23 June, 2025 09:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાલઘરમાં કરવામાં આવેલાં ગેરકાયદે બાંધકામોના ડિમોલિશનનો ઑર્ડર આપતી વખતે બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકાર, સુધરાઈ અને પોલીસને આવાં ગેરકાયદે બાંધકામો કરનારા લોકો વિરુદ્ધ કડક પગલાં ન લઈને તેમને જ સિક્યૉરિટી આપતા રાજ્ય પ્રશાસનને બરાબરનું ખખડાવ્યું છે અને કહ્યું છે કે એનું આ બેવડું ધોરણ કોર્ટને મંજૂર નથી, આવું ચલાવી ન શકાય. બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એ. એસ. ગડકરી અને જસ્ટિસ કમાલ ખાતાએ ઑર્ડરમાં કહ્યું હતું કે કાયદાનું રક્ષણ કરનારાઓ દ્વારા જ આ બદલ કોઈ ઍક્શન લેવાતી ન હોવાથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ જન્મ લે છે અને એ સામાજિક ઊથલપાથલ સર્જે છે.કોર્ટે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘નાછૂટકે અમારે લોકલ ઑથોરિટી, કૉમ્પિટન્ટ ઑથોરિટી અને સુધરાઈ દ્વારા નિયમિત ગેરકાયદે બાંધકામ કરનારને નોટિસ આપીને એ પછી ડિમોલિશનની કડક કાર્યવાહી કરાતી નથી એ બાબતની કાયદેસરની નોંધ લેવી પડે છે. એ ગેરકાયદે બાંધકામ કરનારા બિલ્ડરો અને ડેવલપરો પાસેથી એ બદલનો દંડ વસૂલ કરવો એ તો સ્વપ્નવત્ છે અને ચુકાદાને આવતાં દાયકો લાગી શકે છે.’કોર્ટે નોંધ્યું હતું કે ‘બિલ્ડર-ડેવલપર, સરકારી અધિકારીઓ અને પોલીસ સાથે મળીને આવી ગેરરીતિ આચરે છે અને તેમની સામે થનારી કડક કાર્યવાહીથી બચતા ફરે છે. રાજ્ય સરકારે આ દૂષણને નાથવા અસરકારક પગલાં લીધાં નથી. આપણા શહેરમાં જ ૫૦ ટકા કરતાં વધારે ગેરકાયદે સ્ટ્રક્ચર્સ છે. કાયદો તોડનારાને જ ઇનડાયરેક્ટ્લી સંરક્ષણ પૂરું પાડવામાં આવે એ અનઍક્સેપ્ટેબલ છે. રાજ્ય સરકારની આ બેવડી નીતિ ખુલ્લી પડી ગઈ છે. અમે એને વખોડીએ છીએ.