અમે ભૂખ્યા રહીશું, પણ મૂંગા જીવોને ભૂખ્યા નહીં રાખીએ

02 May, 2025 07:04 AM IST  |  Mumbai | Ruchita Shah

સંકલ્પશક્તિ એવી વસ્તુ છે કે જો એને આત્મસાત્ કરી લીધી તો ભલભલી તકલીફોમાં પણ ટકી રહેવાનું સામર્થ્ય તમે કેળવી શકતા હો છો. એમાં પછી તમારી બીમારી નથી નડતી કે તમારી ઉંમરને કારણે આવતી અક્ષમતાઓ પણ આડે નથી આવતી.

સેવાને સમર્પિત નલિનીબહેન અને પ્રવીણ શાહ. )તસવીરો: આશિષ રાજે)

સંકલ્પશક્તિ એવી વસ્તુ છે કે જો એને આત્મસાત્ કરી લીધી તો ભલભલી તકલીફોમાં પણ ટકી રહેવાનું સામર્થ્ય તમે કેળવી શકતા હો છો. એમાં પછી તમારી બીમારી નથી નડતી કે તમારી ઉંમરને કારણે આવતી અક્ષમતાઓ પણ આડે નથી આવતી. આ સંકલ્પબળમાં શ્રદ્ધા અને જીવદયા ભળે ત્યારે એનું તેજ અનેકગણું વધી જતું હોય છે. ફિલોસૉફી જેવી લાગતી આ વાતને બોરીવલીના કોરા કેન્દ્ર વિસ્તારમાં રહેતું એક અનૂઠું કપલ જીવી રહ્યું છે. ૭૫ વર્ષના રિટાયર્ડ બૅન્ક-મૅનેજર પ્રવીણ શાહ અને તેમનાં ૭૫ વર્ષનાં પત્ની નલિની શાહ છેલ્લાં ૨૦ વર્ષથી દરરોજ જાતે રોટલી બનાવીને કૂતરાઓને ખવડાવવાના અને કબૂતરને દરરોજનું ચારથી પાંચ કિલો ચણ ખવડાવવાના, ૧૦ લીટર દૂધ પિવડાવવાના, ત્રણથી ચાર કિલો બિસ્કિટ ખવડાવવાના ક્રમ નિભાવી રહ્યાં છે. દરરોજની ૨૦૦ જેટલી રોટલી ઘરમાં બનાવવાની અને જાતે જ જુદા-જુદા વિસ્તારોમાં જઈને એને કૂતરાઓને દૂધ સાથે ખવડાવવાની અને મોટા ભાગનો ખર્ચ પોતાના પેન્શનમાંથી જ કાઢવાનો. પોણા ભાગની પેન્શનની રકમ આ દંપતી મૂંગા જીવોને ખવડાવવામાં વાપરી નાખે છે. ઉંમર અને ઉંમર સાથે આવતી બીમારીઓ વચ્ચે પણ અડીખમ રીતે સક્રિય આ દંપતી પાસેથી કેટલીક ઇન્ટરેસ્ટિંગ વાતો જાણીએ.

શરૂઆત કેવી રીતે?
મારી બાએ કહેલું કે મૂંગા જીવોને ખવડાવજે અને બસ, અમે એ વાત પકડી લીધી એમ જણાવીને વાતની શરૂઆત કરતાં પ્રવીણભાઈ કહે છે, ‘અમે જૈન છીએ અને જીવદયા જૈનોની કુળદેવી છે. જીવદયા અમારા લોહીમાં વહે છે, પરંતુ મારી બાની ઇચ્છાને માન આપીને તેમના ગયા પછી તેઓ જે કામ કરતાં એ અમે શરૂ કર્યું. શરૂઆતમાં દરરોજની ૧૦૦ રોટલી ઘરે જ બનાવીને એના ટુકડા દૂધમાં મિક્સ કરીને કૂતરાઓને ખવડાવવા જવાનું શરૂ કર્યું. એરિયા ફિક્સ હતા. સુમેરનગર પાસેના એક વિસ્તારમાં અને એ સિવાય ઘરની પાસેના બીજા કેટલાક વિસ્તારોમાં જતા.’
૧૦૦થી શરૂ કરેલી રોટલીની સંખ્યા આજે ૨૦૦એ પહોંચી છે. દરરોજ બે-અઢી કલાક ઊભા રહીને રોટલી બનાવતાં નલિનીબહેનને પગમાં બે વખત સર્જરી થઈ છે. ડૉક્ટરોએ લાંબો સમય ઊભા રહેવાની મનાઈ ફરમાવી છે, પરંતુ એ પછીયે તેમના ઉત્સાહમાં કોઈ કમી નથી આવી. નલિનીબહેન કહે છે, ‘જે અમે ઘરે ખાઈએ એ જ મૂંગા જીવોને પણ ખવડાવવાનું. એટલે ઘરની જ રોટલી બનાવીને ખવડાવવાનો મારો આગ્રહ હોય છે. મૂંગા જીવોના જે આશીર્વાદ મળે એની તમે કલ્પના પણ ન કરી શકો. હું ૨૦૧૮માં એક વાર પડી ગઈ અને પગમાં ભયંકર ઈજા થઈ. મને હતું કે માત્ર મોચ હશે, પરંતુ તપાસ કરતાં ખબર પડી કે ઘૂંટણ જ આખા ફાટી ગયા છે. ઑપરેશન કરવું પડ્યું. પગમાં પ્લેટ નાખી. ૨૯ સ્ક્રૂ નાખ્યા. ત્રણ મહિના પ્લાસ્ટર રહ્યું છતાં મેં મૂંગા જીવોને ખવડાવવાનું કામ ન રોક્યું. ઘરે એક બહેન રાખ્યાં જેઓ દરરોજ કૂતરા માટે રોટલી બનાવે અને ખવડાવી પણ આવે. ગયા વર્ષે ની-રિપ્લેસમેન્ટની સર્જરી થઈ. સર્જરીના બીજા દિવસે હું ચાલવા માંડેલી અને ડૉક્ટરો પણ તાજુબમાં હતા, કારણ કે જે ઘૂંટણમાં પહેલાં વાગ્યું હતું એમાં જ ફરી સર્જરી થઈ છતાં મને ખાસ ફરક નથી પડ્યો. હા, ચાલવામાં તકલીફ પડે છે, પરંતુ રોટલી તો ઊભા-ઊભા જ બનાવું અને બે-અઢી કલાકના એ સમયમાં મને કોઈ દુખાવો નથી થતો.’

