મુંબઈ ક્રાઈમ : વસઈમાં 100 રૅપ, 200 વિનયભંગ?

06 October, 2020 07:17 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ ક્રાઈમ : વસઈમાં 100 રૅપ, 200 વિનયભંગ?

પ્રતીકાત્મક તસવીર

મહિલા અત્યાચારમાં રાજ્યમાં વધારો થઈ રહ્યો છે અને એ મહારાષ્ટ્ર સહન કરે છે, મુખ્ય પ્રધાન મહોદય આવી ટીકા કરતાં ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના સ્ટેટ વાઇસ પ્રેસિડન્ટ ચિત્રા વાઘે કહ્યું કે ફક્ત મહિનાભરમાં જ વસઈમાં ૧૦૦થી વધુ રૅપ અને ૨૦૦થી વધુ વિનયભંગની ઘટનાઓ બની છે.

નાલાસોપારામાં આત્મહત્યા કરનાર એક યુવતીના પરિવારજનોને મળવા આવેલાં ચિત્રા વાઘે રાજ્ય સરકારની ટીકા કરી હતી. ટ્વીટ કરીને તેમણે કહ્યું હતું કે વસઈ-વિરાર બૅલ્ટમાં ફક્ત મહિનાભરમાં ૧૦૦થી વધુ બળાત્કાર અને ૨૦૦થી વધુ વિનયભંગની ઘટના બની હોવાની માહિતી પોલીસ દ્વારા મળી છે.

આ સાથે ચિત્રા વાઘે મહિલા પર અત્યાચાર વિરોધમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે તેમ જ ઉત્તર પ્રદેશમાં પોલીસે પ્રિયંકા ગાંધી સાથે કરેલી ધક્કામુક્કી અને તેમના કપડાને હાથ લગાડ્યો હોવાનું સામે આવ્યું હોવાથી ચિત્રા વાઘે આ બનાવ સામે નારાજગી દાખવી છે. તેમનું કહેવું છે કે ભારતીય સંસ્કૃતિમાં મહિલાનું સન્માન કરવામાં આવે છે એથી આવો પ્રકાર નજરઅંદાજ ન કરી શકાય. રાજકીય પક્ષ સાથે જોડાયેલી હોય કે કોઈ પણ મહિલાનું આત્મસન્માન જાળવવું ખૂબ જરૂરી છે. જેથી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પાસે પોલીસ વિરોધમાં કડક કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે અને એના પર કાર્યવાહી પણ નિશ્ચિત થશે જ એવો વિશ્વાસ સુધ્ધાં તેમણે વ્યક્ત કર્યો છે.

બીજેપીના સ્ટેટ વાઇસ પ્રેસિડન્ટ ચિત્રા વાઘે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવનિયુક્ત પોલીસ કમિશનર સદાનંદ દાતેએ ચાર્જ સંભાળ્યા બાદ મહિનાભરમાં જ વસઈ ઝોનમાંથી ૧૦૦થી વધુ બળાત્કાર અને ૨૦૦થી વધુ વિનયભંગની ઘટના સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી અનેક વાર અમે કોવિડ અને ક્વૉરન્ટીન સેન્ટરમાં મહિલાઓની સુરક્ષા વિશે ફરિયાદ કરી હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર કોઈ પગલાં નથી લઈ રહી. કોવિડ કૅર સેન્ટરમાં બે બળાત્કાર અને ૧૨ વિનયભંગના કિસ્સાઓ બન્યા છે છતાં એસઓપી લગાવીને કાર્યવાહી કેમ કરાઈ રહી નથી. મહિલાઓની સુરક્ષા એ સૌથી મહત્ત્વની બાબત છે અને એ વિશે મુખ્ય પ્રધાન મહોદયે ધ્યાન આપવું જરૂરી છે.’

vasai nalasopara Crime News mumbai crime news mumbai mumbai news