18 April, 2026 08:44 AM IST | Mumbai | Mehul Jethva
ક્રિષા ગોરી
મુલુંડ-વેસ્ટની સ્વપ્નનગરીમાં રહેતી ક્રિષા ગોરીએ બુધવારે જાહેર થયેલા CBSEના દસમા ધોરણનાં પરિણામોમાં ૫૦૦માંથી બેસ્ટ ઑફ ફાઇવના ધોરણે ૪૯૯ માર્ક્સ મેળવીને ૯૯.૮૦ ટકા હાંસલ કર્યા છે. મુલુંડની શેઠ કરમશી કાનજી ઇંગ્લિશ સ્કૂલમાં તે પ્રથમ ક્રમે આવી છે. ક્રિષાએ પોતાની આ સફળતાનું શ્રેય તેનાં મમ્મી-પપ્પાને આપ્યું છે. ભવિષ્યમાં તે સાયન્સ ક્ષેત્રમાં અભ્યાસ કરીને ડૉક્ટર બનવા માગે છે.
ક્રિષાની ફિટનેસ-કોચ મમ્મી ચેતના ગોરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજકાલ ક્રિષાની ઉંમરનાં બાળકો મોબાઇલ અને સોશ્યલ મીડિયાને પોતાની દુનિયા બનાવી લેતાં હોય છે, પરંતુ ક્રિષાએ આજ સુધી મોબાઇલની કોઈ ડિમાન્ડ કરી નથી. એટલું જ નહીં, તે મારો કે તેના પપ્પાનો મોબાઇલ પણ હાથમાં લેવાનું પસંદ કરતી નથી. નાનપણમાં બીજાં બાળકો રમકડાં સાથે રમતાં ત્યારે ક્રિષાને પુસ્તકોમાં વાર્તાઓ વાંચવી વધુ ગમતી હતી. આ જ આદતને કારણે તેણે દસમા ધોરણમાં ઉત્તમ સફળતા મેળવી છે. દસમા ધોરણમાં કે એ પહેલાં તેને ક્યારેય ટ્યુશનની જરૂર પડી નથી. ગયા વર્ષ દરમ્યાન અભ્યાસ કરતી વખતે તે ટીવીમાં આવતાં ગીતો સાંભળીને તેનું મન ફ્રેશ રાખતી હતી. ક્રિષાએ એક નિયમ બનાવ્યો હતો કે સતત ભણવું નહીં, પરંતુ ભણવા માટે નક્કી કરેલા સમયને સંપૂર્ણ નિષ્ઠાથી પાળવો. તેનું ડૉક્ટર બનવાનું સપનું છે અને સારી કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે તેણે આજથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.’
મોબાઇલથી દૂર રહેવા વિશે ક્રિષા ગોરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોબાઇલ કરતાં પુસ્તકો અને પરિવારને મેં વધુ મહત્ત્વ આપ્યું છે અને ભવિષ્યમાં પણ આ જ પ્રાથમિકતા જાળવવાની મારી ઇચ્છા છે. સામાન્ય રીતે લોકો મનોરંજન માટે મોબાઇલનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ હું મમ્મી-પપ્પા સાથે વાતચીત કરીને મારો સમય આનંદપૂર્વક વિતાવું છું. અભ્યાસથી થાક લાગ્યે અથવા મૂડ ન હોય ત્યારે હું ખાસ કરીને મમ્મી સાથે લાંબી વાતો કરવાનું પસંદ કરું છું, જે મને માનસિક રીતે તાજગી આપે છે. મોબાઇલથી અંતર જાળવવા માટે હું શક્ય એટલું મમ્મી-પપ્પાના ફોનથી પણ દૂર રહેવાનો પ્રયત્ન કરું છું. જરૂર પડ્યે જ હું મમ્મી-પપ્પાને કહીને જેને જરૂર હોય તેને ફોન કરાવું છું. મમ્મી-પપ્પાના ફોનના પાસવર્ડની પણ મને જાણ નથી અને મેં ક્યારેય એ જાણવાનો પ્રયાસ પણ કર્યો નથી. ભવિષ્યમાં પણ મોબાઇલનો ઉપયોગ શક્ય એટલો ટાળવાની કોશિશ કરીશ અને અભ્યાસ માટે જરૂર પડે ત્યારે લૅપટૉપ અથવા આઇપૅડ જેવાં સાધનોનો ઉપયોગ કરીશ.’