આ ચમત્કાર જ

06 July, 2022 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે દિવસથી વરસાદ અટકી-અટકીને પડતો હોવાથી પાણી સહેલાઈથી અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં વહી ગયું

હિન્દમાતા વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીઓને કારણે છેલ્લા બે દિવસથી ભારે વરસાદ છતાં રસ્તાઓ પર પાણી ભરાયાં નહોતાં. અતુલ કાંબલે

મુંબઈ ઃ ચોમાસામાં દક્ષિણ મુંબઈના હિન્દમાતા, દાદર ટી. ટી., ગાંધી માર્કેટ અને પરેલ જેવા વિસ્તારોમાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થાય છે. અહીં પાણી ન ભરાય એ માટે બીએમસીએ તાત્કાલિક પાણીનો નિકાલ થાય એ માટે અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવી છે, પરંતુ આ વર્ષે ચોમાસામાં પહેલા વરસાદ વખતે આ વ્યવસ્થા હોવા છતાં પાણી ભરાયાં હતાં. જોકે છેલ્લા બે દિવસથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હોવા છતાં આ વિસ્તારમાં પાણી નથી ભરાયાં એટલે લોકોએ રાહત અનુભવી છે. થોડા દિવસના અંતરે જ આવું કેમ થયું એવો સવાલ બધાને થઈ રહ્યો છે.
મુંબઈમાં બે દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હિન્દમાતા વિસ્તારમાં આ વખતે પહેલી વખત પાણી ન ભરાતાં સૌને આશ્ચર્ય થયું છે. એટલું જ નહીં, ટ્રાફિકને પણ વરસાદને લીધે કોઈ મુશ્કેલી નથી નડી. આથી લોકોને સુખદ આંચકો લાગ્યો છે. 
મુંબઈ બીએમસીએ એવો તે શું ચમત્કાર કર્યો કે આટલો વરસાદ થવા છતાં હિન્દમાતા વિસ્તારમાં પાણી નથી ભરાયાં એ વિશે મુંબઈ બીએમસીના ઍડિશનલ કમિશનર (પ્રોજેક્ટ્સ) પી. વેલારાસુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હિન્દમાતા વિસ્તારમાં ચોમાસામાં પાણી ન ભરાય એ માટે અન્ડરગ્રાઉન્ડ ટાંકી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. વરસાદનું પાણી આ ટાંકીમાં વહી જાય છે એટલે રસ્તામાં વરસાદનું પાણી ભરાતું નથી. આ વર્ષે પહેલા વરસાદની વાત કરીએ તો એ સમયે ઓછા સમયમાં ૧૨૦ એમએમ એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. એકસાથે આટલું પાણી ટાંકીમાં જઈ ન શકે એટલે પાણી ભરાયાં હતાં, જ્યારે બે દિવસથી પડી રહેલો વરસાદ ભારે હોવા છતાં અટકી-અટકીને પડી રહ્યો છે એટલે પાણી સરળતાથી ટાંકીમાં વહી જાય છે. રસ્તામાં વરસાદનું ખૂબ જ ઓછું પાણી છે એટલે વાહનવ્યવહાર પણ સામાન્ય છે. ચોમાસામાં રસ્તા ચોવીસ કલાક ખુલ્લા રહે એ જ અમારું લક્ષ્ય હોવાથી એના પર બીએમસીની વિવિધ ટીમો દ્વારા નજર રાખવામાં આવી રહી છે.’

અઢી કરોડ લિટર પાણીની ક્ષમતા
હિન્દમાતા અને પરેલ વિસ્તારમાં વરસાદનું પાણી અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં વહી જાય એ માટે બીએમસીના સ્ટૉર્મ વૉટર ડ્રેન વિભાગ દ્વારા દાદર-વેસ્ટમાં આવેલા પ્રમોદ મહાજન કલા પાર્ક અને પરેલમાં આવેલા સેન્ટ ઝેવિયર્સ મેદાનની નીચે બે ટાંકીનું કામ ચાલી રહ્યું છે. આ વિશે પી. વેલારાસુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક ટાંકીનું કામ લગભગ પૂરું થઈ ગયું છે, જેની ક્ષમતા અઢી કરોડ લિટર પાણીની છે. ભારે વરસાદ વખતે આ ટાંકીમાં જમા થયેલા પાણીને પમ્પ દ્વારા પાસેના નાળામાં ઠાલવવામાં આવે છે. સમુદ્રમાં ભરતી ન હોય ત્યારે મોટા ભાગે પમ્પિંગ કરવામાં આવે છે. આ વર્ષના પહેલા વરસાદની જેમ અચાનક પાંચ ઇંચ કે એથી વધુ વરસાદ પડે તો અત્યારની સ્થિતિમાં થોડું ઘણું પાણી રસ્તામાં ભરાશે. જોકે પ્રમોદ મહાજન કલા પાર્કની નીચેની ટાંકીની પાણીની ક્ષમતા અઢી કરોડ લિટર કરાયા બાદ અહીં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બની જશે.’

mumbai news mumbai rains dadar