અમારા ગામમાં તો મોદી નામનો કોઈ ગુંડો જ નથી

19 January, 2022 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના વિવાદાસ્પદ નિવેદનના બચાવમાં કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે તેમણે વડા પ્રધાનને નહીં પણ ગડચિરોલીમાં મોદી નામના સ્થાનિક ગુંડાને મારવાની વાત કરી હતી, પણ ગામવાસીઓ કહે છે કે તેમને ત્યાં આ નામ કે અટકનો કોઈ ગુંડો નથી

ગઈ કાલે કાંદિવલી (ઈસ્ટ)માં નાના પટોલેએ વડા પ્રધાન વિશે કરેલા નિવેદનનો વિરોધ કરી રહેલા બીજેપીના કાર્યકરો.

કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ વડા પ્રધાન બાબતે કરેલા નિવેદનનો વિડિયો વાઇરલ થયા બાદ બીજેપી આક્રમક બની છે. બીજેપીના વિધાનસભ્ય ચંદ્રશેખર બાવનકુળેએ પોલીસમાં ફરિયાદ નોંધાવીને નાના પટોલેની ધરપકડ કરવાની માગણી કરી છે, જ્યારે કાંદિવલી સહિત અનેક જગ્યાએ બીજેપી દ્વારા આ મામલે ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષે પોતાના બચાવમાં પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી નહીં, પણ સ્થાનિક ગુંડા મોદી વિશે બોલ્યા હોવાનું સ્પષ્ટ કર્યું હોવાનું કહ્યું છે.
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે એક વાઇરલ થયેલા વિડિયોમાં મોદીની મારપીટ કરવાની સાથે અપશબ્દો કહી રહ્યા હોવાનું જણાઈ આવે છે. આ વિડિયો વાઇરલ થતાં જ બીજેપીએ જોરદાર વિરોધ કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પણ ટ્‌વીટ કરીને નાના પટોલેની ધરપકડ કરવાની માગણી કરી છે. 
બીજેપીના જનરલ સેક્રેટરી ચંદ્રશેખર બાવનકુળેએ સોમવારે રાત્રે નાગપુર જિલ્લામાં આવેલા કૂહી પોલીસ સ્ટેશનમાં વડા પ્રધાનને મારવાની સાથે અપશબ્દો કહેનારા નાના પટોલે સામે તાત્કાલિક ફરિયાદ નોંધીને ધરપકડ કરવાની માગણી કરતો પત્ર લખ્યો હતો. 
વિરોધી પક્ષ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાના પટોલેને ફટકારતાં કહ્યું હતું કે ‘ભંડારા ગોંદિયા જિલ્લાના સંસદસભ્ય સુનીલ મેંઢેએ નાના પટોલે સામે ભંડારા શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. નાનાભાઉ, માત્ર શારીરિક ઊંચાઈથી કામ નથી ચાલતું, વૈચારિક-બૌદ્ધિક ઊંચાઈ પણ હોવી જોઈએ. પાકિસ્તાનની સીમા નજીક પંજાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને ૨૦ મિનિટ રોકી રાખવામાં આવ્યો હતો ત્યારે કૉન્ગ્રેસના પંજાબના મુખ્ય પ્રધાને ધ્યાન નહોતું આપ્યું. હવે મહારાષ્ટ્રના કૉન્ગ્રેસ પ્રદેશાધ્યક્ષ કહે છે કે હું મોદીને મારી શકું છું, અપશબ્દો કહી શકું છું. કૉન્ગ્રેસ પક્ષમાં શું ચાલી રહ્યું 
છે? એક સમયે સ્વતંત્રતાનું આંદોલન કરનારો પક્ષ આટલો નીચે ગયો છે? સત્તા માટે કંઈ પણ. કૉન્ગ્રેસને હવે લોકશાહીમાં રાજકીય પક્ષ ગણવો કે દહેશત ફેલાવતું સંગઠન?’
બીજેપી દ્વારા મુંબઈમાં કાંદિવલી અને થાણે તથા આસપાસના વિસ્તારોમાં મોટા પાયે નાના પટોલે સામે ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કરાયું હતું અને તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. એ સિવાય મુંબઈ બીજેપીના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાના નેતૃત્વમાં બીજેપીનું પ્રતિનિધિમંડળ ગઈ કાલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યું હતું અને તેમને નિવેદન આપીને નાના પટોલે વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો ચર્ચગેટમાં ગાંધીજીના પૂતળા પાસે ઉપવાસ આંદોલન કરવાનું કહ્યું હતું.
બીજેપીના આક્રમક વલણ બાદ નાના પટોલેએ પોતાના બચાવમાં કહ્યું હતું કે ‘ગડચિરોલીમાં પક્ષના કાર્યકરો સાથેની વાતચીત દરમ્યાન મેં જે કંઈ કહ્યું હતું તે વડા પ્રધાન મોદી માટે નહીં પણ મોદી નામના સ્થાનિક ગુંડા માટે કહ્યું હતું. આમ છતાં મેં કંઈ ખોટું કર્યું હોવાનું લાગતું હોય તો પોલીસ મારી ધરપકડ કરી શકે છે.’
રસપ્રદ વાત એ છે કે નાના પટોલે જે ગામમાં આ વાત બોલ્યા હતા ત્યાંના લોકોનું કહેવું છે કે અમારા ગામમાં મોદી નામનો કોઈ ગુંડો જ નથી.

મોદી નામના કોઈ પણ ગુંડાની ધરપકડ નથી કરાઈ : પોલીસ
નાના પટોલેએ ભંડારા જિલ્લાની પાલાદૂર પોલીસે મોદી નામના એક ગુંડાની ધરપકડ કરી હોવાનો દાવો કર્યો છે એની સામે પાલાદૂર પોલીસે ગઈ કાલે કહ્યું હતું કે અમે મોદી નામના કોઈ પણ ગુંડા કે વ્યક્તિની ધરપકડ નથી કરી. ભંડારા પોલીસે મોદી નામના આરોપીની ધરપકડ કરીને તેનું નિવેદન નોંધવામાં આવી રહ્યું હોવાનું નાના પટોલેએ ગઈ કાલે સવારે નાગપુર ઍરપોર્ટ પર પત્રકારોને કહ્યું હતું. જોકે ભંડારાના પોલીસ અધિકારી અરુણ વાયકરે ગઈ કાલે સ્પષ્ટતા કરી હતી કે ‘પોલીસે મોદી નામની કોઈ પણ વ્યક્તિની ધરપકડ નથી કરી. ૧૬ જાન્યુઆરીનો નાના પટોલેનો જે વિડિયો વાઇરલ થયો છે એની અમે તપાસ કરી રહ્યા છીએ. તપાસ બાદ આરોપ સિદ્ધ થશે તો અમે કાર્યવાહી કરીશું.’

mumbai mumbai news bharatiya janata party narendra modi