સેલ્ફ-ટેસ્ટ કિટ્સના વેચાણની વિગતો રોજ સાંજના છ વાગતા સુધીમાં આપી દો

16 January, 2022 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલિકાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ૧૦ જાન્યુઆરી પહેલાં લગભગ ત્રણથી સાડાત્રણ લાખ હોમ ટેસ્ટ કિટ્સનું વેચાણ થયું હતું

પ્રતીકાત્મક તસવીર

ઍન્ટિજન સેલ્ફ-ટેસ્ટ કિટ્સના વેચાણની વિગતો જાહેર ન થવાને કારણે બીએમસીએ એના ઉત્પાદકો, સપ્લાયર્સ તથા ફાર્મસી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. 
સુધરાઈએ જણાવ્યા અનુસાર હોમ ટેસ્ટ કિટ્સ વેચતા ઈ-કૉમર્સ પ્લૅટફૉર્મ માટે પણ ટૂંક સમયમાં નવા નિયમો બહાર પાડવામાં આવશે. પાલિકાના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ૧૦ જાન્યુઆરી પહેલાં લગભગ ત્રણથી સાડાત્રણ લાખ હોમ ટેસ્ટ કિટ્સનું વેચાણ થયું હતું. જોકે માત્ર ૯૮,૦૦૦ લોકોનાં પરીક્ષણોનાં રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યાં છે. પરીક્ષણોનાં રિઝલ્ટ જાહેર ન થવાને લીધે પેશન્ટની માહિતી મેળવવામાં તેમ જ વાઇરસના પ્રસારને રોકવો મુશ્કેલ થઈ રહ્યું છે. 
નવી માર્ગદર્શિકામાં ઉત્પાદકો અને કેમિસ્ટે એની સપ્લાય અને વેચાણ સંબંધિત માહિતી રોજ સાંજે છ વાગ્યા સુધીમાં એફડીએને પહોંચાડવાની રહેશે. 

નવા નિયમો શું કહે છે?

ઍન્ટિજન કિટ ઉત્પાદકો અને ડિસ્ટ્રિબ્યુટર્સે કેમિસ્ટ, ફાર્મસિસ, મેડિકલ સ્ટોર્સ અને ડિસ્પેન્સરીઝને વેચેલી કિટ્સની માહિતી આપવાની રહેશે. આ માટે તેમણે એફડીએ કમિશનરને whogmp.mahafda@smail.com ફૉર્મ એમાં તથા કેમિસ્ટ ફાર્મસિસ, મેડિકલ સ્ટોર્સ અને ડિસ્પેન્સરીએ બીએમસી એપિડેમિઓલૉજી સેલને mcgm.hometests@gmail.com  ફૉર્મ ‘બી’માં વેચાણની તમામ વગતો ભરીને રોજ સાંજે છ વાગ્યા સુધીમાં પહોંચાડવામાં આવશે. 
ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે અમે તમામ હોમ ટેસ્ટિંગ કિટ્સને નિયમનમાં રાખવાની સિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જે મુજબ જો અમને કોઈ ચોક્કસ ટેસ્ટ કિટ્સ સંબંધે રિઝલ્ટ નથી મળતાં તો અમારા વૉર્ડરૂમ દ્વારા તત્કાળ એનો સંપર્ક કરવામાં આવશે. 
આઇએમસીઆરએ અત્યાર સુધીમાં માયલૅબ્સની કોવિસેલ્ફ, મેરિલ ડાયગ્નૉસ્ટિક્સની કોવિફાઇન્ડ, અબોટની પાન બાયો સહિત કુલ સાત સેલ્ફ-ટેસ્ટ કિટ્સને મંજૂરી આપી છે. આ કિટ્સના ઉપયોગકર્તાઓએ ઉત્પાદકોના મોબાઇલ ઍપ પર તેમની ટેસ્ટ કિટના પરીક્ષણનાં પરિણામ જણાવવાનાં રહેશે. જોકે અનેક લોકો પરિણામો જણાવવાનું ટાળે છે. 

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation