જાએં તો જાએં કહાં

16 March, 2023 10:02 AM IST  |  Mumbai | Mehul Jethva

આવું કહેવું છે મુલુંડના પુષ્પા નિવાસ બિલ્ડિંગના રહેવાસીઓનું. પાઘડીની આ જગ્યાને સુધરાઈએ જર્જરિત જાહેર કરતાં કયાં જવું એને લઈને તેઓ ટેન્શનમાં

મુલુંડમાં આવેલી પુષ્પા નિવાસ સોસાયટી

મુલુંડમાં પાઘડીના એક બિલ્ડિંગને બીએમસીએ માત્ર ૭ મહિનામાં બે વાર સી-૧ જાહેર કર્યા પછી મકાનમાલિક અને સ્થાનિક વૉર્ડના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી ડિપાર્ટમેન્ટ દ્વારા એમાં રહેતા લોકોને બિલ્ડિંગ જર્જરિત હોવાનું કહીને ખાલી કરવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ રહેવાસીઓ કરી રહ્યા છે. જોકે ભાડૂતોએ આક્ષેપ કર્યો છે કે મકાનમાલિકે બીજી જગ્યા આપવાનું કોઈ લખાણ નથી કરી આપ્યું અને જગ્યા ખાલી કર્યા બાદ ભાડું આપવાનો પણ તેણે ઇનકાર કર્યો છે.

મુલુંડ-વેસ્ટના ડૉ. આર. પી. રોડ પર વર્ધમાન નગરની સામે આવેલું પુષ્પા નિવાસ બિલ્ડિંગ  આશરે ૫૦ વર્ષ જૂનું છે. મુલુંડ ‘ટી’ વૉર્ડના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી ડિપાર્ટમેન્ટ દ્વારા આશરે ૭ મહિના પહેલાં બિલ્ડિંગનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરી બિલ્ડિંગ સી-૧ કૅટેગરીમાં હોવાનું જાહેર કર્યું હતું. ત્યાર બાદ પુષ્પા નિવાસ સોસાયટીના મેમ્બરોએ પોતાની રીતે સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવ્યું હતું, જેમાં બિલ્ડિંગ સી-૨ એટલે કે રહેવાલાયક હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જોકે મહાનગરપાલિકાએ આ રિપોર્ટ સામે એમની ટેકનિકલ ઍડવાઇઝરી કમિટી (ટૅક)નો અહેવાલ માગ્યો હતો. ટૅકે અહીં આવીને તમામ નિરીક્ષણ કરીને ફરી બિલ્ડિંગને સી-૧ જાહેર કરી હતી. એની જાહેરાત કરીને મહાનગરપાલિકાએ તરત બિલ્ડિંગ ખાલી કરવા માટેની નોટિસ આપી હતી અને એની સાથોસાથ પાણી અને લાઇટનાં કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યાં હતાં.

પુષ્પા નિવાસ બિલ્ડિંગના ભાડૂત ધીરેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાનું કહેવું છે કે તમે બિલ્ડિંગ ખાલી કરી નાખો. તો સામે અમારા મકાનમાલિક દ્વારા અમારી સામે બીજું બિલ્ડિંગ બાંધવા માટે કેટલીક શરતો રાખી છે. ભાડું આપવાનો તેમણે ઇનકાર કર્યો છે. એની સાથે તેણે નવું બિલ્ડિંગ બાંધવા કન્સ્ટ્રક્શન-કૉસ્ટ આપવાનું કહી નવા લેઆઉટના હિસાબે દરેક ભાડૂતે ૧૦૦ સ્ક્વેર ફુટ જગ્યા હાલના ભાવે ખરીદવી પડશે એવું પણ કહ્યું છે. નવું બિલ્ડિંગ બાંધવા માટે તેણે અમને કોઈ મૅપ નથી દેખાડ્યો કે નથી અમારી સાથે કોઈ પ્રકારનું લખાણ કર્યું તો અમે કઈ રીતે અમારી જગ્યા ખાલી કરી દઈએ. અહીં રહેતા તમામ લોકો મધ્યમવર્ગીય છે. જો બિલ્ડિંગ તોડી પાડ્યા પછી અમને બીજી જગ્યા મળશે કે નહીં એ માટે કોણ જવાબદાર રહેશે.’
પુષ્પા નિવાસ સોસાયટીના મકાનમાલિક પુનિત દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મહાનગરપાલિકાના કાયદા પ્રમાણે જે બેસતું હશે એ તમામ સુવિધા અહીં રહેતા લોકોને મળશે. જ્યારે તેમને ભાડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. બીજી તરફ કન્સ્ટ્રક્શન-કૉસ્ટ વિશે પૂછતાં તેમણે કહ્યું કે કન્સ્ટ્રક્શન-કૉસ્ટ અમે માગી જ નથી.

મુલુંડ ‘ટી’ વૉર્ડના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી ડિપાર્ટમેન્ટના એસ. લડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બિલ્ડિંગને અમે ૭ મહિના પહેલાં જર્જરિત જાહેર કરી હતી. એ પછી અહીં રહેતા લોકોએ ફરીથી સ્ટ્રક્ચરલ ઑડિટ કરાવ્યું હતું, જેનો રિપોર્ટ સી-૨ આવ્યો હતો.

ત્યાર બાદ અમે ટૅક પાસે તપાસ કરાવી હતી, જેણે બિલ્ડિંગને ધોકાદાયક જાહેર કરી છે એટલે અમે પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે અને મહાવિતરણને લાઇટનું કનેક્શન કાપવા માટે પત્ર લખ્યો હતો.’  

mumbai mumbai news mulund brihanmumbai municipal corporation