23 April, 2025 09:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આશિષ શેલાર
ચર્ચગેટમાં આવેલી ગરવારે ક્લબમાં સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્ફ બોર્ડના કાયદા વિશેની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. આ સમયે મુંબઈ BJPના અધ્યક્ષ અને રાજ્યના કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાકતાં કહ્યું હતું કે ‘વક્ફ બોર્ડના કાયદા વિશે ઉદ્ધવ ઠાકરે મુસ્લિમોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ કાયદાથી મસ્જિદ, મદરેસા અને કબ્રસ્તાનની જમીન સરકાર લઈ લેશે એવો ખોટો પ્રચાર તેઓ કરી રહ્યા છે. આ કાયદાથી ગરીબ મુસ્લિમોને મદદ થશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)માં ઉદ્ધવ ઠાકરેનું ૨૫ વર્ષથી રાજ હતું. મુંબઈની બધી જમીનના લૅન્ડ સ્કૅમના બાદશાહ ઉદ્ધવ ઠાકરે છે. આથી તેમના મગજમાં લૅન્ડ અને લૅન્ડ સ્કૅમ સતત ચાલી રહ્યું છે. BJPવાળા જમીન લઈને અદાણી અને અંબાણીને આપી દેશે. મુંબઈમાં એક ચોરસફુટની કિંમત એક લાખ રૂપિયા છે. ઉદ્ધવ ઠાકરેએ મુંબઈની જમીન બિલ્ડરોને આપવાનું પાપ કર્યું છે એટલે તેમને અમને સવાલ કરવાનો કોઈ અધિકાર નથી. અમે મુંબઈની કોઈ જમીન બિલ્ડરોને નહીં આપીએ.’