ઑનલાઇન ચારધામની યાત્રા બુક કરાવી અને ગુમાવ્યા નવ લાખ રૂપિયા

27 May, 2022 08:26 AM IST  |  Mumbai | Rohit Parikh

સિનિયર સિટિઝન ટ્રાવેલ એજન્ટે અજાણી વ્યક્તિ પાસે જાત્રા બુક કરાવવા જતાં યાત્રા અને પૈસા બન્ને ગુમાવ્યા

ઑનલાઇન ચારધામની યાત્રા બુક કરાવી અને ગુમાવ્યા નવ લાખ રૂપિયા

ઑનલાઇન અને સાઇબર ક્રાઇમમાં દિવસ-દિવસે વધારો થતો જાય છે. આજના યુગમાં ગૂગલ પર સર્ચ કરીને લોકો વિવિધ ક્ષેત્રોના સોર્સ શોધતા હોય છે. આ સોર્સની અંદરની વાસ્તવિકતા વિશે ભાગ્યે જ કોઈ જાણકાર હોય છે. એને કારણે દિનપ્રતિદિન દેશમાં છેતરપિંડીના કેસમાં વધારો થતો જાય છે. પોલીસ ડિપાર્ટમેન્ટે અને સાઇબર ક્રાઇમ બ્રાન્ચે તેમને શોધવા માટે હવાતિયાં મારવાં પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. 
આ વખતે ચારધામ યાત્રા પર ભાવિકોનો જબરદસ્ત ધસારો રહ્યો છે. લોકોને આ યાત્રા માટે જરૂરિયાતના સમયે બુકિંગ મળતું ન હોવાથી ગૂગલ પર સર્ચ કરીને ટ્રાવેલિંગ એજન્ટ ગોતે છે અને એમાંથી ઘણા લોકો છેતરપિંડીનો ભોગ બને છે. આવી જ છેતરપિંડીનો ભોગ ઘાટકોપર-ઈસ્ટના ટ્રેકિંગ કૅમ્પિંગ ટૂરિંગના વ્યવસાય સાથે સંકળાયેલાં ૬૦ વર્ષનાં પુષ્પાબહેન પેથાભાઈ પટેલ બન્યાં છે. તેમણે ગૂગલ પરથી આવેલા ફોન પર ભરોસો કરીને અજાણ્યા ટ્રાવેલિંગ એજન્ટ પાસેથી ચારધામની હેલિકૉપ્ટર યાત્રા બુક કરાવવા જતાં નવ લાખ રૂપિયા ગુમાવ્યા હતા. આ બાબતની ફરિયાદ તેમણે હરિદ્વાર અને દેહરાદૂનથી પાછા આવીને ઘાટકોપરના પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે. 
પુષ્પાબહેન ઘણાં વર્ષોથી ટ્રેકિંગ સાથે ટૂરિઝમનો બિઝનેસ કરે છે. માર્ચ ૨૦૨૨માં તેમની પાસે તેમના એક પરિચિત પરિવારની ચારધામની યાત્રા માટે ઇન્કવાયરી આવી હતી. આ પરિવારને બેસ્ટ રેટ આપી શકે એ માટે પુષ્પાબહેને ગૂગલ પર ચારધામની યાત્રા માટે બેસ્ટ રેટ અને પૅકેજ આપી શકે એવા ટ્રાવેલિંગ એજન્ટની શોધ માટે જાહેરાત મૂકી હતી. આ જાહેરાતની સામે એપ્રિલ મહિનામાં પુષ્પાબહેન પર 90583 00650 નંબર પરથી રાજીવ જૈન નામની એક વ્યક્તિએ ફોન કર્યો હતો. રાજીવ જૈને પુષ્પાબહેનને કહ્યું હતું કે તે દેહરાદૂનની મહાદેવ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સમાંથી વાત કરે છે. રાજીવ જૈને ચારધામની હેલિકૉપ્ટર યાત્રા માટે એક વ્યક્તિના ૧,૭૫,૦૦૦ રૂપિયાનો ભાવ આપ્યો હતો અને પુષ્પાબહેનને ૬૦૦૦ રૂપિયા કમિશનની ઑફર કરી હતી. પુષ્પાબહેનને રાજીવ જૈનના ભાવ સારા લાગવાથી તેને કામ આપવાનો નિર્ણય લીધો હતો. 
