બોરીવલીના જ્વેલરને નકલી દાગીના પધરાવીને ૧૯ લાખ રૂપિયાના સાચા દાગીના પડાવી ગયો ગઠિયો

10 June, 2025 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેલ્સ-ગર્લે જૂના દાગીના લઈને સામે ૧૯.૪૩ લાખ રૂપિયાની કિંમતના નવા દાગીના આપી દીધા હતા. સેલ્સ-ગર્લે પૅન કાર્ડ માગતાં રાકેશ બગલાએ થોડા ટાઇમમાં આપી જવાનું કહ્યું હતું.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બોરીવલી-વેસ્ટમાં આવેલી જ્વેલરી શૉપમાં જૂના દાગીના આપીને નવા લેવાના સોદામાં એક ગઠિયો નકલી દાગીના આપીને ૧૯.૪૩ લાખ રૂપિયાની કિંમતના નવા દાગીના લઈ ગયો હતો. CCTV ફુટેજને આધારે બનાવના એક મહિના બાદ બોરીવલી પોલીસે રાકેશ બગલા નામની વ્યક્તિની ધરપકડ કરી છે.

ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ (FIR) મુજબ ધર્મેશ સોની નામની વ્યક્તિની બોરીવલી-વેસ્ટમાં દાગીનાની દુકાન છે, જ્યાં તેઓ જૂના દાગીના પરત લેવાનું કામ પણ કરે છે. ૯ મેના રોજ બપોરે પોણાચાર વાગ્યે અપરાધી રાકેશ બગલા પોતાનું નામ વિક્રાંત ઠાકુર જણાવીને દુકાનમાં આવ્યો હતો. ધર્મેશ સોની જમવા ગયા હતા એટલે તેમની દુકાનમાં કામ કરતી સેલ્સ-ગર્લ રીટા વાઘેલાએ ગ્રાહક બનીને આવેલા ગઠિયા સાથે વાત કરી હતી. સેલ્સ-ગર્લે જૂના દાગીના લઈને સામે ૧૯.૪૩ લાખ રૂપિયાની કિંમતના નવા દાગીના આપી દીધા હતા. સેલ્સ-ગર્લે પૅન કાર્ડ માગતાં રાકેશ બગલાએ થોડા ટાઇમમાં આપી જવાનું કહ્યું હતું.

દુકાનના માલિક ધર્મેશ સોની પરત ફર્યા ત્યારે દાગીના તપાસતાં તેમને ખ્યાલ આવ્યો કે રાકેશ બગલાએ આપેલા બધા જ દાગીના નકલી છે. આ બાબતે તેમણે પોલીસ-ફરિયાદ નોંધાવી. બોરીવલી પોલીસે CCTV ફુટેજ અને ટે​ક્નિકલ ડેટાના આધારે રાકેશ બગલાને શોધીને તેની ધરપકડ કરી હતી. તેણે પોતાનો ગુનો પોલીસ સમક્ષ કબૂલ્યો હતો. ટૂંક સમયમાં તેની પાસેથી અસલી દાગીના જપ્ત કરવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું.

borivali crime news mumbai crime news mumbai news news mumbai police mumbai