બીજેપીએ ૨૦૧૯માં ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાનનું વચન આપ્યું જ નહોતું : એકનાથ શિંદે

15 August, 2022 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં શનિવારે રાત્રે ડૉ. કાશીનાથ ઘાણેકર નાટ્યગૃહમાં ૧૭૫ સંસ્થાઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સન્માનનું આયોજન કર્યું હતું એમાં તેમણે ઉદ્ધવ ઠાકરેને બીજેપીએ મુખ્ય પ્રધાન બનાવવાનું વચન આપવા બાબતે ખોટા ગણાવ્યા હતા.

એકનાથ શિંદે

શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ૨૦૧૯થી સતત કહેતા આવ્યા છે કે બીજેપીના નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક બંધબારણે બેઠકમાં બીજેપી-સેનાની યુતિ વિધાનસભાની ચૂંટણીમાં વિજયી થશે તો તેમને મુખ્ય પ્રધાન બનાવવાનું વચન આપ્યું હતું. જોકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે બીજેપીએ ઉદ્ધવ ઠાકરેને આવું કોઈ વચન આપ્યું જ નહોતું. આમ કહીને એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને નિશાના પર લીધા છે.

થાણેમાં શનિવારે રાત્રે ડૉ. કાશીનાથ ઘાણેકર નાટ્યગૃહમાં ૧૭૫ સંસ્થાઓએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના સન્માનનું આયોજન કર્યું હતું એમાં તેમણે ઉદ્ધવ ઠાકરેને બીજેપીએ મુખ્ય પ્રધાન બનાવવાનું વચન આપવા બાબતે ખોટા ગણાવ્યા હતા. એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હીમાં મળ્યો હતો ત્યારે તેમને પૂછ્યું હતું કે તેમણે બંધબારણે આયોજિત બેઠકમાં શિવસેનાને અઢી વર્ષ મુખ્ય પ્રધાનપદ આપવાનું વચન આપ્યું હતું? તેમણે જવાબ આપ્યો હતો કે બિહારમાં ઓછી સંખ્યા હોવા છતાં અમે ‌નીતીશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા, તમારી પાસે ૫૦ વિધાનસભ્યો છે અને બીજેપીના ૧૦૬ વિધાનસભ્યો હોવા છતાં તમને મુખ્ય પ્રધાન બનાવી શકીએ તો અમે જો વચન આપ્યું હોત તો એ પાળવામાં અમને શું વાંધો હોય? અમે ઉદ્ધવ ઠાકરેને આવું કોઈ વચન આપ્યું જ નહોતું.’

ઉદ્ધવ ઠાકરે સાથે કામ કરવાની ઑફર આવશે તો તેમની સાથે જશો? એવા સવાલના જવાબમાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘અમે બાળાસાહેબના માર્ગે ચાલવાનો નિર્ણય લીધો છે. બાળાસાહેબ કાયમ કહેતા કે કૉન્ગ્રેસ અને એનસીપી શિવસેનાના ક્યારેય મિત્ર ન બની શકે. આ બંને પક્ષ શિવસેનાના શત્રુ છે. આ પક્ષો સાથે ક્યારેક યુતિ કરવાની નોબત આવશે તો હું મારી દુકાન બંધ કરી દઈશ. શિવસેના-પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આવું સાહસ કર્યું છે. આથી હું હવે ક્યારેય ઉદ્ધવ ઠાકરે સાથે જઈશ નહીં.’

