હેન્ડિકૅપ્ડ ગુજરાતીને લૂંટી ગયો આ બોગસ પોલીસ

13 May, 2022 08:22 AM IST  |  Mumbai | Mehul Jethva

કુર્લા રેલવે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે

પ્રજ્ઞેશભાઈનો મોબાઇલ અને પૈસા આંચકી (વાઇટ શર્ટમાં ઊભેલો) લેનાર આરોપી તથા મોબાઇલ અને પૈસા ગુમાવનાર ફરિયાદી પ્રજ્ઞેશ પંડ્યા.

થાણેમાં રહેતા ૫૦ વર્ષના ગુજરાતી હૅન્ડિકૅપ્ડ પ્રજ્ઞેશ પંડ્યા મુલુંડથી લોકલ ટ્રેનના હૅન્ડિકૅપ્ડ ડબ્બામાં પ્રવાસ કરી રહ્યા હતા. એ દરમ્યાન એક યુવાન આ ડબ્બામાં ચડી રહ્યો હતો. પ્રજ્ઞેશભાઈએ તેને રોક્યો ત્યારે તે યુવાને પોતે પોલીસ હોવાનું કહીને દાદાગીરી કરી હતી. જોકે ટ્રેન કુર્લા સ્ટેશન આવતાં ધીમી પડતાં તે યુવાન પ્રજ્ઞેશભાઈનો મોબાઇલ અને પૈસા આંચકી લઈ ટ્રેનમાંથી ઊતરીને નાસી ગયો હતો. કુર્લા રેલવે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

થાણેના શિવાજીનગરની રેણુકા નિવાસ સોસાયટીમાં રહેતા પ્રજ્ઞેશભાઈએ કરેલી ફરિયાદ અનુસાર નાનપણથી તેમને એક પગમાં ખોડ છે. ગઈ કાલે સવારે ૯.૪૦ વાગ્યાની સીએસટી ફાસ્ટ પકડવા ચાર નંબર પ્લૅટફૉર્મ પર હૅન્ડિકૅપ્ડ ડબ્બા પાસે તેઓ ઊભા હતા. ટ્રેન આવતાં પ્રજ્ઞેશભાઈ ટ્રેનમાં ચડી રહ્યા હતા ત્યારે તેમની પાછળ અન્ય એક યુવાન આ ડબ્બામાં ચડ્યો એટલે પ્રજ્ઞેશભાઈએ તેને એ હૅન્ડિકૅપ્ડ લોકો માટેનો ડબ્બો હોવાનું કહ્યું હતું. ત્યારે ડબ્બામાં ચડેલા યુવાને કહ્યું કે હું પોલીસ અધિકારી છું. આ સાંભળી અન્ય લોકોએ તેને કહ્યું હતું કે પોલીસને પણ આ ડબ્બામાં પ્રવાસ કરવાની છૂટ નથી. આ સાંભળીને તે યુવાન દાદાગીરી કરવા લાગ્યો હતો. ઘાટકોપર સ્ટેશન આવતાં પણ તે ડબ્બામાંથી ઊતર્યો નહોતો એટલે વિદ્યાવિહાર પાસે ટ્રેન પહોંચતાં એક વ્યક્તિએ ચેઇન ખેંચી કરી હતી. એ જોઈને તે યુવાન પ્રજ્ઞેશભાઈનો મોબાઇલ હાથમાંથી લઈને કુર્લા રેલવે સ્ટેશન આવતાં ટ્રેન ધીમી પડતાં ઊતરીને નાસી ગયો હતો. પ્રજ્ઞેશભાઈના મોબાઇલના ફ્લિપ કવરમાં ૩૦૦૦ રૂપિયા રોકડા અને અન્ય જરૂરી ડૉક્યુમેન્ટ્સ રાખ્યા હતા જે ચોરી થઈ જવાની ફરિયાદ કુર્લા રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી પ્રજ્ઞેશ પંડ્યાએ હૅન્ડિકૅપ્ડ ડબ્બામાં પોલીસ અધિકારીને પણ ચડવાની છૂટ નથી એવી માત્ર માહિતી યુવાનને આપી હતી. એટલામાં તો તે દાદાગીરી કરવા લાગ્યો હતો. એ દરમ્યાન અન્ય લોકો તેનો વિડિયો લઈ રહ્યા છે એ જોઈને તેણે પ્રજ્ઞેશભાઈના મોબાઇલ પર ઝાપટ મારી પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો. વિદ્યાવિહાર પાસે ટ્રેન ધીમી થતાં એનો ફાયદો ઉઠાવીને તે ચાલુ ટ્રેને ઊતરીને ત્યાંથી નાસી ગયો હતો.

કુર્લા રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વાલ્મીક શાર્દુલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની શોધમાં અમે જે વિસ્તારમાં ઘટના બની એ વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છીએ. આરોપીના એક-બે વિડિયો અમને મળ્યા છે જેના આધારે અમે તેની શોધમાં લાગ્યા છીએ.’

mumbai mumbai news Crime News mumbai crime news thane kurla