ઓમાઇક્રોન સામે લોકોની સલામતી સુનિશ્ચિત કરો

11 January, 2022 11:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટે કરી બીએમસીને તાકીદ

ફાઈલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે સુધરાઈને તાકીદ કરતાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસના ઓમાઇક્રોન વેરિઅન્ટને કારણે કેસમાં ઝડપથી થઈ રહેલા વધારા સામે લોકો સુરક્ષિત રહે એ સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર છોડવી ન જોઈએ.
ચીફ જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ એમ. એસ. કર્ણિકની બેન્ચે કૉર્પોરેશનને ઑક્સિજન સપ્લાય, હૉસ્પિટલના બેડ, આવશ્યક દવાઓ જેવાં કોવિડ સંબંધિત હેલ્થકૅર સંસાધનોનું વ્યવસ્થાપન કરવા માટે મહારાષ્ટ્ર સરકારે જારી કરેલી માર્ગદર્શિકાનો તથા તકેદારીનાં પગલાંનો અમલ કરવાનો હુકમ કર્યો હતો.
‘ઓમાઇક્રોનના ફેલાવાને કારણે જનતાના આરોગ્ય સાથે સમાધાન નહીં કરાય એ સુનિશ્ચિત કરવામાં કૉર્પોરેશન કોઈ કસર નહીં છોડે, એવો અમને વિશ્વાસ તથા આશાવાદ છે એમ કોવિડ સંબંધિત હેલ્થકૅર સંસાધનોના વ્યવસ્થાપન પર સુધરાઈ અને રાજ્ય સરકારને હુકમ કરવાની માગણી કરતી ગયા વર્ષે દાખલ કરાયેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં બેન્ચે જણાવ્યું હતું.
કૉર્પોરેશનના કાઉન્સેલ અને સિનિયર ઍડ્વોકેટ અનિલ સાખરેએ બેન્ચને જણાવ્યું હતું કે સુધરાઈ હાલની સ્થિતિનો સામનો કરવા માટે સજ્જ છે. એણે હૉસ્પિટલ બેડ, ઑક્સિજન સપ્લાયની પ્રાપ્યતા અને અત્યાર સુધી અપાયેલા રસીના ડોઝની વિગતો ધરાવતું ઍફિડેવિટ કોર્ટને સુપરત કર્યું હતું.

mumbai mumbai news Omicron Variant mumbai high court bombay high court brihanmumbai municipal corporation