11 February, 2026 07:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ
બૉલીવુડના ઍક્ટર રણવીર સિંહને કરોડો રૂપિયાની ખંડણી માટે ધમકી આપતી વૉટ્સઍપ વૉઇસ-નોટ મળી છે. ધમકીના પગલે મુંબઈ પોલીસે રણવીરના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે અને ધમકી આપનારની શોધખોળ શરૂ કરી દીધી છે. જુહુમાં ફિલ્મમેકર રોહિત શેટ્ટીના બિલ્ડિંગ પર ફાયરિંગના બનાવની હજી તપાસ ચાલુ છે ત્યાં વધુ એક સેલિબ્રિટીને ટાર્ગેટ કરવામાં આવતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ફફડાટ થઈ ગયો છે.
વૉઇસ-નોટ મોકલનાર વ્યક્તિ બિશ્નોઈ ગૅન્ગ સાથે સંકળાયેલી હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે એટલે પોલીસે આ દાવાની ચકાસણી શરૂ કરી છે. એક બાજુ પોલીસે રણવીર સિંહના ઘરની બહાર સુરક્ષા વધારી છે તો બીજી બાજુ એ બિલ્ડિંગમાં રહેતા સોસાયટીના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે.
પ્રભાદેવીમાં આવેલા બિલ્ડિંગમાં લગભગ ૬ પોલીસ-અધિકારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. જોકે એ માટે બિલ્ડિંગના સેક્રેટરી પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી એટલે બિલ્ડિંગના સભ્યોએ દાદર પોલીસને પત્ર લખીને આ વિશે ખુલાસો માગ્યો છે. પરવાનગી વગર અને શસ્ત્રો સાથે પોલીસ-અધિકારીઓ તેમના બિલ્ડિંગમાં હોવા બાબતે બિલ્ડિંગના રહેવાસીઓએ દાદર પોલીસ પાસેથી સ્પષ્ટતા માગી છે.