બોરીવલીના વડાપાંઉવાળાએ કર્યો મંત્રાલયમાં સુસાઇડનો ડ્રામા

19 March, 2024 10:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BMCના અધિકારીઓ સતત કાર્યવાહી કરીને પરેશાન કરતા હોવાથી સંબંધિત પ્રધાનને મળવા પહોંચ્યો હતો, પણ મુલાકાત ન થતાં તેણે પહેલા અને બીજા માળની વચ્ચે સેફ્ટી-નેટ હોવા છતાં ત્રીજા માળેથી આત્મહત્યા કરવા કૂદકો માર્યો

આત્મહત્યા કરવા કૂદકો મારનારા ફેરિયાને નેટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહેલા લોકો.

મંત્રાલયમાં ગઈ કાલે બપોર બાદ ડ્રામા જોવા મળ્યો હતો. એક વ્યક્તિએ ત્રીજા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પહેલા અને બીજા માળની વચ્ચે સેફ્ટી-નેટ બાંધવામાં આવી છે એમાં અટવાઈ જતાં કૂદકો મારનાર ત્યાં પડ્યો હતો. 

બાવન વર્ષનો અરવિંદ પ્રવીણ બંગેરા બોરીવલીમાં વડાપાંઉનો ધંધો કરે છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સ્થાનિક અધિકારી તેની સામે સતત કાર્યવાહી કરી રહ્યા હોવાથી પરેશાન હતો એટલે તે ગઈ કાલે મંત્રાલયમાં કોઈ પ્રધાનને ફરિયાદ કરવા પહોંચ્યો હતો. પ્રધાન સાથે પોતાની મુલાકાત ન થતાં આ ફેરિયાએ ત્રીજા માળેથી ઝંપલાવ્યું હતું. 

આ ઘટનાનો વિડિયો વાઇરલ થયો હતો, જેમાં તે બોલતો સંભળાય છે કે આ લોકોએ મારું જીવવું હરામ કરી નાખ્યું છે, તેમનાથી પરેશાન થઈને અહીં આવ્યો છું. છત્રપતિ શિવાજી મહારાજની જય. 

મંત્રાલયમાં હાજર લોકોએ અરવિંદ બંગેરાને નેટની એક તરફ પહોંચીને ગૅલરીમાં આવવાનું કહ્યું હતું, પરંતુ તે થોડો સમય નેટમાં વચ્ચેના ભાગમાં જ બેસી રહ્યો હતો. બાદમાં મંત્રાલયના એક સ્ટાફે નેટમાં જઈને આ ફેરિયાને નેટમાંથી બહાર કાઢ્યો હતો. મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનની ટીમે ફેરિયાને તાબામાં લીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

mumbai news mumbai brihanmumbai municipal corporation suicide