11 September, 2025 06:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ, ગોરેગાંવ પૂર્વ સ્થિત બીએમસી કૉલોનીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બીએમસી કર્મચારીની પત્ની ઉર્મિલાએ પોતાના પ્રેમી સાથે નાસી જવા માટે પતિના ઘરમાંથી લગભગ 10 લાખ રૂપિયાના ઘરેણાં ચોર્યા અને પોલીસને ગેરમાર્ગે દોરવાનું કામ પણ કર્યું. તપાસમાં તેના બે પ્રેમી હોવાનું અને દીકરીના બૉયફ્રેન્ડને પણ આ યોજનામાં સામેલ કરવાની ઘટનાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
મુંબઈના ગોરેગાંવ પૂર્વની બીએમસી કૉલોની સામાન્ય રીતે શાંત વિસ્તાર છે પણ અહીં એક ઘરમાં સોશિયલ મીડિયાવાળા પ્રેમના ચક્કરમાં ફસાઈને પતિ વિરુદ્ધ એવું ષડયંત્ર રચ્યું જેની ચર્ચા હવે આખા વિસ્તારમાં થઈ રહી છે અને લોકો હકીકત જાણીને દંગ રહી ગયા છે.
આ વાત છે બીએમસી કર્મચારી રમેશ ધોંડુ હલડદિવેના ઘરની, જ્યાં તેની પત્ની ઉર્મિલા પતિના ઑફિસ જતાં જ પોતાનું આ બિહામણું ષડયંત્ર રચવામાં અને તેને અમલમાં લાવવામાં મંડી પડતી હતી.
પતિના ઑફિસ જતાં જ પ્લાન ઘડવામાં મંડી પડતી હતી ઉર્મિલા
બહારથી સામાન્ય ગૃહિણી જેવી દેખાતી ઉર્મિલા ખરેખર સોશિયલ મીડિયા પર તેના પ્રેમી સાથે ભાગી જવાની યોજના બનાવી રહી હતી. આશ્ચર્યજનક વાત એ હતી કે તેના એક નહીં પણ બે પ્રેમી હતા. તે તેની 18 વર્ષની દીકરીના બૉયફ્રેન્ડની પણ નજીક હતી અને તેણે તેને પણ આ યોજનામાં સામેલ કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘરમાંથી લગભગ 10 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કર્યા બાદ, ઉર્મિલા પોતે દિંડોશી પોલીસ સ્ટેશન પહોંચી અને ઘરમાં ચોરીનો રિપોર્ટ નોંધાવ્યો. પરંતુ જ્યારે પોલીસ તપાસનું સત્ય સામે આવ્યું ત્યારે બધા ચોંકી ગયા.
ચોરીના કેસની તપાસ દરમિયાન, સિનિયર ઇન્સ્પેક્ટર મહેન્દ્ર શિંદે અને એસઆઈ અજિત દેસાઈની ટીમે ઘરના તમામ સભ્યોની કૉલ ડિટેલ્સ તપાસી. ઉર્મિલાની એક નંબર સાથે સતત વાતચીતથી પોલીસની શંકાની પુષ્ટિ થઈ.
દીકરીનો બૉયફ્રેન્ડ પણ કાવતરામાં હતો સામેલ
પહેલા દીકરીના બોયફ્રેન્ડની પૂછપરછ કરવામાં આવી, પછી ઉર્મિલા અને બધું ખુલ્લું પડી ગયું. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે ઉર્મિલા તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે ભાગી જવાની યોજના બનાવી રહી હતી જેમાં તેણે તેની દીકરીના બોયફ્રેન્ડને પણ સામેલ કર્યો હતો અને તેને ઘરેણાં પણ આપ્યા હતા.
ઘરેણાં ચોરી કર્યા પછી તે પોતે પોલીસ સ્ટેશન પહોંચી હતી
આટલું જ નહીં, ઉર્મિલાએ ઘરમાંથી ચોરાયેલા ઘરેણાં વેચી દીધા અને પૈસા તેના પ્રેમીના ખાતામાં ટ્રાન્સફર કર્યા અને પછી ચોરીના નામે પોલીસને ગેરમાર્ગે દોરતી રહી. જોકે, તેની ચાલાકી લાંબા સમય સુધી કામ ન આવી. પોલીસે તેના દ્વારા વેચાયેલા ઘરેણાં જ્વેલરીની દુકાનમાંથી કબજે કર્યા, ત્યારબાદ ઉર્મિલાની ધરપકડ કરવામાં આવી.
જોકે, તેનો પ્રેમી હજી પણ ફરાર છે, જેને પોલીસ શોધી રહી છે. પ્રેમ, કાવતરું અને વિશ્વાસઘાતની આ વાત આજે સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક વહીવટીતંત્ર સુધી ચર્ચાનો વિષય બની છે.