ગુજરાતીઓને આકર્ષવા શિવસેનાના જલેબી-ફાફડા બાદ રાસગરબા

24 January, 2021 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતીઓને આકર્ષવા શિવસેનાના જલેબી-ફાફડા બાદ રાસગરબા

ગુજરાતીઓને આકર્ષવા શિવસેનાના જલેબી-ફાફડા બાદ રાસગરબા

જેમ જેમ બીએમસીની ચૂંટણી નજીક આવી રહી છે એમ શિવસેના ગુજરાતીઓને આકર્ષવા માટેની એક પણ તક ચૂકવા ન માગતી હોય એવું લાગી રહ્યું છે. ગઈ કાલે શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેની જન્મજયંતી નિમિત્તે મુલુંડમાં શિવસેનાના ગુજરાતી નેતાઓએ સ્ટેશનની બહાર જલેબી-ફાફડાની સાથે રાસગરબાનો પ્રોગ્રામ પણ રાખ્યો હતો જેમાં સારી એવી સંખ્યામાં ગુજરાતીઓ હાજર રહ્યા હતા.

મુલુંડમાં છએ છ નગરસેવક, વિધાનસભ્ય અને ઇશાન મુંબઈના સંસદસભ્ય બીજેપીના હોવાથી શિવસેનાના આ કાર્યક્રમને લઈને ઘણી ઉત્સુક્તા નિર્માણ થઈ છે. સ્ટેશન પર એક સ્ટેજ તૈયાર કરીને કચ્છી ઢોલ અને સિંગરોની સાથે રાસગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. 

શિવસેનાના માજી કક્ષપ્રમુખ રાકેશ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બાળાસાહેબની જન્મજયંતી નિમિતે મેં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ‘જલેબી ને ફાફડા, ઉદ્ધવ ઠાકરે આપણા’ સ્લોગનને આગળ વધારીને જલેબી-ફાફડાની સાથે રાસગરબા પણ રાખ્યા હતા. સામાન્ય રીતે લોકોમાં એવી છાપ છે કે શિવસેના એટલે મહારાષ્ટ્રીયનની પાર્ટી, પણ એવું નથી. ૧૯૯૩માં બાળાસાહેબે જ ગુજરાતી વેપારીઓનું રક્ષણ કર્યું હતું. ટૂંકમાં કહું તો ગુજરાતીઓને શિવસેના સાથે જોડવા માટે મેં આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

જોકે સ્થાનિક સંસદસભ્ય મનોજ કોટક આને શિવસેનાનાં ગતકડાં માને છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે દેશ આખાને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ છે. તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં ૭૫ ટકા લોકોએ વડા પ્રધાનને સર્વમાન્ય નેતા માન્યા છે. ગુજરાતીઓએ પહેલાંની શિવસેના અને હમણાંની નૌટંકી શિવસેનાને પણ જોઈ છે. આવાં ગતકડાં કરીને શિવસેના કેટલા સમય ગુજરાતીઓના પડખે ઊભી રહેશે એ મુંબઈકર જોશે.

આ બાબતે શિવસેનાની ગુજરાતી પાંખના સંઘટક હેમરાજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે બીજેપી શું કહે છે એમાં અમને રસ નથી. ગુજરાતીઓને જે ન્યાય આપશે ગુજરાતીઓ એ પાર્ટીને મત આપશે. હાલમાં આપણા લોકોને સમજાવવાની જરૂર છે કે શિવસેના ગુજરાતીઓ માટે શું કરી રહી છે અને શું કરી શકે છે. આ વાત પહોંચાડવા જ અમે ગુજરાતી વિસ્તારોમાં એક પછી એક કાર્યક્રમ રાખ્યા છે.

mumbai mumbai news brihanmumbai municipal corporation shiv sena mulund