બ્રેઇનમાં ઈજા થઈ, પણ એની ખબર જ ન પડતાં જૈન ટીનેજરનું થયું મૃત્યુ

20 November, 2021 01:14 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

પુત્ર જવાના દુ:ખમાં સમય પસાર કરવાને બદલે તે બીજા લોકોના શરીરમાં જીવતો રહે એ માટે પરિવારે અવયવો ડોનેટ કર્યા

બ્રેઇનમાં ઈજા થઈ, પણ એની ખબર જ ન પડતાં જૈન ટીનેજરનું થયું મૃત્યુ

નાગપુરમાં રહેતા ગુજરાતી જૈન પરિવારમાં ૧૭ વર્ષના કિશોરનું અવસાન થયું હોવાની આઘાતજનક ઘટના ગુરુવારે બની છે. એકમાત્ર સંતાન એવા પુત્રને ગુમાવ્યા બાદ દુઃખી થઈને હતાશામાં સરી પડવાને બદલે માતા-પિતાએ પુત્રના શરીરનાં અંગ દાન કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું.
મુંબઈમાં બોરીવલી અને વિરારમાં ઘર ધરાવતા અને અત્યારે નાગપુરમાં રહેતા મૂળ ધોરાજીના દેરાવાસી જૈન દેવાંગ જયંતીભાઈ શાહ માતા-પિતા, પત્ની દર્શના અને પુત્ર તીર્થ સાથે નાગપુરમાં રહે છે. ૧૪ નવેમ્બરે તીર્થના માથામાં દુખાવો થતો હોવાથી દેવાંગ શાહે ફૅમિલી ડૉક્ટર પાસેથી દવા મેળવીને તીર્થને આપતાં તેને ઠીક લાગ્યું હતું. જોકે બીજા દિવસે બપોરે તીર્થને અચાનક ઊલટી થવા લાગતાં તેને તાત્કાલિક એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે હૉસ્પિટલ પહોંચતા પહેલાં જ તીર્થનું શરીર ઠંડું પડી ગયું હતું. 
આ વિશે દેવાંગ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માથામાં અંદર કોઈક ગંભીર ઈજા થવાથી તીર્થ જોખમમાં મુકાયો હોવાનો ખ્યાલ આવતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. ૩૦ કલાક બાદ પણ તેનામાં જરાય ચેતના ન દેખાતાં ડૉક્ટરોએ તેને બ્રેઇન ડેડ ડિક્લેર કર્યો હતો. માત્ર ૧૭ વર્ષનો એકનો એક પુત્ર આવી રીતે જતો રહ્યો હોવાનું જાણ્યા બાદ અમે રીતસરના ભાંગી પડ્યા હતા. જોકે અડધી રાત્રે કોઈને પણ કોઈ મદદની જરૂર હોય તો તીર્થ દોડી જતો. તે ખૂબ જ ઍક્ટિવ છોકરો હતો. તે તો આપણી વચ્ચેથી વિદાય થઈ ગયો છે, પરંતુ તેના શરીરના અવયવો કોઈને કામ આવે તો તે બીજાના શરીરમાં જીવતો રહેશે એવા આશ્વાસન સાથે અમે હૉસ્પિટલના ડૉક્ટરોને વાત કરતાં તેમણે ઑર્ગન ડોનેશન માટેની પ્રક્રિયા કરી હતી. અમે તીર્થનાં બંને લીવર, હૃદય, ફેફસાં અને આંખનો કૉર્નિયા ડોનેટ કરવાની કન્સેન્ટ આપી હતી. બે વ્યક્તિને આંખ તો એકને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. ચેન્નઈમાં એક પેશન્ટને હૃદયની જરૂર હતી, પરંતુ ત્યાં સુધી હૃદયને ઝડપથી પહોંચાડવા ચાર્ટર ફ્લાઇટનો ૧૫ લાખ રૂપિયા જેટલો ખર્ચ દરદીના પરિવારજનો કરી શકે એમ ન હોવાથી એ નકામું ગયું હતું.’
એન્જિનિયર થવા માગતો હતો
તીર્થે આ વર્ષે એચએસસી પૂરું કર્યા બાદ સીઈટીની પરીક્ષા આપી હતી. તે આઇટી એન્જિનિયર બનવા માગતો હતો. હાયર એજ્યુકેશન તે કૅનેડામાં કરીને ત્યાં જૉબ મેળવીને સેટલ થવાની ઇચ્છા ધરાવતો હોવાનું તેના પિતા દેવાંગભાઈએ કહ્યું હતું. 
ઑગર્ન ડોનેશન
નાગપુરની ન્યુ એરા હૉસ્પિટલના ડિરેક્ટર ડૉ. ચિંતન સંચેતીએ તીર્થનાં માતા-પિતાએ અયવય ડોનેટ કરવા માગતાં હોવાની હિંમત કરી હોવાનું જાણ્યા બાદ નાગપુરમાં ઑર્ગન ડોનેશન માટે રીજનલ કમ સ્ટેટ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (વેસ્ટ એન્ડ મહારાષ્ટ્ર)ના પ્રેસિડન્ટ ડૉ. વિભાવરી દાણીનો સંપર્ક કરીને બધી વ્યવસ્થા કરી આપી હતી. ડૉ. ચિંતન સંચેતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એકમાત્ર અને ટીનેજ પુત્ર ગુમાવ્યા બાદ પણ તેનાં માતા-પિતાએ હિંમત ભેગી કરીને ઑર્ગન ડોનેટ કરવાનો લીધેલો નિર્ણય પ્રેરણાદાયી છે. તેમના આ નિર્ણયથી અનેક લોકો આવું કંઈ બને ત્યારે યોગ્ય નિર્ણય લઈને બીજા લોકોને નવું જીવન અપાવશે.’

Mumbai mumbai news prakash bambhrolia