બૂસ્ટર ડોઝ કોણે, ક્યારે અને કેવી રીતે લેવો?

22 January, 2022 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટે બીએમસી અને રાજ્ય સરકાર પાસે માગી સ્પષ્ટતા

ફાઇલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે બીએમસી અને કેન્દ્ર તેમ જ મહારાષ્ટ્ર સરકારને તેઓ નાગરિકોને બૂસ્ટર શૉટ્સ આપવા માટે કઈ નીતિ કેવી રીતે અમલમાં મૂકશે એ જણાવતી ઍફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 
ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ અનિલ કિલોરે બૂસ્ટર ડોઝ લેવાની પાત્રતા ધરાવતા નાગરિકોને વૅક્સિનેશન સેન્ટર પર જઈને વહેલી તકે બૂસ્ટર ડોઝ લઈ લેવા જણાવ્યું હતું. 
બૅન્ચ ઍડ્વોકેટ ધૃતિ કાપડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીની સુનાવણી કરી રહી હતી. એમાં તેમણે બૂસ્ટર ડોઝ લેવા માટે વહીવટી તંત્ર દ્વારા કયાં પગલાં લેવામાં આવે છે એની માહિતી માગી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે બૂસ્ટર ડોઝ કોણે, ક્યારે અને કેવી રીતે લેવાનો છે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી. તેમણે પીઆઇએલમાં જણાવ્યું હતું કે કોઈ કહે છે કે બંને ડોઝ લીધાના છ મહિના પછી તો કોઈ કહે છે કે થોડા વધુ સમય બાદ બૂસ્ટર ડોઝ લેવાનો છે. આમ આ પીઆઇએલ દ્વારા શહેરીજનોની મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive bombay high court brihanmumbai municipal corporation