હાઉસિંગ સોસાયટી અને કંપનીઓમાં રસીકરણ માટે પાલિકાએ બનાવ્યા છે આ નિયમો

11 May, 2021 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંપનીઓ અને હાઉસિંગ સોસાયટીઓ કોરોના રસીકરણ માટે ખાનગી હૉસ્પિટલ સાથે ટાઈ-અપ કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

બાજુ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ વૅક્સિનની અછત હોવાથી અનેક ખાનગી હૉસ્પિટલોને મુશ્કેલીઓ પડી રહી છે. સોસાયટીઓમાં લોકોને અને કંપનીઓમાં કામ કરતા લોકોને વૅક્સિન મળવી જરુરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ હાઉસિંગ સોસાયટીઓ અને કાર્યસ્થળોમાં ખાનગી હૉસ્પિટલના સહયોગથી વૅક્સિનેશન શરુ કરવા માટે એક વિશેષ માર્ગદર્શિકા તૈયાર કરી છે.

ખાનગી COVID-19 વૅક્સિનેશન કેન્દ્રોએ એન્ટી COVID-19 રસી લેવી પડશે અને હાઉસિંગ સોસાયટીઓમાં અને કાર્યસ્થળો પર રસીકરણના કૅમ્પ બનાવવા માટે જવાબદાર રહેશે તેમ પાલિકાએ જણાવ્યું છે. તદઉપરાંત એમ પણ કહેવામાં આવ્યું છે કે, ખાનગી રસીકરણ કેન્દ્રોએ હાઉસિંગ સોસાયટી કે કાર્યસ્થળો સાથે મળીને રસીના દરેક ડોઝની કિંમત નક્કી કરવાની રહેશે. વૅક્સિનેશન ડ્રાઈવ સરળતાથી ચાલે તે માટે ખાનગી હૉસ્પિટલ અને સોસાયટીઓ વચ્ચે સંકલન કરવા માટે નોડલ ઑફિસરની નિમણૂક કરવામાં આવશે.

પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, જો આ વૅક્સિનેશન ડ્રાઈવને સારો પ્રતિસાદ મળશે તો ડૉર ટુ ડૉર રસીકરણના મૉડેલ પર ભાર મુકવામાં આવશે. આ ઉપરાંત પાલિકાએ રેસિડેન્શ્યલ કૉમ્પલેક્સમાં આવેલા નાના નર્સિંગ હૉમને રસીકરણ કઈ રીતે થાય છે તેની તાલીમ માટે ખાનગી હૉસ્પિટલ સાથે ટાઈ-અપ કરવાનું કહ્યું છે. ત્યારબાદ આ નર્સિંગ હોમ્સ રસીઓ મેળવીને તેમના વિસ્તારની હાઉસિંગ સોસાયટીઓ માટે વૅક્સિનેશન ડ્રાઈવ યોજી શકે છે.

ખાનગી હૉસ્પિટલો અને કેન્દ્રો કોઈપણ પ્રકારની પ્રતિકૂળ અસરોની સારવાર માટે જવાબદાર રહેશે. હાઉસિંગ સોસાયટી અને કાર્યસ્થળો પર નિરીક્ષણ રુમ બાંધવાના રહેશે, તેમ પાલિકાએ જણાવ્યું છે.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation