લોકલ પ્રવાસ કરતી વખતે લાઇવ ટ્રૅક કરી શકશો ટ્રેનને

19 September, 2022 10:01 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મધ્ય રેલવેની યાત્રી ઍપમાં પ્રવાસી તેના પરિવાર અને મિત્રો સાથે લાઇવ લોકેશન શૅર કરી શકે એ માટેની સુરક્ષા અને જોગવાઈમાં વધારો કરવામાં આવ્યો છે

મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે જણાવ્યું હતું કે શૅર કરાયેલી ઍપને ગૂગલ પ્લેસ્ટોર પર સેંકડો રિવ્યુ મળવા સાથે એમાં સુધારાઓ કરવાનાં અનેક સૂચનો પણ મળ્યાં છે

મુંબઈની મધ્ય રેલવેની નવી લોકલ ટ્રેન ઍપ હવે વધુ ઇન્ટરઍક્ટિવ થતાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનાર તેના પરિવારજનો સાથે તેનું લાઇવ લોકેશન શૅર કરી શકશે.

રેલવેએ તમામ લાઇન પર એની તમામ ટ્રેનોનું જીપીએસ ટૅગિંગ પૂરું કર્યું હોવાથી જુલાઈ ૨૦૨૨થી મધ્ય રેલવે મુંબઈની લોકલ ટ્રેનો એની ‘યાત્રી’ નામની અધિકૃત ઍપ્લિકેશન દ્વારા રિયલ-ટાઇમ ટ્રૅકિંગ સાથે લાઇવ-ટ્રૅક મોડ પર છે.

યાત્રી ઍપમાં નવી સુવિધા અપડેટ કરવામાં આવી છે, જેમાં પ્રવાસી તેના પરિવાર અને મિત્રો સાથે લાઇવ લોકેશન શૅર કરી શકે એ માટેની સુરક્ષા અને જોગવાઈમાં વધારો કરવામાં આવ્યો છે. લિન્ક મેળવનાર એના પર ક્લિક કરીને પ્રવાસીનું કરન્ટ લોકેશન ચેક કરી શકશે. યાત્રી ઍપનું જીપીએસ આધારિત લાઇવ લોકેશન ટ્રૅકિંગ ફીચર તરત જ મોબાઇલ સ્ક્રીન પર અપડેટ કરશે. ગૂગલ પ્લેસ્ટોર પર આ ઍપને સેંકડો રિવ્યુ અને સૂચનો મળ્યાં હોવાનું મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું.

આ સુવિધા મુખ્ય લાઇન, હાર્બર લાઇન, ટ્રાન્સહાર્બર લાઇન અને બેલાપુર/નેરુલ-ખારકોપર લાઇનના સ્થાનિક ટ્રેન મુસાફરો માટે ઉપલબ્ધ છે. ઍપ ઍન્ડ્રૉઇડ અને આઇઓએસ બન્ને પ્લૅટફૉર્મ પર પ્લેસ્ટોર પર ઉપલબ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું. 

mumbai mumbai news mumbai local train western railway central railway harbour line rajendra aklekar