રીડેવલપમેન્ટમાં જોડાવા પહેલાં જ બની ગયા બેઘર

11 July, 2022 09:46 AM IST  |  Mumbai | Prajakta Kasale

આ વાત છે બોરીવલીની સોસાયટીના મેમ્બરોની. આમ તો તેમનું બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું છે, પણ અમુક રહેવાસીઓ બિલ્ડર સાથેના વિવાદને લીધે ઘર ખાલી નહોતા કરતા. એવામાં એક વિંગમાં પિલરનો ભાગ તૂટી પડતાં સુધરાઈએ કર્યું બિલ્ડિંગ સીલ

બોરીવલી-પશ્ચિમમાં સાંઈધામ સોસાયટીમાં એફ વિંગના પિલરનો એક ભાગ તૂટી ગયો હતો

સુધરાઈએ બોરીવલી-પશ્ચિમમાં એક હાઉસિંગ સોસાયટી જર્જરિત શ્રેણીમાં ન હોવા છતાં એના એક પિલરનો ભાગ તૂટી પડતાં ખાલી કરાવી છે. આ બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગયું છે, પણ અમુક રહેવાસીઓને વાંધો હોવાથી તેમણે પોતાની જગ્યા ખાલી નહોતી કરી. તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો અને રહેવાસીઓનું કહેવું છે કે તેમને બિલ્ડર તરફથી કોઈ જવાબ નહોતો મળતો.

બોરીવલીના સાંઈબાબાનગર ખાતે આવેલી સાંઈધામ સોસાયટીના રહેવાસીઓએ શુક્રવારે સાંજે ‘એફ’ વિંગના પિલરમાં મોટી તિરાડ હોવાનું નોંધ્યું હતું. તેમણે બીએમસીને આની જાણ કરતાં સુધરાઈએ તિરાડનું નિરીક્ષણ કર્યા બાદ બિલ્ડિંગનું પાવર અને પાણીનું કનેક્શન કાપી નાખ્યું હતું. ત્યાર બાદ તેમણે બાકી રહેલા રહેવાસીઓને જગ્યા ખાલી કરવા કહ્યું હતું. આને પગલે શનિવારે રહેવાસીઓએ તેમનો સામાન પૅક કર્યો હતો અને બિલ્ડિંગ ખાલી કરીને કાયમ માટે ચાલ્યા ગયા હતા.

બિલ્ડિંગના એક રહેવાસી શ્રેણિક શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શુક્રવારે સાંજે લગભગ છ વાગ્યે કોઈકે મોટી તિરાડ નોંધતાં રહેવાસીઓમાં ગભરાટ વ્યાપી ગયો હતો. બીએમસીની ટીમે બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું અને તમામ રહેવાસીઓએ તત્કાળ સોસાયટી ખાલી કરી નાખી હતી. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. હું અને મારી પત્ની મારા મિત્રના ઘરે ગયાં તથા મારા દીકરાને તથા ૮૧ વર્ષનાં મમ્મીને મારા ભાઈના ઘરે મોકલી દીધાં.’

લગભગ ૩૦ વર્ષ કરતાં વધુ જૂના સાંઈધામમાં ભોંયતળિયા સાથે ચાર માળનાં કુલ છ બિલ્ડિંગ છે. બીએમસીએ સ્ટ્રક્ચરલ ઑડિટ માટે સોસાયટીને નોટિસ મોકલી હતી. જોકે સોસાયટીની કમિટીએ કોઈ રિપોર્ટ સબમિટ કર્યો નથી એમ જણાવતાં બીએમસી આર-સેન્ટ્રલ વૉર્ડનાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર નિવૃત્તિ ગોંધાળીએ ઉમેર્યું હતું કે બિલ્ડિંગ બીએમસીની જર્જરિત ઇમારતોની યાદીમાં સમાવિસ્ટ નહોતું.

સુધરાઈએ રીડેવલપમેન્ટ માટે આ બિલ્ડિંગની આઇઓડી (ઇન્ટિમેશન ઑફ ડિસઅપ્રૂવલ) આપી દીધું છે. શ્રેણિક શાહે વધુમાં કહ્યું હતું કે ‘અમને બિલ્ડરે પ્લાનમાં જે ઑફર કર્યું હતું એ મંજૂર નથી. અમે આ વાત બિલ્ડરને કહી હતી, પણ તેમણે અમને કોઈ જવાબ નથી આપ્યો. હવે અમારી પાસે કોઈ ‌વૈકલ્પિક જગ્યા પણ બચી નથી. હવે અમે ઓછામાં ઓછા એક મહિના માટે ભાડા પર રહેવા માટે જગ્યા શોધી રહ્યા છીએ.’

બિલ્ડિંગના કુલ ૧૪૭ પરિવારોમાંથી ૧૨૫ પરિવારોએ તેમનાં ઘર ખાલી કરી દીધાં છે અને બાકી રહેલા પરિવારો તિરાડ દેખાયા બાદ રહેઠાણ ખાલી કરી ગયા છે.  

શુક્રવારે યોજાયેલી મીટિંગમાં ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભીડેએ બીએમસીના અધિકારીઓને જર્જરિત મકાનોની યાદી તૈયાર કરવા અને પોલીસની મદદથી તેમને ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે. પોલીસ કમિશનર વિવેક ફણસળકરે આવાં બિલ્ડિંગો ખાલી કરાવવા વર્ક-ફોર્સ આપવાની તૈયારી બતાવી છે. જર્જરિત શ્રેણી હેઠળ કુલ ૩૮૭ ઇમારતો છે, જેમાંથી ૧૫૦થી વધુ ઇમારતો હજી ખાલી કરવામાં આવી નથી અને રહેવાસીઓએ કોર્ટમાં નિર્ણય સામે અપીલ કરી છે.

mumbai mumbai news borivali prajakta kasale