં પૈસા ઉડાવ્યા છે.’

આ પણ વાંચો: ૩૦થી વધારે લોકોના ૩ કરોડથી વધારે રૂપિયાનું કરી નાખનાર મુલુંડનાં ચાચી ૪૨૦ના દીકરાની આખરે ધરપકડ

આખો મામલો શું છે?

આ આખા મામલામાં મુલુંડમાં પોતાનું બ્યુટીપાર્લર ચલાવતી રૂપલ પંડ્યાનો દીકરો ઈશાન પંડ્યા લગ્ન બાદ હનીમૂન મનાવવા દુબઈ ગયો હતો અને ત્યાં કસીનોમાં જુગાર રમતાં તે બે કરોડથી વધુ રૂપિયા હારી ગયો હતો. એ પૈસા ચૂકવવા માટે આરોપીએ અહીં લોકો પાસેથી જુદાં-જુદાં બહાનાં દર્શાવીને પૈસા લીધા હતા જે આજ સુધી પાછા ન આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આરોપીએ જે લોકોને પોતાના ટાર્ગેટ બનાવીને પૈસા લીધા હતા એમાં મોટા ભાગના લોકો મિડલ ક્લાસના છે અને પોતાના ગાંઠના પૈસા રૂપલ પંડ્યાને મદદ કરવા આપ્યા હતા. જોકે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે ભોળી દેખાતી આ બાઈ તેમની સાથે છેતરપિંડી કરતી હશે.

mumbai mumbai news mulund Crime News mumbai crime news mehul jethva