27 March, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅન્ગ્રોવ્ઝ
બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને થાણેમાં મહત્ત્વાકાંક્ષી ઈસ્ટર્ન ફ્રીવે એક્સ્ટેન્શન પ્રોજેક્ટના ભાગરૂપે બનનારા એલિવેટેડ માર્ગના નિર્માણ માટે ૩૧ મૅન્ગ્રોવ્ઝ કાપવાની મંજૂરી આપી છે. અદાલતે આ પ્રોજેક્ટને જાહેર હિત માટે મહત્ત્વનો ગણાવીને આ પરવાનગી આપી છે.
ન્યાયાધીશ ભારતી ડાંગરે અને મંજૂષા દેશપાંડેની ખંડપીઠે MMRDAની અરજી પર સુનાવણી કરતાં નોંધ્યું હતું કે આ પ્રકલ્પ જનહિત માટે અત્યંત જરૂરી છે. જોકે અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે પર્યાવરણીય સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે. આ ઉપરાંત અદાલતે કાપવામાં આવેલાં વૃક્ષોના બદલામાં વળતરરૂપે નવા વૃક્ષારોપણ માટે પણ MMRDA પાસે બાંયધરી માગી છે.
આ મંજૂરી થાણેના આનંદનગરથી સાકેત જંક્શન સુધીના છ લેનના એલિવેટેડ રોડ માટે છે. આ રોડ આગળ જતાં ૧૩.૯ કિલોમીટર લાંબા એલિવેટેડ ઈસ્ટર્ન ફ્રીવે એક્સ્ટેન્શન સાથે જોડાશે. આ એલિવેટેડ હાઈ-સ્પીડ કૉરિડોર સાઉથ મુંબઈ અને થાણે વચ્ચેના મુસાફરીના સમયને ઘટાડીને માત્ર ૨૫થી ૩૦ મિનિટ કરી દેશે એવી ધારણા છે.
ગોરાઈમાં તૈયાર કરાયેલો મૅન્ગ્રોવ્ઝ ફૉરેસ્ટ પાર્ક આશરે એક વર્ષના વિલંબ પછી એપ્રિલ મહિનામાં પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે. ગયા વર્ષે પહેલી મેથી ઉદ્ઘાટનની રાહ જોતો આ પાર્ક ૧૧ મહિના બાદ ખુલ્લો મુકાય એવી શક્યતા છે. મહારાષ્ટ્રના વનવિભાગના મૅન્ગ્રોવ્ઝ સેલ દ્વારા ૩૩.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે ૮ હેક્ટરમાં ફેલાયેલા આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે મુંબઈના દરિયાકાંઠાની જૈવવિવિધતાને નજીકથી સમજવાની સુવર્ણ તક પૂરી પાડશે. આ પ્રકલ્પની સૌથી મોટી ખાસિયત એ છે કે પર્યાવરણનું જતન કરતા અહીં એક પણ વૃક્ષને નુકસાન પહોંચાડ્યા વિના ૭૪૦ મીટર લાંબો વુડન બોર્ડવૉક (લાકડાનો વૉકવે) બનાવવામાં આવ્યો છે. આ વૉકવે પર ચાલીને મુલાકાતીઓ દરિયાકાંઠાની આ નાજુક ઇકોસિસ્ટમનો અત્યંત નજીકથી અનુભવ કરી શકશે. અહીં બે માળનું નેચર ઇન્ટરપ્રિટેશન સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે જેમાં લાઇબ્રેરી, ઑડિયો-વિઝ્યુઅલ રૂમ અને પ્રવાસીઓની સુવિધા માટે રૂફટૉપ રેસ્ટોરાંની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આસપાસની ખાડીનો સુંદર નજારો જોવા ખાસ વ્યુઇંગ ડેક અને બર્ડ-વૉચિંગ માટે ૧૮ મીટર ઊંચો વૉચ-ટાવર તૈયાર કરવામાં આવ્યો છે.