09 August, 2025 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટની સામે આવેલા ઓવલ મેદાનમાં વિહરતાં કબૂતરો. તસવીર : અતુલ કાંબળે
કબૂતરખાનાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે એટલે કબૂતરોને કબૂતરખાનામાં આપવામાં આવતાં ચણ અને પાણી પર BMCએ મૂકેલો પ્રતિબંધ બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ આરિફ ડૉક્ટરને બેન્ચે ગઈ કાલની સુનાવણી બાદ પણ ચાલુ રાખ્યો હતો અને હવે પછીની સુનાવણી ૧૩ ઑગસ્ટ પર રાખી છે.
બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમે કબૂતરખાનાં બંધ કરવા કહ્યું જ નથી. એ નિર્ણય BMCનો હતો જેને અમારી સામે પડકારવામાં આવ્યો હતો. અમે માત્ર આ બાબતે કોઈ વચગાળાની રાહત આપી નથી. અમે લોકોના સ્વાસ્થ્યનો વિચાર કર્યો. આ એવી જાહેર જગ્યાઓ છે જ્યાં હજારો માણસો રહે છે. એથી આ બાબતે સંતુલન સધાવું જોઈએ. કેટલાક લોકો છે જેઓ કબૂતરોને ચણ નાખવા માગે છે. એથી હવે આ બાબતે સરકારે નિર્ણય લેવો જોઈએ. આમાં કશું વિરોધ કરવા જેવું નથી. આમાં સરકારે અને BMCએ સાથે મળી નિર્ણય લેવાની જરૂર છે જેથી કેટલાક લોકોને કારણે દરેક જણના બંધારણીય અધિકારને ઠેસ ન પહોંચે.’
લોકોના સ્વાસ્થ્યનો વિચાર એ સરકારની અને આરોગ્ય વિભાગની પ્રાથમિકતા હોવી જોઈએ એમ જણાવીને બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું હતું કે ‘પશુપંખીઓને જીવવા દેવા એ પણ આપણી જવાબદારી છે, પણ બન્ને વચ્ચે સંતુલન રાખવું એ રાજ્ય સરકારની ફરજ છે. આ બાબતે ઘણું મટીરિયલ છે. એમાં ડિપાર્ટમેન્ટ ઑફ પલ્મનરી મેડિસિન ઍન્ડ એન્વાયર્નમેન્ટલ પૉલ્યુશન રિસર્ચ સેન્ટરનાં પ્રોફેસર અને હેડ ઑફ ડિપાર્ટમેન્ટ ડૉ. અમિતા આઠવલે અને બૉમ્બે હૉસ્પિટલના ડૉ. સુજિત કે. રાજનો અહેવાલ છે. જોકે કોર્ટ આ બાબતોમાં એક્સપર્ટ ન હોવાથી એના પર અંતિમ નિર્ણય ન લઈ શકે. વળી આમાં પિટિશનરે એ મેડિકલ ઓપિનિયનનો વિરોધ કર્યો છે. એથી આ બાબતે રાજ્ય સરકાર એક્સપર્ટ્સની કમિટી બનાવે અને એના અહેવાલની રજૂઆત રાજ્યના ઍડ્વોકેટ જનરલ કરે.’
કોર્ટમાં જ્યારે એવી રજૂઆત કરવામાં આવી કે કબૂતરો મરી રહ્યાં છે એનું શું? ત્યારે કોર્ટે આ બાબતે જો BMC ચણ અને પાણીની છૂટ આપવા માગતું હોય તો અમને વાંધો નથી, તમે BMCને એ માટે અરજી કરી શકો છો એમ કહીને બૉલ BMCની કોર્ટમાં નાખી દીધો હતો. હવે BMC એનું કઈ રીતે અર્થઘટન કરે છે એના પર સૌની નજર છે.
ગઈ કાલે પણ કડક ઍક્શન લેતાં પહેલાં BMCએ કોર્ટ શું કહે છે એ જાણવા પર મદાર રાખ્યો હોવાથી દાદર કબૂતરખાનું સાંજ સુધી તો ખુલ્લું જ હતું, પણ એમાં ચણ અને પાણી મૂકવાનો પ્રતિબંધ હોવાથી એ ન મળતાં કબૂતરો ચણ અને પાણી મળવાની રાહ જોઈ રહ્યાં હતાં.