બોરીવલીમાં સૌથી મોટો ટ્રેડ અને રિયલ એસ્ટેટ એક્સ્પો: ‘કપોળ યુથ કોન ૨૦૨૩’

05 February, 2023 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૦, ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીએ આયોજિત ‘કપોળ યુથ કોન ૨૦૨૩’માં લાખો લોકો આવવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)

મુંબઈ ઃ ૬ઠ્ઠી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મુંબઈમાં પ્રથમ વાર સૌથી મોટા ટ્રેડ ફેર, બિલ્ડર્સ પ્રૉપર્ટી એક્ઝિબિશન (બિલ્ડર્સ પૅવિલિયન) - કપોળ યુથ કોન ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડ ફેર બોરીવલીના ૧૪ એકરમાં ફેલાયેલા પ્રમોદ મહાજન ગ્રાઉન્ડમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. ૧૦, ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીએ ૧૪૦થી વધુ ટ્રેડર્સ અહીં પોતાની પ્રોડક્ટ્સ અને પ્રોજેક્ટ્સ રજૂ કરશે. આ કાર્યક્રમ માટે અધિકાંશ ગ્રાઉન્ડને સેન્ટ્રલી ઍરકન્ડિશન્ડ બનાવવાનું આયોજન કરાયું છે. 
કપોળ બોર્ડિંગ સ્ટુડન્ટ્સ ઍન્ડ ક્લબ્સ તેમ જ કપોળ મહાકુંભ દ્વારા કપોળ યુથ કોન ૨૦૨૩નું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો લાભ કપોળ સમાજ સહિતના લાખો ગુજરાતીઓને મળશે.
ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન વૈષ્ણવાચાર્ય ધ્રુમિલ કુમારના આશીર્વચન સાથે કરવામાં આવશે. વૈષ્ણવ બાંધવો માટે અહીં શ્રીનાથજીની હવેલી પણ છે, જ્યાં વૈષ્ણવો રોજ આરતી અને દર્શન કરી શકશે. એટલું જ નહીં, ઠાકોરજીનાં છપ્પનભોગનાં દર્શન પણ થશે.
કપોળ યુથ કોન ૨૦૨૩માં ત્રણે દિવસની સાંજ સંગીતમય રહેશે. ૧૦ ફેબ્રુઆરીએ સાંજે ફાલ્ગુની પાઠકનાં ભજનોનો કાર્યક્રમ, ૧૧મીએ સાંઈરામ દવેનો લોકડાયરો અને ૧૨મીની સાંજે ગાયિકા ઐશ્વર્યા મજુમદારના ગરબાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવાઓને માર્ગદર્શન મળી રહે એ માટે થિન્ક ટૅન્ક ઇન્ડિયા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એન્જલ ઇન્વેસ્ટર સંજય મહેતા, બિઝનેસ કી પાઠશાલાના ફાઉન્ડર જગદીશ જોષી, કોટક મહિન્દ્ર એએમસીના એમડી નીલેશ શાહ, ઑન્ટ્રપ્રનર કોચ સંતોષ નાયર અને માસ્ટર ક્લાસના ડિરેક્ટર અમરીશ છેડા યુવાઓ અને ઉપસ્થિત જનમેદનીને સંબોધશે.

mumbai news mumbai borivali