મેટ્રો-૩નું કારશેડ તૈયાર ન હોવાથી આંધ્રમાં તૈયાર રેક લાવી શકાતી નથી

18 July, 2022 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં જ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનના વડા તરીકે ફરી નિયુક્ત થયેલા આઇએએસ ઑફિસર અશ્વિની ભીંડેએ શનિવારે મરોલના કારશેડનું નિરીક્ષણ કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

કોલાબા-બાંદરા-સીપ્ઝ સુધીની મેટ્રો-૩નું કારશેડ આરેમાં કરવા હાલની સરકાર પ્રયાસ કરી રહી છે અને એ પહેલાંની મહાવિકાસ આઘાડીની સરકાર એ કારશેડ કાંજુરમાર્ગમાં બનાવવા માગતી હતી. જોકે એનો નિર્ણય ક્યારે આવશે એ બાબતે દ્વિધા હોવાથી હાલ મરોલમાં ટેમ્પરરી કારશેડ તૈયાર કરાઈ રહ્યું છે. જોકે હજી એ પૂરો તૈયાર થયો ન હોવાથી આંધ્ર પ્રદેશમાં બનીને તૈયાર થઈ ગયેલી મેટ્રોની પહેલી પ્રોટોટાઇપ ટ્રેન મુંબઈ લાવી શકાતી નથી અને એનું ટેસ્ટિંગ થઈ શકતું નથી. હાલમાં જ મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશનના વડા તરીકે ફરી નિયુક્ત થયેલા આઇએએસ ઑફિસર અશ્વિની ભીંડેએ શનિવારે મરોલના કારશેડનું નિરીક્ષણ કર્યું હતું. જો બધું સમુંસૂતરું પાર ઊતરશે તો ઑગસ્ટ મહિનામાં એ ટ્રેન (રેક) મુંબઈ લાવીને ટેસ્ટિંગ શરૂ થવાની સંભાવના છે. મુંબઈ મેટ્રો દ્વારા ૩૧ પ્રોટોટાઇપ ટ્રેનનો ઑર્ડર આપવામાં આવ્યો છે, જે આંધ્ર પ્રદેશના શ્રીસીટીમાં તૈયાર થઈ રહી છે. પહેલી ટ્રેન તો તૈયાર થઈ પણ ગઈ છે. એ ઑગસ્ટ મહિનામાં મુંબઈ લવાય એવી શક્યતા છે. મુંબઈ મેટ્રો-૩નો કેટલોક ભાગ અન્ડરગ્રાઉન્ડ છે. જે ટ્રેન આવશે એની ચકાસણી મરોલ મેટ્રો સ્ટેશનથી મરોશીના કારશેડના છેવાડે સુધીના ત્રણ કિલોમીટરના પટ્ટામાં કરાશે અને અન્ડરગ્રાઉન્ડ ટનલમાં પણ કરવામાં આવશે. મેટ્રો-૩નો પહેલો આરેથી બીકેસી સુધીનો તબક્કો ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ચાલુ કરવાની એમએમઆરસીએલની ધારણા છે.   

mumbai mumbai news mumbai metro