12 March, 2026 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થાણેમાં ટેસ્ટ-ડ્રાઇવ દરમ્યાન ખાડામાં પડેલી કાર.
થાણે-વેસ્ટના પાચપાખાડી વિસ્તારમાં મંગળવારે સાંજે એક ટેસ્ટ-ડ્રાઇવ દરમ્યાન મહિલા ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવતાં ગંભીર અકસ્માત થયો હતો. કાર પહેલાં રસ્તા પર ઊભેલાં ૩ વાહનો સાથે અથડાઈ હતી અને ત્યાર બાદ બાંધકામ-સાઇટના લગભગ ૨૦ ફુટ ઊંડા ખાડામાં પટકાઈ હતી. અકસ્માતનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં કાર ઊંધી પડી ગઈ હતી અને આસપાસ લોકો ભેગા થયેલા જોવા મળ્યા હતા. આ કાર નજીકના શોરૂમમાંથી ટેસ્ટ-ડ્રાઇવ માટે લેવામાં આવી હતી. કાર ચલાવી રહેલી કલ્યાણના આધારવાડી વિસ્તારમાં રહેતી ૩૬ વર્ષની પ્રિયાકુમારીએ ચાલુ કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ ઘટના સમયે કારના શોરૂમના બે કર્મચારીઓ પણ કારમાં હાજર હતા.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના સિનિયર અધિકારી યાસિન તડવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે કાર પહેલાં રસ્તા પર ઊભેલી રિક્ષા અને બે ટૂ-વ્હીલર સાથે અથડાઈ હતી. ત્યાર બાદ એ બાંધકામ-સ્થળનાં સુરક્ષા બૅરિકેડ્સ તોડીને અંદર ઘૂસીને સીધી ઊંડા ખાડામાં પડી હતી. આ ઘટનામાં કારમાં સવાર ત્રણેય લોકોને ઈજાઓ થઈ હતી. સ્થાનિક રહેવાસીઓ અને અમારી ટીમે ઝડપથી બચાવકામગીરી કરી તમામને બહાર કાઢીને નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. કારની ઍરબૅગ ખૂલતાં ગંભીર જાનહાનિ ટળી હતી અને ત્રણે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી.’