ફડણવીસને ગૃહમંત્રાલય અને શિંદે સંભાળશે શહેરી વિકાસ
૧૮ પ્રધાનોએ ૯ ઑગસ્ટે કૅબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા બાદ ગઈ કાલે આ પ્રધાનો સહિત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં ખાતાંની વહેંચણી કરવામાં આવી હતી. એકનાથ શિંદેને શહેરી વિકાસ અને દેવેન્દ્ર ફડણવીસને ગૃહ, નાણાં અને યોજના મંત્રાલય ફાળવવામાં આવ્યાં છે. બીજેપીના રાધાકૃષ્ણ વિખે પાટીલને મહેસૂલ, પશુપાલન અને ડેરી ડેવલપમેન્ટ; સુધીર મુનગંટીવારને વન, સાંસ્કૃતિક અને મત્સ્યપાલન; ચંદ્રકાંત પાટીલને ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કપડાં ઉદ્યોગ અને સંસદીય કાર્ય; ડૉ. વિજયકુમાર ગાવિતને આદિવાસી વિકાસ; ગિરીશ મહાજનને ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ, ચિકિત્સા શિક્ષા, રમતગમત અને યુવા કલ્યાણ; ગુલાબરાવ પાટીલને જળસંસાધન અને સ્વચ્છતા; દાદા ભુસેને બંદર અને ખાણ; સંજય રાઠોડને ખાદ્ય અને ઔષધ પ્રશાસન; સુરેશ ખાડેને કામગાર; સંદીપાન ભુમરેને રોજગાર ગૅરન્ટી યોજના અને બાગકામ; ઉદય સામંતને ઉદ્યોગ; તાનાજી સાવંતને સાર્વજનિક આરોગ્ય અને પરિવાર કલ્યાણ; રવીન્દ્ર ચવાણને લોકનિર્માણ, ખાદ્ય અને નાગરી પુરવઠો; અબ્દુલ સત્તારને કૃષિ; દીપક કેસરકરને સ્કૂલ શિક્ષણ અને મરાઠી ભાષા; અતુલ સાવેને સહકાર, પછાત વર્ગ અને બહુજન કલ્યાણ; શંભુરાજ દેસાઈને રાજ્ય ઉત્પાદન શુલ્ક અને મંગલ પ્રભાત લોઢાને પર્યટન, સ્કિલ ડેવલપમેન્ટ ઍન્ડ ઑન્ટ્રપ્રનરશિપ અને મહિલા અને બાળકલ્યાણ મંત્રાલયની ફાળવણી કરવામાં આવી છે.

ફડણવીસે પવાર પૅટર્ન અપનાવી
મહાવિકાસ આઘાડી સરકારમાં શિવસેનાના મુખ્ય પ્રધાન હોવા છતાં સરકારનાં મહત્ત્વનાં ખાતાંઓ એનસીપીએ પોતાને હસ્તક રાખ્યાં હતાં અને ઓછા મહત્ત્વનાં ખાતાં શિવસેના અને કૉન્ગ્રેસને ફાળવવામાં આવ્યાં હતાં. એકનાથ શિંદે બીજેપીના સમર્થનથી મુખ્ય પ્રધાન બન્યા છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસે પણ મહત્ત્વનાં ખાતાં પોતાની પાસે રાખીને શરદ પવારની પૅટર્ન અપનાવી હોવાનું ગઈ કાલે જાહેર કરવામાં આવેલી ખાતાંની વહેંચણી પરથી જણાઈ આવે છે. આથી કહી શકાય કે એકનાથ શિંદે ભલે મુખ્ય પ્રધાન હોય, સરકારમાં તેમના કરતાં વધુ મહત્ત્વ દેવેન્દ્ર ફડણવીસનું જ છે એ કોઈ નકારી ન શકે. 

ખાતાંની વહેંચણીમાં શિંદે જૂથના પાંચ પ્રધાન નારાજ?
સરકારની સ્થાપના થયાના દોઢ મહિના બાદ પ્રધાનોને ખાતાંની વહેંચણી ગઈ કાલે કરવામાં આવી હતી. એમાં એકનાથ શિંદે જૂથના પાંચ પ્રધાન નારાજ હોવાનું જાણવા મળ્યું હતું. દાદા ભુસે, ગુલાબરાવ પાટીલ, દીપક કેસરકર, સંજય રાઠોડ અને સંદીપાન ભુમરે તેમને ફાળવવામાં આવેલાં ખાતાંથી ખુશ ન હોવાનું કહેવાય છે. આમાંથી દાદા ભુસેએ તો તેમનો મોબાઇલ જ બંધ કરી દીધો છે એવી ચર્ચા છે. પ્રધાનોને ખાતાંની વહેંચણી બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે જરૂર પડશે તો પ્રધાનમંડળના આગામી વિસ્તરણમાં એકનાથ શિંદે જૂથના પ્રધાનોનાં ખાતાંઓની અદલીબદલી કરાશે. આમ કહીને તેમણે એકનાથ શિંદે જૂથના નારાજ પ્રધાનોની નારાજગી દૂર કરવાનો સંકેત આપ્યો છે.

mumbai mumbai news shiv sena eknath shinde uddhav thackeray