દાદરમાં બની રહેલા બાળ ઠાકરેના સ્મારક સામેની જનહિતની તમામ અરજીઓ ફગાવી દીધી હાઈ કોર્ટે

02 July, 2025 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ વખતે બેન્ચે એનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો જે ગઈ કાલે જાહેર કરવામાં આવ્યો હતો જેમાં એ જનહિતની અરજીઓ ફગાવી દેવામાં આવી હોવાનું જણાવાયું હતું.

શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના દાદરમાં તૈયાર થઈ રહેલા સ્મારકનું કામ હવે પૂરું થવામાં છે

શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના દાદરમાં તૈયાર થઈ રહેલા સ્મારકનું કામ હવે પૂરું થવામાં છે. આ પ્રોજેક્ટનો વિરોધ કરતી જનહિતની અરજીને કારણે એનું કામ ૭ વર્ષ લંબાઈ ગયું હતું. ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે બધી જ જનહિતની અરજીઓ ફગાવી દીધી હતી, જેને કારણે હવે સ્મારકનો માર્ગ મોકળો થયો છે.

ઍક્ટિવિસ્ટ ભગવાનજી રૈયાણી, પંકજ રાજમાચીકર, જન મુક્તિ મોરચા અને સંતોષ દૌંડકરે આ બાબતે દાખલ કરેલી જનહિતની અરજીઓની સુનાવણી પહેલાં અલગ-અલગ જસ્ટિસની બેન્ચ સામે થઈ હતી. જોકે એમની અંતિમ સુનાવણી થઈ શકી નહોતી. એથી છેલ્લાં ૭ વર્ષથી આ મૅટર હાઈ કોર્ટમાં પેન્ડિંગ હતી. આખરે ચીફ જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ સંદીપ મારણેની બેન્ચ સામે ૨૪ જૂને એની અંતિમ સુનાવણી થઈ હતી. એ વખતે બેન્ચે એનો ચુકાદો રિઝર્વ રાખ્યો હતો જે ગઈ કાલે જાહેર કરવામાં આવ્યો હતો જેમાં એ જનહિતની અરજીઓ ફગાવી દેવામાં આવી હોવાનું જણાવાયું હતું.

મુંબઈના મેયરનો બંગલો અને એ જગ્યા સ્મારક માટે લેવી, એ જમીનનો ગેરકાયદે ચેન્જ ઑફ યુઝ કરવો, જમીન બજારભાવે લેવાને બદલે માત્ર એક રૂપિયાના ભાડાપટ્ટે ૯૯ વર્ષની લીઝ પર લેવી આ મુદ્દાના આધારે આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. જનહિતની અરજી કરનારાઓ તરફથી દલીલ કરતાં કહેવાયું હતું કે ‘સ્મારકના પ્રોજેક્ટને અમારો વિરોધ નથી, પણ એ માટે કાયદેસરની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. જમીનના ચેન્જ ઑફ યુઝ માટેના કાયદા પ્રમાણે સૂચના-વાંધાવચકાની રીતસરની પ્રક્રિયા પાર પાડવામાં આવી નથી. આ પ્રોજેક્ટને લીધે મેયરનો બંગલો સુધરાઈના ક્રીડા ભવનની જગ્યાએ ઊભો કરવામાં આવ્યો એટલે મુંબઈના નાગરિકોને નુકસાન થયું.’    

બીજી બાજુ સરકાર, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) અને ટ્રસ્ટ દ્વારા દલીલ કરતાં કહેવામાં આવ્યું હતું કે ‘કાયદેસર રીતે કાયદામાં સુધારો કરીને, રીતસર કાયદેસર પ્રક્રિયા કર્યા પછી જ આ પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે. જમીનના વપરાશ બદલ જાહેર નોટિસ અને શુદ્ધિપત્રક દ્વારા સૂચના અને વાંધાવચકા મગાવવામાં આવ્યાં હતાં. એથી એ સંદર્ભે સુનાવણી લીધા બાદ જ ચેન્જ ઑફ યુઝ આપવામાં આવ્યું છે. એ સિવાય આ પહેલાં સરકારે કેટલાંક સાર્વજનિક ટ્રસ્ટને ભાડાપટ્ટે ભૂખંડ આપેલા છે. એ સરકારનો પૉલિસી-બેઝ્ડ નિર્ણય હોય છે. એથી આ પ્રોજેક્ટ માટે જ રાહત આપવામાં આવી છે એમ કહે‍વામાં કશું તથ્ય નથી.’

હાઈ કોર્ટની બેન્ચે બચાવ પક્ષની દલીલો માન્ય રાખીને આ જનહિતની અરજીઓ ફગાવી દીધી હતી.

dadar shiv sena mumbai mumbai news political news maharashtra maharashtra news bal thackeray news bombay high court brihanmumbai municipal corporation