થાણેના હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ લાગવાથી એક મહિલાએ જીવ ગુમાવ્યો, એક સારવાર હેઠળ

16 August, 2025 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સદનસીબે આગ અન્ય ફ્લોર પર ન પહોંચતાં વધુ જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તપાસમાં આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

થાણેમાં કોલશેત ઍરફોર્સ નજીક લોઢા અમારામાં આવેલા કાસા ફ્રેસ્કોના ૨૮ માળના હાઇરાઇઝ બિલ્ડિંગમાં ગઈ કાલે સાંજે ૬.૪૦ વાગ્યે આગ લાગી

થાણેમાં કોલશેત ઍરફોર્સ નજીક લોઢા અમારામાં આવેલા કાસા ફ્રેસ્કોના ૨૮ માળના હાઇરાઇઝ બિલ્ડિંગમાં ગઈ કાલે સાંજે ૬.૪૦ વાગ્યે આગ લાગી હતી. કાસા ફ્રેસ્કોની વિંગ આઠમાં બાવીસમા માળે એક ફ્લૅટમાં આગ લાગવાને લીધે આખા બિલ્ડિંગમાં ધુમાડાના ગોટા થયા હતા. લિફ્ટ બંધ હતી એટલે આટલા માળ નીચે ઊતરતાં અનેક લોકોની તબિયત બગડી ગઈ હતી. આગનો ધુમાડો તેમના શ્વાસમાં જતાં બે વ્યક્તિનો શ્વાસ રૂંધાઈ ગયો હતો. આ લોકોને તાત્કાલિક નજીકની હાઈ લૅન્ડ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન જયશ્રી ઠાકરે નામની મહિલાએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે રાજેન્દ્ર તિવારીની હજી સારવાર ચાલી રહી હોવાનું થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધ્યક્ષ યાસિન તડવીએ જણાવ્યું હતું.

ફાયર-બ્રિગેડ અને સ્થાનિક લોકોની મદદથી હાઇરાઇઝ બિલ્ડિંગમાંથી ૩૭૫ લોકોને સલામત રીતે બિલ્ડિંગમાંથી બહાર લવાયા હતા. બાવીસમા માળ પર લાગેલી આગને કારણે ફ્લૅટ-નંબર ૨૨૦૩માં અને લૉબીના એરિયામાં ભારે નુકસાન થયું હતું. ફ્લૅટનું બધું જ ફર્નિચર બળી ગયું હતું. સદનસીબે આગ અન્ય ફ્લોર પર ન પહોંચતાં વધુ જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તપાસમાં આગ શૉર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

thane fire incident mumbai fire brigade news mumbai mumbai news thane municipal corporation