એક દિવસ ખાડો ન પડે
નલિનીબહેન છેલ્લાં પાંચ વર્ષથી પોતાની બીમાર બહેનને મળવા પણ નથી ગયાં, કારણ કે તેઓ આ કામમાં બ્રેક પડે એ નથી ઇચ્છતાં. તેઓ કહે છે, ‘જે કામ ટાળી શકાય એને ટાળતી રહું છું, પણ ધારો કે મેડિકલ ઇમર્જન્સી આવે તો હું માણસો રાખીને પણ રોટલી બનાવડાવી દઉં છું. બહારથી રોટલી ખરીદીએ તો ૧૦ રૂપિયાની એક રોટલી આવે. જરૂર પડ્યે બહારથી ખરીદીને પણ રોટલી કૂતરાઓને ખવડાવીએ, પરંતુ મૂંગા જીવોને ભૂખ્યા નથી રાખતા. અમે બન્નેએ વર્ષો પહેલાં સંકલ્પ લીધો હતો કે પોતે ભૂખ્યા રહીશું પણ મૂંગા જીવોને ભૂખ્યા નહીં રાખીએ. અત્યારે મારા હસબન્ડના પેન્શન પર જ અમારું ગુજરાન પણ ચાલે છે. મારો દીકરો સૉફ્ટવેર ડેવલપર છે અને અમે સાથે જ રહીએ છીએ. પહેલાં તો તેના તરફથી પણ આર્થિક મદદ મળતી આ કામમાં, પરંતુ કોવિડ દરમ્યાન તેની જૉબ પર અસર થઈ એટલે એ બંધ થયું. શરૂઆતમાં અમે બહારથી એક પણ રૂપિયો નહોતા લેતા, પરંતુ અમારા ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિએ સજેસ્ટ કર્યું કે ઘણા લોકો સમય અને સંજોગોની અનુકૂળતાના અભાવને કારણે આવું કામ કરવા માગતા હોય તો પણ કરી નથી શકતા, એવા સમયે તમે તેમના તરફથી તમારા થઈ રહેલા કામમાં તેમનો ભાગ ઉમેરી દો તો તેમને પણ લાભ મળે અને વધુ મૂંગા જીવોની આંતરડી ઠરે. એટલે હવે ક્યારેક કોઈ અમને પોતાના જન્મદિવસ નિમિત્તે કંઈક રકમ આપે તો અમે તેમની હાજરીમાં જ એની વસ્તુ લાવીને જીવોને ખવડાવી દઈએ છીએ.’


