થાણેમાં ટ્રક સાથે કાર અથડાઈ, કારના ડ્રાઇવરે જીવ ગુમાવ્યો

15 April, 2026 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે વહેલી સવારે થયેલા આ ઍક્સિડન્ટમાં ડોમ્બિવલીના ૨૦થી ૨૩ વર્ષના ચાર યુવાનો ઘાયલ

ટ્રકની પાછળ ઘૂસી ગયેલી કારને બહાર ખેંચી કાઢીને ઘાયલ ડ્રાઇવરને એમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

થાણે જિલ્લામાં મુંબઈ-નાશિક હાઇવે પર ગઈ કાલે વહેલી સવારે થયેલા ઍક્સિડન્ટમાં કાર-ડ્રાઇવરનું મોત થયું હતું અને ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (IT) કંપનીના ૪ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ જણાવ્યું હતું કે ‘ખારેગાવ ટોલપ્લાઝા નજીક પેટ્રોલ-પમ્પ પાસે સવારે ૩.૫૫ વાગ્યે અકસ્માત થયો ત્યારે ઘાયલો તેમની IT કંપનીના કામ પરથી ઘરે પાછા ફરી રહ્યા હતા. ડ્રાઇવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. તેણે કારને ટ્રેલર ટ્રકની પાછળની બાજુથી ટક્કર મારી હતી એટલે કાર ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી. ગંભીર ઈજા પામેલા કાર-ડ્રાઇવરને બહાર કાઢીને કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ૨૬ વર્ષનો ડ્રાઇવર દીપક પાટેકર થાણેના વાગળે એસ્ટેટનો રહેવાસી હતો એમ પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.’

કારમાં સવાર અન્ય ૪ લોકો IT કંપનીના કર્મચારીઓ છે. તેમની ઉંમર વીસથી ૨૩ વર્ષ વચ્ચે છે અને બધા ડોમ્બિવલીના રહેવાસી છે. તેમને પણ ગંભીર ઈજાઓ થઈ હતી અને અલગ-અલગ હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

mumbai news mumbai thane road accident nashik maharashtra news maharashtra