આ બાબતની માહિતી આપતાં પુષ્પાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજીવ જૈનના કહેવા પ્રમાણે પહેલાં તો મેં તેણે જણાવેલી વેબસાઇટ www.mahadevtourandtravels.com પરથી ચારધામની હેલિકૉપ્ટર યાત્રાના પૅકેજની બધી માહિતી અને જાણકારી મેળવી હતી. ત્યાર પછી રાજીવ જૈન મારી સાથે કોઈ છેતરપિંડી કરતો નથીને એ જાણવા માટે તેની સાથે ઘણીબધી વાતો કરી હતી તેમ જ તેને ટૂર માટેના પૈસાની ચુકવણી કરતાં પહેલાં તેની પાસેથી આધાર કાર્ડ અને ફોટો મગાવ્યાં હતાં. આ બધું મળ્યા પછી મેં તેના આઇસીઆઇસીઆઇ બૅન્કનો અકાઉન્ટ નંબર 740105500043 અને બૅન્કનો કોડ એમ બધી માહિતી મગાવીને ૩૦ એપ્રિલથી ૧૭ મે સુધીમાં નવ લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. રાજીવ જૈને મારી સાથે બધી જ વાતો વૉટ્સઍૅપના માધ્યમથી કરી હતી. ત્યાર પછી બાકીના પૈસા માટે મેં રાજીવ જૈનને કહ્યું હતું કે હું દેહરાદૂન આવીને તને આપું છું. મારા ક્લાયન્ટનું બુકિંગ ૨૨ મેનું હતું. તેની સાથે વાતચીત થયા પ્રમાણે હું ૨૨ મેએ હરિદ્વાર રેલવે સ્ટેશન પહોંચી ગઈ હતી. એ પહેલાં ૧૭ મેથી રોજ હું રાજીવ જૈનના સંપર્કમાં હતી અને તેણે મને કહ્યું હતું કે તેનો માણસ મને હરિદ્વાર રેલવે સ્ટેશન પર લેવા આવશે. જોકે બપોરે ૧૨.૩૦ વાગ્યે હું હરિદ્વાર રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે મને કોઈ સામે લેવા આવ્યું નહોતું. એટલું જ નહીં, રાજીવ જૈનનો ફોન પણ લાગતો નહોતો અને બંધ આવતો હતો.’
મને ત્યારે જ અહેસાસ થયો કે મારી સાથે છેતરપિંડી થઈ છે એમ જણાવીને પુષ્પાબહેન પટેલે કહ્યું હતું કે ‘રાજીવ જૈનનો ફોન પર સંપર્ક ન થતાં હરિદ્વારથી હું રાજીવ જૈને મને આપેલા દેહરાદૂનના સરનામે પહોંચી હતી. ત્યાં મને ખબર પડી કે તેનું સરનામું પણ ખોટું છે. અનેક શોધખોળ બાદ જે વિસ્તારનું તેણે સરનામું આપ્યું હતું એ વિસ્તારમાં બધા કોર્ટના જજના બંગલાઓ હતા. એમાંથી એક જજ મને મળી ગયા અને તેમણે મારી કથની સાંભળીને દેહરાદૂનના રાજેશ્વરનગર પોલીસ સ્ટેશનમાં જવા કહ્યું. ત્યાં વાત કરતાં ખબર પડી કે રાજેશ્વરનગર પોલીસ સ્ટેશનમાં મારા જેવા અનેક લોકોની રાજીવ જૈન નામના શખ્સે છેતરપિંડી કરી છે. જોકે તેઓ મારી ઝીરો ફરિયાદ લેવા તૈયાર નહોતા. હું ખૂબ રખડપટ્ટી કરીને હરિદ્વાર પાછી પહોંચી ત્યાં જ મને સમાચાર મળ્યા છે કે દેહરાદૂનના રાજપુર પોલીસ સ્ટેશનમાં પણ રાજીવ જૈન સામે કલકત્તાના એક રહેવાસીની સવાછ લાખ રૂપિયા છેતરપિંડીની અને કર્ણાટકના એક પરિવારની ૯૦,૦૦૦ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. એની સામે તેમણે ત્રણ-ચાર જણની ધરપકડ કરી હતી. હું તરત જ રાજપુર જવા રવાના થઈ હતી.’
