ગીતાંજલિનગરનું કોકડું સવા મહિના પછી પણ ગૂંચવાયેલુ જ

26 September, 2022 02:01 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

બોરીવલીના સાંઈબાબાનગરમાં આવેલા શ્રી ઓમ ગીતાંજલીનગરનું ‘એ’ બિલ્ડિંગ તોડ્યા પછી એની ‘બી’ વિંગ તોડી નાખવામાં આવી હતી અને હવે ‘સી’ વિંગને પણ બીએમસીએ ખાલી કરવાની નોટિસ આપતાં એણે કોર્ટમાંથી ત્રણ મહિનાની રાહત મેળવી

ગીતાંજલિનગરની ફાઇલ તસવીર

બોરીવલી-વેસ્ટમાં સાંઈબાબાનગરમાં આવેલા શ્રી ઓમ ગીતાંજલીનગરનું ‘એ’ બિલ્ડિંગ ૧૮ ઑગસ્ટે તૂટી પડ્યું હતું. એ પછી એ જ સોસાયટીની બી-૧, બી-૨ અને બી-૩ વિંગ પણ તોડી નાખવામાં આવી હતી. જોકે એ પછી હવે લેટેસ્ટ સમાચાર એ છે કે ગીતાંજલિનગરનાં ‘સી’ ટાઇપનાં ૯ બિલ્ડિંગની અલગ સોસાયટી જેનું રીડેવલપમેન્ટ લોઢા બિલ્ડર કરવાના હતા અને એ માટે પ્રિન્સિપલી બધા ઍગ્રી પણ થઈ ગયા હતા અને લોઢા બિલ્ડરનું બોર્ડ પણ લાગી ગયું હતું એ હવે અટકી ગયું છે. લોઢા બિલ્ડરે હવે એમાંથી પોતાનો હાથ ખેંચી લીધો છે. અધૂરામાં પૂરું, હવે ‘સી’ વિંગના ૧૮૦ ફ્લૅટના રહેવાસીઓને બીએમસીએ બિલ્ડિંગો જર્જરિત થઈ ગયાં હોવાથી સી-૧ કૅટેગરીની નોટિસ આપી છે. જોકે એ સોસાયટીએ કોર્ટમાં જઈને ત્રણ મહિનાનો સ્ટે મેળવ્યો છે. જોકે એ પછી પણ મકાન તો ખાલી કરવું જ પડશે. જે રીતે ‘એ’ અને ‘બી’ બિલ્ડિંગની સોસાયટીના રહેવાસીઓએ બિલ્ડર સાથેની ખેંચતાણમાં સમય ગુમાવતાં હવે તેમનું કામ હાલ તો ખોરંભે ચડ્યું છે એમ આમનું પણ કામ હવે અટકી ગયું છે અને કોકડું ગૂંચવાયું છે. 

મૂળમાં ‘સી’ ટાઇપનાં બિલ્ડિંગો સુધી જવાનો રસ્તો પણ ‘એ’ અને ‘બી’ ટાઇપના બિલ્ડિંગ પાસેથી જ છે. જો ‘સી’ વિંગનું રીડેવલપમેન્ટ કરવું હોય તો ઍક્સેસ રોડ જોઈએ અને એ માટે આગળની સોસાયટી પાસેથી એટલી જગ્યા મેળવવી પડે. એક વાત સારી એ છે કે બંને સોસાયટીઓએ ઓરિજિનલ બિલ્ડર પાસેથી કન્વેયન્સ કરાવી લીધું છે. જોકે અન્ય એક સમસ્યા એ પણ છે કે કૉમ્પ્લેક્સમાં જે ગાર્ડન છે એ બીએમસીનું છે. એથી એ જગ્યા પણ ભવિષ્યમાં અંતરાયરૂપ બની શકે એમ છે. 

બી-૧ બિલ્ડિંગના રહેવાસી શિરીષ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારું જે જલારામ સંસ્કૃતિ બિલ્ડર સાથે રીડેવલપમેટ થવાનું છે એનું ડેવલપમેન્ટ ઍગ્રીમેન્ટ ઑલમોસ્ટ તૈયાર થઈ ગયું છે, પણ હજી એ સાઇન નથી થયું. જોકે હવે ‘સી’ બિલ્ડિંગ પણ અમારી સાથે જોડાઈ જાય એવી શક્યતા છે. એમની પણ મીટિંગો ચાલી રહી છે. જો એક જ બિલ્ડર આખા કૉમ્પ્લેક્સનું કામ હાથમાં લે તો તેને પણ ફાયદો થાય અને સામે અમને પણ ફાયદો થાય. જોકે જેમ અમારા કેટલાક લોકો પહેલાં વિરોધ કરી રહ્યા હતા એમ ‘સી’ બિલ્ડિંગમાં પણ કેટલાક લોકોનો વિરોધ છે. જોકે હવે જ્યારે બીમસીએ તેમને પણ નોટિસ આપીને ખાલી કરવા કહ્યું છે ત્યારે હવે વહેલી તકે વાતનો નિવેડો આવે એ જરૂરી છે, જેથી રીડેવલપમેન્ટનું કામ આગળ વધી શકે.’ 

mumbai news borivali brihanmumbai municipal corporation bakulesh trivedi mumbai