આ ખાડો કોઈનો જીવ ન લે તો સારું

23 July, 2021 08:48 AM IST  |  Mumbai | Mehul Jethva

એક ટીનેજર બાઇક સાથે કલ્યાણમાં એક ખાડામાં પડ્યો હતો, પણ નસીબજોગ તેનો જીવ બચી ગયો હતો. જોકે બાઇકર સાગર રાઠોડને એવો જોરદાર માર વાગ્યો છે કે તેના મોઢા પર ૪૦થી વધુ ટાંકા આવ્યા છે અને તેને ઠીક થતાં બે મહિના લાગશે

કલ્યાણના મલંગગડ રોડ પરના આ ભયંકર ખાડાની વહેલાસર મરામત કરાવવાનું કેમ સૂઝતું નહીં હોય?

દર વર્ષે ચોમાસામાં રસ્તા પર ખાડા પડવાને લીધે ઍક્સિડન્ટ થાય છે અને એમાં ખાસ કરીને બાઇકર્સનો જીવ જાય છે. આવો જ એક બનાવ કલ્યાણના મલંગગડ રોડ પર બન્યો હતો, પણ સદ્નસીબે અકસ્માતમાં ઘાયલ થનાર ટીનેજર બચી ગયો છે; પણ તેને આંખ, નાક, હોઠ અને માથા પર ગંભીર ઈજા થઈ છે અને અત્યારે તે હૉસ્પિટલમાં છે. હજી ગયા મહિને જ એક કચ્છી યુવતીનું વૅક્સિન લેવા જતી વખતે રસ્તા પરના આવા ખાડાને લીધે મૃત્યુ થયું હતું.

સોમવારે સાંજે ૧૯ વર્ષનો સાગર રાઠોડ પોતાનું કામ પતાવીને રાતે ૯ વાગ્યે બાઇક પર ઘરે જઈ રહ્યો હતો ત્યારે કલ્યાણના મંગલગઢ રોડ પર અચાનક મોટો ખાડો આવી જતાં તેણે ઇમર્જન્સી બ્રેક મારી હતી, જેમાં તેની બાઇકનું આગળનું ટાયર ખાડામાં પડતાં બૅલૅન્સ ગુમાવ્યું અને તે પણ ખાડામાં પડ્યો હતો. જોકે સદ્નસીબે પાછળ કોઈ વાહન આવતું ન હોવાથી તે બચી ગયો હતો. આમ છતાં તેને મોઢા પર અને માથામાં ઘણી ઈજા થઈ છે, જેને લીધે તેણે ૪૦ ટાંકા લેવા પડ્યા છે. કલ્યાણ-ડોમ્બિવલીના રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા હોવાથી બાઇકર્સ અને મોટરિસ્ટ માટે ટ્રાવેલ કરવું જોખમભર્યું બની ગયું છે.

ખાડામાં પડ્યા બાદ સ્થાનિક સંસ્થાના કાર્યકરો સાગરને પ્રાઇવેટ હૉસ્પિટલ લઈ ગયા હતા. આ બાબતે સંસ્થાના અધ્યક્ષ કૃણાલ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને જેવી ખબર પડી કે મંગલગઢ રોડ પર એક બાઇકર ખાડામાં પડી ગયો છે એટલે તરત જ અમારા કાર્યકરો ત્યાં પહોંચીને સાગરને નજીકની હૉસ્પિટલ લઈ ગયા હતા. એ સમયે તો તેની હાલત બહુ ખરાબ હતી, પણ હવે તબિયત સુધારા પર છે. સુધરાઈએ રસ્તા પર પડી ગયેલા આટલા મોટા ખાડાઓને તાત્કાલિક પૂરવા માટે કંઈક કરવું જોઈએ. આ તો સાગર નસીબદાર હતો એટલે બચી ગયો, પણ બધા આટલા નસીબદાર નથી હોતા.’

હૉસ્પિટલમાંથી સાગર રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હવે મારી તબિયત સુધારા પર છે. એ દિવસે હું મારા કૉલેજના કામસર બહાર ગયો હતો. ઘરે આવતો હતો ત્યારે ખાડાને લીધે મારો ઍક્સિડન્ટ થયો હતો. ગંભીર ઈજાને લીધે અત્યારે મને બહુ પીડા થઈ રહી છે. ડૉક્ટરોનું કહેવું છે કે મને રિકવર થતાં બે મહિનાથી વધુ સમય લાગશે.’

mumbai mumbai news mumbai rains kalyan mehul jethva