કોવિડથી પતિનું મૃત્યુ થયું હોય એવી મહિલાઓને સુધરાઈ કરશે મદદ

24 November, 2021 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધવા, ત્યક્તા અને ૪૦ વર્ષની ઉપરની અવિવાહિત મહિલાઓને પણ આ મદદ મળી શકશે. દરેક નગરસેવકના પ્રભાગમાં ચાર ઘરઘંટી, પાંચ સિલાઈ મશીન અને ચાર દિવેટ બનાવવાનાં મશીન આપવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

કોવિડના કારણે પતિનું મૃત્યુ થયું હોય તો એવી મહિલાઓને હવે પગભર કરવા મુંબઈ મહાનગરપાલિકાએ મદદનો હાથ લંબાવ્યો છે. એ મહિલાઓને સુધરાઈ તરફથી ઘરઘંટી, સિલાઈ મશીન અથવા રૂમાંથી દિવેટ બનાવવાનું મશીન આપવામાં આવશે. એ સિવાય વિધવા, ત્યક્તા અને ૪૦ વર્ષની ઉપરની અવિવાહિત મહિલાઓને પણ આ મદદ મળી શકશે. દરેક નગરસેવકના પ્રભાગમાં ચાર ઘરઘંટી, પાંચ સિલાઈ મશીન અને ચાર દિવેટ બનાવવાનાં મશીન આપવામાં આવશે.
મહિલાઓને પગભર કરવા મુંબઈ મહાનગરપાલિકાના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જેન્ડર બજેટમાંથી યંત્રસામગ્રી ખરીદી કરીને મહિલાઓને આપવામાં આવતી હતી. એ પછી એ ખરીદવા અનુદાન અપાતું હતું. જોકે કોવિડના સમયમાં આ યોજનાઓ ચાલુ રહી શકી નહોતી, પણ હવે ફરી આ યોજનાઓ ચાલુ કરાઈ છે જેમાં કોવિડના કારણે જો પતિનું મૃત્યુ થયું હોય તો એવી મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કુલ ૨૯૫૧ મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકશે. એ માટે જાહેરાત આપી તેમની અરજીઓ મગાવવામાં આવશે. 
જોકે આ યોજના માટે લાભાર્થી મહિલાઓએ તેમના તરફથી બહુ જ નાની રકમ ચૂકવવાની રહેશે. જેમ કે ૨૦,૦૬૧ રૂપિયાની ઘરઘંટી માટે સુધરાઈ ૯૫ ટકા એટલે કે ૧૯,૦૫૮ રૂપિયાની રકમ આપશે, જ્યારે લાભાર્થી મહિલાએ પાંચ ટકા એટલે ૧૦૦૩ રૂપિયા આપવાના રહેશે. ૧૨,૨૨૧ રૂપિયાના સિલાઈ મશીન માટે સુધરાઈ ૧૧,૬૧૦ રૂપિયા આપશે. બાકીના ૬૧૧ રૂપિયા લાભાર્થીએ આપવાના રહેશે. ૩૨,૨૩૦ રૂપિયાના દિવેટ બનાવવાના મશીન માટે ૩૧,૫૬૮ રૂપિયા સુધરાઈ આપશે, જ્યારે ૧૬૬૨ રૂપિયા લાભાર્થી મહિલાએ આપવાના રહેશે. આમ બહુ જ નાની રકમનું એ મહિલાઓ દ્વારા રોકાણ કરાશે અને એ પછી તેમને એ ઘરઘંટી, દિવેટ બનાવવાનું મશીન અને સિલાઈ મશીનને કારણે આજીવિકા રળવાનું સાધન મળી રહેશે.  

Mumbai mumbai news coronavirus covid vaccine covid19 brihanmumbai municipal corporation