22 July, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વસઈમાં BJPના નેતાઓ લિફ્ટમાં ફસાઈ ગયા
જૂનાં મકાનોને સેલ્ફ રીડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય એના ગાઇડન્સ માટે આયોજિત કરાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપવા વસઈ ગયેલા મુંબઈ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅન્કના વડા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાન પરિષદના સભ્ય પ્રવીણ દરેકર અન્ય વિધાનસભ્યો અને અન્ય લોકો સાથે લિફ્ટમાં ફસાયા હતા. ૧૦ મિનિટ સુધી એ હાલતમાં રહ્યા બાદ તેમને બધાને સુખરૂપ બચાવી લેવાયા હતા.
ઉપરોક્ત કાર્યક્રમ વસઈના કૌલ હેરિટેજ સિટીના બૅન્ક્વેટ હૉલમાં રાખવામાં આવ્યો હતો. પ્રવીણ દરેકર સાથે વસઈનાં વિધાનસભ્ય સ્નેહા દુબે-પંડિત અને નાલાસોપારાના વિધાનસભ્ય રાજન નાઈક પણ હતાં. સૂત્રોના જણાવ્યા અનુસાર લિફ્ટની કૅપેસિટી ૧૦ જણની હતી એ સામે લિફ્ટમાં ૧૭ જણ ચડી ગયા હતા. એથી લિફ્ટમાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો હતો અને લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર અટકી ગઈ હતી અને એના દરવાજા ખૂલી નહોતા રહ્યા. BJPના કાર્યકરો અને મકાનના સિક્યૉરિટી સ્ટાફે તરત જ ઍક્શન લીધી હતી. તેઓ લોખંડના સળિયા લઈ આવ્યા હતા અને એ સળિયા દરવાજામાં ભરાવી આખરે જબરદસ્તી દરવાજા ખોલ્યા હતા અને લિફ્ટમાં ફસાયેલા તમામને બચાવી લેવામાં આવ્યા હતા.