16 August, 2025 07:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મુંબઈના પ્રાઇમ બિઝનેસ હબ તરીકે ઓળખાતા બાંદરા-કુર્લા કૉમ્પ્લેકસ (BKC)માં લાંબા સમયથી માસ રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (MRTS) શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. પૉડ ટૅક્સી-સર્વિસ તરીકે ઓળખાતી આ સર્વિસને તાજેતરમાં જ મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથોરિટી (MCZMA) તરફથી મંજૂરી મળી છે.
આ પ્રોજેક્ટને કારણે ૦.૧૪ હેક્ટરમાં ફેલાયેલાં મૅન્ગ્રોવ્ઝને અસર થશે તેમ જ ૪૩૧ ઝાડ કાપવામાં આવશે એમ MCZMAએ પ્રોજેક્ટને મંજૂરી આપતાં સ્પષ્ટતા કરી હતી. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ આ પ્રોજેક્ટના માર્ગ પર આવતાં ઝાડ કાપવા માટે ટ્રી ઑથોરિટી પાસેથી મંજૂરી મેળવી લીધી છે. પૉડ ટૅક્સીના ૮.૦૧ કિલોમીટરના માર્ગમાંથી ૫૮.૪૮ મીટરનો પટ્ટો મૅન્ગ્રોવ્ઝ પરથી પસાર થશે.
કુલ ૧૦૧૬ કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનારી પૉડ ટૅક્સી-સર્વિસનો ઉપયોગ દરરોજ ચારથી ૬ લાખ મુસાફરો કરશે એવો અંદાજ છે. MMRDAના પ્રસ્તાવમાં જણાવાયું હતું કે BKCમાં પીક અવર્સ સિવાયના ટાઇમમાં મોટી બસો મોટા ભાગે ખાલી જતી હોય છે. તેથી ઑટોમેટેડ રૅપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (ARTS)નો ઉપયોગ આ વિસ્તારમાં હિતાવહ રહેશે અને ઝીરો-એમિશનને કારણે પ્રદૂષણ પણ નિયંત્રણમાં રહેશે.
1016 આટલા કરોડ રૂપિયાના ખર્ચે બનશે પ્રોજેક્ટ
કેવી હશે પૉડ ટૅક્સી?
બાંદરા અને કુર્લા વચ્ચે એલિવેટેડ કૉરિડોર પર ઇલેક્ટ્રિક પાવરથી ચાલતી નાની પૉડ ટૅક્સીમાં ઍડ્વાન્સ્ડ કન્ટ્રોલ સિસ્ટમ, સ્માર્ટ સેન્સર્સ અને રિયલ-ટાઇમ મૉનિટરિંગ જેવાં ફીચર્સ હશે. એને કારણે ટ્રાવેલ-ટાઇમ સામાન્ય બસ કે રિક્ષાના ટાઇમ કરતાં ઓછો થશે. પૉડ ટૅક્સી BKCમાં ૨૧ સ્ટેશનો પર ઊભી રહેશે.