Mumbai : BMC 26 જાન્યુઆરી પછી સ્કૂલો શરૂ કરવા પર કરી શકે છે વિચાર

19 January, 2022 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલ

કોરોના મહામારીના ત્રીજા વેવના મારા વચ્ચે BMC કમિશનર ઈકબાલ સિંહ ચહલના જણાવ્યા અનુસાર, 27 જાન્યુઆરીથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, BMCએ આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે નવી માર્ગદર્શિકા જારી કરીને રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોને 15 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. આ સાથે રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રાત્રે પાંચથી વધુ લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે

મુંબઈમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના નવા કેસોની સંખ્યા વીસ હજારથી ઘટીને પાંચ હજાર થઈ ગઈ છે. આ સ્થિતિમાં એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની ટોચ પૂરી થઈ ગઈ છે. એવી પણ સંભાવના છે કે 26 જાન્યુઆરી સુધીમાં મુંબઈ શહેરમાં કોરોનાના નવા કેસની સંખ્યા એકથી બે હજાર સુધી પહોંચી શકે છે.

7 જાન્યુઆરીએ મુંબઈમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. તે દિવસે નવા કોરોના દર્દીઓની સંખ્યા 20 હજાર 971 હતી. તે દિવસ માટે પૉઝિટીવીટી દર પણ 28.9% હતો. જ્યારે બીજા વેવમાં, 3 એપ્રિલે, કોરોના કેસની મહત્તમ સંખ્યા 11 હજાર 573 હતી. પછી પૉઝિટીવીટી દર 23% હતો. જો કે, આ વખતે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને કોરોનાના કારણે મૃત્યુની સંખ્યા ઘણી ઓછી છે. મુંબઈમાં પૉઝિટીવીટી દર પણ 29.9% થી ઘટીને 12.9% પર આવી ગયો છે.

મુંબઈમાં સતત પાંચ દિવસથી સંક્રમણના નવા કેસમાં ઘટાડો થયા બાદ મંગળવારે કોવિડના કેસોમાં થોડો વધારો થયો છે. આજે કોવિડના 6,149 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ચેપને કારણે સાત લોકોના મોત થયા છે. સ્થાનિક સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ માહિતી અનુસાર, શહેરમાં આજે 12,810 લોકો ચેપ મુક્ત થયા છે. સોમવારની સરખામણીએ શહેરમાં સંક્રમણના વધુ 193 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપને કારણે થતા મૃત્યુમાં પાંચનો ઘટાડો થયો છે.

મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 39,207 નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસ કરતા 26 ટકા વધુ છે અને ચેપને કારણે વધુ 53 લોકોના મોત થયા છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. વિભાગે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના અત્યંત ચેપી સ્વરૂપ ઓમિક્રોનનો કોઈ નવો કેસ નોંધાયો નથી.

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation