મુંબઈ: બ્રેક ધ ચેઇન ઇફેક્ટ : રસ્તાઓ પર બહુ જ પાંખી અવરજવર

16 April, 2021 12:34 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

કોરોનાને રોકવા સરકાર દ્વારા કડક પ્રતિબંધ લગાડવામાં આવ્યા હોવાથી ફરી એક વાર મુંબઈગરાનું જીવન સ્થગિત થઈ ગયું છે અને એ દેખાઈ રહ્યું છે. ટ્રેનોમાં માત્ર અત્યાવશ્યક સેવા, સરકારી કર્મચારીઓ અને બહુ જ જરૂરી કામ હોય તો જ લોકો પ્રવાસ કરે છે. રસ્તાઓ પણ ખાલીખમ

ટ્રેનમાં બહુ ઓછા પ્રવાસીઓ હતા અને તેઓ પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખીને પ્રવાસ કરી રહ્યા હતા.

કોરોનાને રોકવા સરકાર દ્વારા કડક પ્રતિબંધ લગાડવામાં આવ્યા હોવાથી ફરી એક વાર મુંબઈગરાનું જીવન સ્થગિત થઈ ગયું છે અને એ દેખાઈ રહ્યું છે. ટ્રેનોમાં માત્ર અત્યાવશ્યક સેવા, સરકારી કર્મચારીઓ અને બહુ જ જરૂરી કામ હોય તો જ લોકો પ્રવાસ કરે છે. રસ્તાઓ પણ ખાલીખમ છે. વાહનોની અવરજવર ઓછી છે. સ્ટેશનો પર રિક્ષાઓ લાઇન લગાડી પ્રવાસીઓની રાહ જોતી જોવા મળી રહી છે. 

વેસ્ટર્ન સબર્બમાં મોટા ભાગની દુકાનો બંધ હતી. જે થોડા ઘણા ફેરિયા બેસ્યા હતા તેમને પણ પોલીસ અને પાલિકાના કર્મચારીઓએ આવીને ત્યાંથી ખસેડ્યા હતા. મલાડ-ઈસ્ટમાં હાજી બાપુ રોડ પર શિવ વડાપાંઉના સ્ટૉલ પર કેટલાક લોકો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે દિંડોશી પોલીસની વૅનમાં બેસેલા ઇન્સ્પેક્ટરે તરત જ સ્ટૉલ બંધ કરવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘સ્ટૉલ પર ઊભા રહીને ખાવાની પરવાનગી નથી. લોકોને પાર્સલ આપી શકો. એથી તરત જ લોકોએ વિખેરાઈ જવું પડ્યું હતું. એ પછી તે મહિલાએ સ્ટૉલ પર પડદો નાખી એના પર પાર્સલ ઓન્લીનું બોર્ડ લગાડી દીધું હતું, પણ તેમના કહેવા પ્રમાણે કોઈ પાર્સલ લેવા આવતું નથી.’  

મલાડ-વેસ્ટમાં સ્ટેશનને સમાંતર રોડ પરની શાકમાર્કેટ અને અન્ય ફેરિયાઓને પોલીસે બેસવા ન દેતાં રોડ એકદમ ખાલીખમ લાગી રહ્યો હતો. જોકે લોકો પણ ખરીદી કરવા નીકળ્યા નહોતા. 

મલાડ-વેસ્ટમાં પણ સ્ટેશનને સમાંતર ગોરેગામ તરફ જતા માર્કેટ રોડ પર જ્યાં આખો દિવસ શાકભાજીના ફેરિયાઓ અને કપડાં, કટલરી, ઇમિટેશન જ્વેલરીના ખૂમચા લઈ ફેરિયાઓ બેસતા હોય છે એ આખો રોડ પોલીસે ખાલી કરાવી દીધો હતો. કોઈ પણ ફેરિયાને ત્યાં ધંધો કરવા બેસવા દેવામાં આવ્યા નહોતા. જોકે શાકભાજી કે અન્ય ખરીદી કરવા લોકો પણ નીકળ્યા નહોતા અને સદા ધમધમતો એ રોડ ખાલીખમ દેખાઈ રહ્યો હતો.

ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે બોરીવલીથી ચર્ચગેટ જતી ટ્રેનમાં બહુ જ ઓછા પ્રવાસીઓ મુસાફરી કરી રહેલા જણાયા હતા. એટલું જ નહીં, કોચની અંદર પણ વચ્ચેની સીટ ખાલી રાખી બે સીટ પર જ લોકો પ્રવાસ કરી રહ્યા હતા. દરેક લોકોએ પ્રૉપર માસ્ક પણ પહેર્યો હતો અને ઘણા લોકોએ ટ્રેનમાં ચડ્યા બાદ સૅનિટાઇઝરથી તેમના હાથ પણ સ્વચ્છ કરી લીધા હતા. આમ કોરોના મહામારીના કારણે ચેતી ગયેલા લોકોએ બને એટલી વધુ કાળજી લેવાનું ચાલુ કરી દીધું છે. 

mumbai mumbai news coronavirus covid19 lockdown malad bakulesh trivedi