નવાબ મલિક અને અનિલ દેશમુખને બોમ્બે હાઈકોર્ટનો ઝટકો, MLC ચૂંટણીમાં વોટ કરવાની મંજૂરી નકારી

17 June, 2022 04:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોઈપણ કેદીને મત આપવાનો અધિકાર ન હોવાનો દાવો કરીને EDએ અનિલ દેશમુખ અને નવાબ મલિકની માગણીઓનો સખત વિરોધ કર્યો હતો

ફાઇલ તસવીર

વિધાન પરિષદની ચૂંટણીને પગલે મહાવિકાસ અઘાડી સરકારનું ટેન્શન વધી ગયું છે. કારણ કે હાઇકોર્ટે પૂર્વ ગૃહપ્રધાન અને એનસીપીના નેતાઓ અનિલ દેશમુખ અને નવાબ મલિકને વોટ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. હાઈકોર્ટે વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી માગતી અરજી ફગાવી દીધી છે. કેદીઓને મત આપવાનો અધિકાર નથી, હાઈકોર્ટે EDની દલીલ સ્વીકારી હતી.

ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ અને કેબિનેટ પ્રધાન નવાબ મલિકને સોમવારે ચૂંટણી માટે રિલીઝ કરવામાં આવશે કે શું તે વિશે ઘણી અટકળો હતી. મુંબઈ હાઈકોર્ટ આજે આ અંગે ચુકાદો આપવાની હતી. ગુરુવારે (16 જૂન) જસ્ટિસ નિઝામુદ્દીન જમાદાર સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે આજે (17 જૂન) બપોર સુધી પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આખરે કોર્ટે આજે બપોરે 2:30 વાગ્યે ચુકાદો જાહેર કર્યો હતો, જે અનિલ દેશમુખ અને નવાબ મલિક વિરુદ્ધ છે.

કોઈપણ કેદીને મત આપવાનો અધિકાર ન હોવાનો દાવો કરીને EDએ અનિલ દેશમુખ અને નવાબ મલિકની માગણીઓનો સખત વિરોધ કર્યો હતો. એક કેદી તરીકે, જો તમારી હિલચાલ અને વાણી પર પ્રતિબંધ હોય, તો તમને મત આપવાનો અધિકાર કેવી રીતે આપી શકાય? આવો દાવો ED વતી કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે દલીલ સ્વીકારી અને બંનેની અરજી ફગાવી દીધી હતી.

મુંબઈ હાઈકોર્ટનો આ નિર્ણય મહાવિકાસ આઘાડી માટે ઝટકો સમાન છે. કારણ કે આગામી વિધાન પરિષદની ચૂંટણીમાં બે મતો ઓછા થયા છે. 20 જૂને વિધાન પરિષદની ચૂંટણી યોજાશે. નવાબ મલિક અને અનિલ દેશમુખે પેટાચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી માગતી હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગયા સપ્તાહની નાટકીય ઘટનાઓ પછી, નવાબ મલિક અને અનિલ દેશમુખ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે રાજ્યસભાની જેમ વિધાન પરિષદમાં પણ મતદાનના અધિકારો રદ ન થાય, પરંતુ કોર્ટના નિર્ણયને કારણે હવે બંને મતદાન કરી શકશે નહીં, જેના કારણે મહાવિકાસ અઘાડીની ચિંતા વધી છે.

mumbai mumbai news anil deshmukh maharashtra supreme court