સારા-નરસા અઢળક અનુભવો
એક સમયે ઍનિમલ વેલ્ફેર ઑફિસર તરીકે સક્રિય રહી ચૂકેલા અને હવે સંપૂર્ણ ઍનિમલ-લવર તરીકે જીવનને સમર્પિત કરનારા પ્રવીણભાઈ કહે છે, ‘કૂતરાઓને ખવડાવવા હું ઘણી વાર રાતે જાઉં, કારણ કે ઘણી સોસાયટીના લોકો હું કૂતરાઓને ખવડાવું એનો વિરોધ કરતા હોય છે. જોકે લોકોની પરવા કર્યા વિના હું મારું કામ કરું છું. એક વાર રાતના સમયે હું કૂતરાને ખવડાવી રહ્યો હતો ત્યારે એક દારૂડિયો મારી સાથે ઝઘડવા આવ્યો. મને કહે કે કૂતરાને ખવડાવવાના તારી પાસે પૈસા છે તો મને પૈસા આપ, આ કૂતરો મને કરડ્યો તો? મારી પાસે ૨૦૦૦ રૂપિયા માગતો હતો. મેં ન આપ્યા તો તેણે બધું દૂધ ઢોળી નાખ્યું અને મારા પર હુમલો કર્યો. બીજા દિવસે પોલીસમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે તેને પકડીને સીધો કર્યો. તેની સામે ફરિયાદ નોંધીને તેની પાસેથી ફાઇન પણ લીધો હતો. આવું ઘણી વાર થયું છે જેમાં લોકો આવીને કંઈક બોલી ગયા હોય. જોકે સાથે આ કામને બિરદાવનારા લોકો પણ મળી જતા હોય છે. અમારા માટે કોણ શું કહે છે એ મહત્ત્વનું નથી હોતું. મૂંગાં પ્રાણીઓની જે દુઆ મળે, એમને ખવડાવવાથી જે સંતોષ મળે એ જ અમારું પ્રેરકબળ છે. દરરોજ સવારે હું પૂજા કરવા જાઉં ત્યારે કૂતરાઓ માટે થોડીક રોટલી, ત્રણથી ચાર કિલો કબૂતરનું ચણ અને શાકાહારી દાણા જે કૂતરાનાં ગલૂડિયાં માટે ખૂબ સારા એ લગભગ બે કિલો મારી સાથે લઈને નીકળું છું. પહેલાં એક દેરાસરમાં પૂજા કરું, પછી મૂંગા જીવોને ભોજન કરાવું અને પછી ફરી બીજાં બે દેરાસરમાં પૂજા માટે જતો હોઉં છું. આ મારું રૂટીન છે. મારી વાઇફ લગભગ સાડાઆઠ વાગ્યા સુધીમાં ૨૦૦ રોટલી બનાવી દેતી 
હોય છે.’

દરરોજ લગભગ ત્રીસથી ૪૦ કૂતરાઓને આ દંપતી ભોજન કરાવે છે. ઘણી વાર શેરીના કૂતરાઓને મુંબઈ મહાનગરપાલિકાની ગાડી કોઈની ફરિયાદના આધારે પકડી જાય તો એમને છોડાવવા પણ તેઓ પહોંચી જાય છે. કોઈ કૂતરી ગલૂડિયાંને જન્મ આપે ત્યારે એક અઠવાડિયા સુધી એના માટે નલિનીબહેન શીરો બનાવીને ખવડાવે છે.

દીક્ષા ન લઈ શક્યાં, પણ...
મૂંગા જીવો માટે ભોજન તૈયાર કરતાં નલિની શાહને દીક્ષા લેવાની ભાવના હતી, પરંતુ સંજોગોને કારણે તેઓ એવું કરી ન શક્યાં. જોકે ધર્મની વિવિધ આરાધનાઓ સાથે તેમણે ક્યારેય નાતો નથી છોડ્યો. તેમણે એક ઉપવાસ, બે ઉપવાસ બિયાસણું, ત્રણ ઉપવાસ બિયાસણું, ચાર ઉપવાસ બિયાસણું એમ વિવિધ રીતે વર્ષીતપનું તપ પણ કર્યું છે. એ સિવાય સળંગ ૪૫ ઉપવાસનું તપ પણ તેમણે કર્યું છે. ગાવાનાં શોખીન અને એક સમયે ઑર્કેસ્ટ્રામાં ગાતાં નલિનીબહેન કહે છે, ‘આ બધી કહેવાની કે જાહેર કરવાની વાતો નથી. મને એ ગમતું પણ નથી. પરમાત્માએ જૈન ધર્મ આપ્યો અને માનવઅવતાર આપ્યો તો મૂંગા જીવોના આવા આશીર્વાદ લેવાના જ હોય. હું આટલું કરી શકું એ માટે પરમાત્માની કૃપા સમજું છું. મૂંગા જીવો મારી રાહ જોઈને ઊભા હોય. એવું કેટલીયે વાર બન્યું છે કે ક્યારેક રાતના સમયે વરસાદ હોય અને મારે વચ્ચે ઊભા રહી જવું પડ્યું હોય તો બધા જ કૂતરાઓ ત્યાં એક ગૅરેજના છાપરા નીચે રાહ જોતા બેઠા હોય. એમના વિરોધીઓ ખૂબ છે. કબૂતરને ચણ ખવડાવવામાં આટલો ઊહાપોહ કરતા લોકોને મારે પૂછવું છે કે પહેલેથી આ ક્રમ ચાલતો આવ્યો છે, ત્યારે તો કોઈને બીમારી નહોતી થતી. તમે આમ આડેધડ પાનની પિચકારી મારતા થૂંકો છો એમાં રોગ નથી ફેલાતો?’

દરરોજ ઊભાં-ઊભાં ૨૦૦થી વધુ રોટલીઓ નલિનીબહેન બનાવે છે. દરરોજ લગભગ ત્રીસથી ૪૦ કૂતરાઓને આ દંપતી ભોજન કરાવે છે. નિયમિત બેથી ત્રણ કિલો દાળિયા કબૂતરને ખવડાવવાનો ક્રમ પણ વર્ષોથી ચાલે છે.

borivali jain community gujarati community news mumbai news mumbai news