એનસીપી-કૉન્ગ્રેસ સાથે સરકાર બનાવવી મર્દાનગી હતી?

06 December, 2022 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત સહિતના વિરોધી પક્ષના નેતાઓ તેમ જ ‘સામના’માં એકનાથ શિંદે અને બીજેપીને વિવિધ મામલે મર્દાનગી બતાવવાનું કહી રહ્યા છે ત્યારે આશિષ શેલારે તેમને સવાલ કર્યો

ફાઇલ તસવીર

શિવસેનાના મુખપત્ર ‘સામના’માં ગઈ કાલે છપાયેલા અગ્રલેખમાં બીજેપીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારની આકરી ટીકા કરવામાં આવી હતી. રાજ્યની વિવિધ સમસ્યા બાબતે રાજ્ય સરકાર મર્દાનગી બતાવવામાં ઓછી પડી રહી હોવાની ટિપ્પણી પણ આ લેખમાં કરવામાં આવી હતી. જવાબમાં આશિષ શેલારે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતને સવાલ કર્યો હતો કે તદ્દન વિરોધી વિચારધારા ધરાવતા એનસીપી અને કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હતી ત્યારે તમારી મર્દાનગી ક્યાં ગઈ હતી? આશિષ શેલારે એક જાહેર પત્ર લખીને આવો સવાલ કર્યો હતો. આ પત્ર સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે.

શિવસેનાના મુખપત્ર ‘સામના’ના લેખમાં રાજ્ય સરકાર, બીજેપી અને આશિષ શેલાર પર ટીકા કરતાં લખવામાં આવ્યું હતું કે વિરોધી પક્ષે નરસિંહ બનીને ખોખે સરકારનો અંત કરાવવો જોઈએ. 
આ લેખના જવાબમાં મુંબઈ બીજેપી અધ્યક્ષ આશિષ શેલારે લખેલા પત્રમાં નોંધ્યું હતું કે ‘વિરોધી પક્ષોએ નરસિંહ અવતાર ધારણ કરવા માટે, આ અવતારને બોલાવવા માટે એક પ્રામાણિક ભક્ત પ્રહ્લાદની જરૂર હોય છે સંપાદક મહોદય. તમારી પાસે નારાયણ... નારાયણ... જાપ કરનારા ભક્ત પ્રહ્લાદ છે? તમારી પાસે અત્યારે ભક્ત પ્રહ્લાદ પણ નથી અને નારાયણ પણ નથી. તમારામાં હવે રામ જ બાકી નથી રહ્યા. યાદ છે? છત્રપતિ શિવાજી મહારાજના વંશજો પાસે પુરાવા માગનારા કૉન્ગ્રેસ અને એનસીપી જેવા પક્ષો સાથે હાથ મિલાવીને સરકાર બનાવી ત્યારે તમારી મર્દાનગી ક્યાં ગઈ હતી? આ લોકો દેશના ટુકડા કરવાની વાતો કરનારાઓને માથે ચડાવીને પક્ષમાં હોદ્દો આપે છે ત્યારે તમે કેમ ચૂપ છો? જેઓ વંદનીય બાળાસાહેબ ઠાકરેનું અભિવાદન કરવા તૈયાર નથી એવા કૉન્ગ્રેસ અને એનસીપી સાથે બેઠા એ શું હતું?’

રાવસાહેબ દાનવેએ શિવાજી મહારાજના ઉલ્લેખની માફી માગી
રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, બીજેપીના પ્રસાદ લાડ બાદ હવે બીજેપીના કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેએ છત્રપતિ શિવાજી મહારાજને ઉતારી પાડ્યા હોય એવો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયો પર રાજ્યભરમાં વિરોધ કરાઈ રહ્યો છે. રાવસાહેબ દાનવેએ આ સંબંધે સ્પષ્ટતા કરી હતી કે વાઇરલ થયેલો વિડિયો બે વર્ષ પહેલાંનો છે. એ સમયે માફી માગી હતી અને ફરી માફી માગું છું. અત્યારે મેં છત્રપતિ વિશે કંઈ કહ્યું નથી. બે વર્ષ પહેલાં પત્રકારોએ મને રાજ્યપાલના નિવેદન વિશે પ્રતિક્રિયા આપવાનું કહ્યું હતું. એ સમયે મારા મોઢામાંથી અનાયાસે શિવાજી મહારાજ માટે ઉતારી પાડવા જેવો શબ્દ નીકળ્યો હતો.

mumbai mumbai news maharashtra dirty politics uddhav thackeray sanjay raut ashish shelar eknath shinde shiv sena bharatiya janata party