દશેરાએ ઉદ્ધવ ઠાકરેની સેનાનો શિવાજી પાર્કમાં ઘોડો દોડશે?

23 September, 2022 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આજે થશે કોર્ટમાં સુનાવણી. બન્ને ગ્રુપ આ ઐતિહાસિક મેદાનમાં રૅલી યોજવા અરજીઓ આપી ચૂક્યા છે જેને સુધરાઈએ નામંજૂર કરી દીધી છે

ગઈ કાલે દાદરના સેનાભવનમાં શિવસૈનિકોને સંબોધીને પાછા જઈ રહેલા ઉદ્વવ ઠાકરે (તસવીર : આશિષ રાજે)

રાજકીય ગતિવિધિઓને નજર સામે રાખી કાર્ટૂન બનાવીને કટાક્ષ કરનાર બાળાસાહેબ ઠાકરેએ શિવાજી પાર્કમાં પહેલી સભા ભરીને પોતાનો રાજકીય પક્ષ શિવસેના સ્થાપ્યો હતો અને ત્યાર બાદ દર વર્ષે વિજયાદશમીના શુભ દિવસે સભા કરીને જાહેર જનતાને સંબોધતા હતા. કોરોનાકાળમાં બે વર્ષ સભા થઈ નહોતી અને હવે શિવસેનામાં જ્યારે ઊભી તિરાડ પડી છે ત્યારે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ​હાલના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પોતાનું જ જૂથ પોતે સાચી શિવસેના છે એમ કહીને વિજયાદશમીના પાવન અવસરે શિવાજી પાર્ક પર રૅલી કરવા અરજી કરી હતી. 
જોકે બીએમસીએ બંનેની અરજી ફગાવી દીધી છે. શિંદે જૂથે પ્લાન ‘બી’ તૈયાર રાખ્યો હતો અને બીકેસીનું એમએમઆરડીએનું ગ્રાઉન્ડ પહેલેથી જ બુક કરાવી દીધું છે. હવે કોઈ પણ 
ભોગે શિવાજી પાર્ક પર જ સભા કરવાની ઇચ્છા ધરાવતાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આ માટે કોર્ટમાં અરજી કરી છે. સામે શિંદે જૂથના સદા સરવણકરે શિવસેનાની અરજીને હાઈ કોર્ટમાં પડકારી છે. આજે એ અરજી પર સુનાવણી થવાની છે.

શિંદે જૂથ દ્વારા સદા સરવણકરે જે અરજી કરી છે એમાં કહેવાયું છે કે ખરી શિવસેના કઈ એ સંદર્ભની મૅટર સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશન બંને પાસે પેન્ડિંગ છે ત્યારે ઉદ્ધવ ઠાકરેના જૂથે એની અરજીમાં કહ્યું છે કે તેમની શિવસેના ખરી છે અને એથી તેમને સભા યોજવાની પરવાનગી મળવી જોઈએ એ બાબત કોર્ટને ગેરમાર્ગે દોરનારી છે. મેં જે અરજી કરી છે એ મુખ્ય પ્રધાન અને શિવસેનાના મુખ્ય નેતાના પ્રતિનિધિ તરીકે કરી છે. 

કાયદો અને વ્યવસ્થાનો સવાલ ઊભો થઈ શકે છે

બીએમસીએ બંને જૂથોની અરજી ફગાવી છે અને એ માટે કારણ આપતાં કહ્યું છે કે અમે જ્યારે આ સંદર્ભે સ્થા​નિક શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી તેમનું મંતવ્ય માગ્યું ત્યારે પોલીસે એમ કહ્યું હતું કે બંને પરસ્પરવિરોધી જૂથોએ શિવાજી પાર્કમાં રૅલી માટે અરજી કરી હોવાથી જો કોઈ એક જૂથને રૅલી યોજવાની પરવાનગી આપવામાં આવે તો શિવાજી પાર્કના શાંત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભા થઈ શકે એમ છે. એથી બીએમસીએ બંને જૂથોની પરવાનગી આપી નહોતી.  

mumbai mumbai news maharashtra uddhav thackeray shiv sena eknath shinde