જો તમે બીએમસીની સ્કૂલમાં ભણતા ટીનેજર હશો તો તમારું રસીકરણ થઈ જશે

04 January, 2022 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે રસીકરણના પહેલા દિવસે જમ્બો સેન્ટરમાં સુધરાઈની સ્કૂલના સ્ટુડન્ટ્સને આપવામાં આવી વૅક્સિન

દહિસર જમ્બો સેન્ટરમાં સોમવારે રસી લેનાર એક વિદ્યાર્થિનીની કાળજી લઈ રહેલી સહાધ્યાયી (તસવીર : અનુરાગ આહિરે)

દહિસર જમ્બો કોવિડ સેન્ટરની સોમવારની સવાર ખુશનુમા રહી હતી, કારણ કે મોટા ભાગના લાભાર્થીઓ ઑફલાઇન યોજાનારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ હતા.
દહિસર સેન્ટર પર પહેલો ડોઝ ભરુચા સેકન્ડરી બીએમસી સ્કૂલની ધોરણ નવની વિદ્યાર્થિની સંગીતા ભુલએ લીધો હતો. કૉર્પોરેશન દ્વારા સંચાલિત શાળાઓ બોર્ડની બસોમાં વિદ્યાર્થીઓને સેન્ટર પર લઈ આવી હતી, તો ઘણાં બાળકોની સાથે એમના વાલી પણ આવ્યા હતા.
જોકે રસીકરણ બૂથના પરિસરમાં વાલીઓને પ્રવેશની પરવાનગી નહોતી.
રમા ઠાકુર નામની માતાએ જણાવ્યા મુજબ ‘મારો પુત્ર આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાનો છે. અત્યાર સુધી બાળકો કોરોના સામે કોઈ પણ પ્રકારના રક્ષણ વિના શાળાએ જતાં હતાં, હવે એમના માટે રસી શરૂ કરાઈ છે આથી અમે શક્ય તેટલો જલદી આ લાભ લેવા માગીએ છીએ.’
ધોરણ ૧૧ અને ૧૦માં અભ્યાસ કરતી બહેનો મહિમા અને ઇસા ખત્રીએ રસી લેવાની પ્રક્રિયા સરળ હોવાનું જણાવ્યું હતું. જોકે સાથે-સાથે એમણે માતા-પિતાને અંદર પ્રવેશ ન મળ્યો એનો વસવસો પણ વ્યક્ત કર્યો હતો.
મોટા ભાગના વિદ્યાર્થીઓ ઑનલાઇન બુકિંગ કરાવ્યા બાદ આવ્યા હતા. બુકિંગ વિનાના વિદ્યાર્થીઓને પણ રસી આપવામાં આવતી હતી, પણ એમણે લાંબી રાહ જોવી પડતી હતી. કૉર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ માટે અલાયદી લાઇન અને બૂથ હતાં, કારણ કે શાળાઓને ૫૦-૫૦ની બેચમાં લાવવાની જવાબદારી સોંપાઈ હતી.
અમને શાળાએ બોલાવાયા હતા અને ત્યાંથી અમને બસમાં સેન્ટર પર લઈ જવાયા હતા. આ કામગીરી શાળા દ્વારા થઈ એ સારું છે, અન્યથા પોર્ટલ પર નોંધણી કરાવવી અને પછી રસી મુકાવવી અઘરું થઈ પડ્યું હોત, એમ સંગીતાએ જણાવ્યું હતું.
દહિસર સેન્ટર પર પ્રથમ દિવસે બીએમસી શાળાઓના કુલ ૫૦૦ વિદ્યાર્થીઓને રસી અપાઈ હતી.
મેડિકલ ઑફિસર ડૉક્ટર ઐશ્વર્યા જામનરેએ જણાવ્યું હતું કે ‘અમારી પાસે બાળકોને રસી મૂકવા માટે અલાયદો હોલ હોવાથી કોઈ ગૂંચવાડો ઊભો થયો નહોતો. અમારી પાસે કુલ ચાર બૂથ આવેલાં છે. બે બૂથ કૉર્પોરેશનની શાળાના વિદ્યાર્થીઓ માટે અને બાકીનાં બે પોતાની મેળે આવનારા માટે છે. આનાથી રાહ જોવાનો ગાળો ઘટે છે અને સાથે જ ફિઝિકલ ડિસ્ટન્સ પણ મહત્ત્વનું છે.’

mumbai mumbai news coronavirus covid19 vaccination drive covid vaccine pallavi smart