11 November, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ હાઇવે ૪૮ પર મુંબઈથી પાલઘર, ગુજરાત અને નાશિક તરફ જવા માટેના મહત્ત્વના જંક્શન મસ્તાન નાકા બ્રિજની એક લેન રવિવારે બંધ કરવામાં આવી હતી. પાલઘરના મનોરમાં આવેલા ૧૫ વર્ષ જૂના આ બ્રિજના સિમેન્ટના કેટલાક બ્લૉક પડી ગયા હતા. એ પછી બ્રિજની આવી જોખમી હાલત દર્શાવતો વિડિયો વાઇરલ થયો હતો, જેને લીધે પ્રશાસન સક્રિય થયું હતું અને બ્રિજની એક લેન રવિવારે બંધ કરીને સમારકામ કરવામાં આવ્યું હતું.
નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ બ્રિજની નીચેથી અનેક ભારે વાહનો પસાર થાય છે. કોઈ મોટા વાહનની ટક્કરને કારણે બ્રિજની નીચેના ભાગને નુકસાન થયું હોય એવું લાગે છે. આવી ટક્કરને લીધે સિમેન્ટના બ્લૉક પડી ગયા હતા. ક્ષતિગ્રસ્ત ભાગની ઉપરની અને નીચેની લેન રવિવારે બંધ રાખવામાં આવી હતી. નિષ્ણાતોની ટીમે બ્રિજના ડૅમેજ થયેલા ભાગ ઉપરાંત બ્રિજના આખા માળખાનું ઑડિટ કરવાનું કામ હાથ ધર્યું હતું.