રાજપુર પોલીસમાંથી ખબર પડી કે એમાં રાજીવ જૈન નહોતો એમ જણાવતાં પુષ્પાબહેને કહ્યું હતું કે ‘મને રાજીવ જૈને મોકલેલા ફોટો અને આધાર કાર્ડ રાજપુર પોલીસે જોતાં જ ત્યાંના કૉન્સ્ટેબલ નીતિનકુમાર જલાલે મને કહ્યું હતું કે રાજીવ જૈનના નામે છેતરપિંડી કરી રહેલા શખ્સનું અસલી નામ રૉબર્ટ ડેવિડ છે. તેના પિતાનું નામ માઇકલ ડેવિડ છે. જોકે રૉબર્ટ ડેવિડ હજી સુધી પકડાયો નથી. મારી સાથે છેતરપિંડી ઘાટકોપરમાં થઈ હોવાથી મને ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તેમણે સલાહ આપી હતી. તેમણે મને સંપૂર્ણ સાથ-સહકાર આપવાની ખાતરી આપી હતી.’
દેહરાદૂનના રાજેશ્વરનગર અને રાજપુર પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદની ફક્ત નોંધ લેવામાં આવી છે એમ જણાવતાં પુષ્પાબહેન પટેલે કહ્યું હતું કે ‘આમ છતાં આ બન્ને પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મારી ફરિયાદની સાથે મારી પીડાની પણ નોંધ લીધી હતી. તેમણે આપેલી જાણકારી મુજબ રાજીવ જૈન ઉર્ફે રૉબર્ટ ડેવિડે ચારધામની યાત્રાના નામે યાિત્રકો સાથે અંદાજે ૨૫ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું કહેવાય છે.’
રાજપુર પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ અને તપાસ અધિકારીએ આ બનાવ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પુષ્પાબહેન પટેલ સિવાય અમારી પાસે કલકત્તા અને કર્ણાટકથી પણ રાજીવ જૈન ઉર્ફે રૉબર્ટ ડેવિડની સામે ફરિયાદો મળી છે. રૉબર્ટ ડેવિડે જે ફોટો અને આધાર કાર્ડ પુષ્પાબહેનને  આપ્યાં હતાં એ રૉબર્ટ ડેવિડનાં નથી. દેહરાદૂનનું જે સરનામું આપવામાં આવ્યું હતું એ પણ ખોટું છે. મુંબઈ પોલીસ અમારો સંપર્ક કરશે ત્યારે અમે રૉબર્ટ ડેવિડને શોધવા માટે પૂરો સહયોગ કરીશું. અમને રૉબર્ટ ડેવિડના બૅન્ક-અકાઉન્ટની પણ માહિતી મળી છે. એને અમે ફ્રીઝ કરાવીને પુષ્પાબહેન જેવા જે લોકો છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમના પૈસા પાછા અપાવવા માટે પ્રયાસ કરીશું. અમારી પાસે રૉબર્ટ ડેવિડનો ફોટો આવી ગયો છે, પરંતુ એ અમે ફક્ત મુંબઈ પોલીસ સાથે જ શૅર કરીશું.’

Mumbai mumbai news rohit parikh