કોરોનાના ગુજરાતી દરદી સાથે થઈ ભયંકર ભૂલ

08 April, 2021 08:05 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

તુલસીરામના પરિવારે મહામહેનતે પ્લાઝમા મેળવ્યા, પણ હૉસ્પિટલની બેદરકારીને લીધે એ તુલસીદાસ નામના દરદીને ચડાવી દેવામાં આવ્યા

આ શાસકીય હૉસ્પિટલમાં આઘાતજનક બનાવ બન્યો છે

કોરોનાની સારવારમાં પ્લાઝમા ઘણું મહત્ત્વ ધરાવે છે અને એ કોઈના માટે જીવનદાન બની શકે એમ છે. પ્લાઝમાનું આટલું મહત્ત્વ હોવા છતાં મીરા-ભાઈંદરમાં આવેલી શાસકીય હૉસ્પિટલના કર્મચારીની લાપરવાહીએ હદ કરી દીધી છે. હૉસ્પિટલના કર્મચારી દ્વારા એક દરદી માટે લાવવામાં આવેલા પ્લાઝમા બીજા પેશન્ટને ચડાવી દેવામાં આવ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આઘાતજનક વાત એ છે કે જે પેશન્ટને પ્લાઝમા ચડાવ્યા તેને તો પ્લાઝમાની જરૂર જ નહોતી.

મીરા-ભાઈંદરમાં કોરોનાના દરદીઓની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. ભાઈંદર-વેસ્ટમાં આવેલી  શાસકીય ભારતરત્ન પંડિત ભીમસેન જોશી (ટેમ્બા) હૉસ્પિટલમાં ​કોરોનાના દરદીઓને સારવાર માટ બેડ ઉપલબ્ધ ન હોવાની વાત સભાગૃહના નેતા પ્રશાંત દળવીએ પત્ર લખીને પાલિકા પ્રશાસનને કરી છે. એવામાં આ જ હૉસ્પિટલથી આવો આઘાતજનક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ૪૮ વર્ષના તુલસીરામ પંડ્યા કોરોના પૉઝિટિવ આવ્યા હોવાથી તેમને સારવાર માટે આ હૉસ્પિટલમાં ચાર એપ્રિલે દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલના ડૉક્ટરોએ તુલસીરામના ભાઈ રોહિત પંડ્યાને જણાવ્યું હતું કે તેમને પ્લાઝમા ચડાવવા ખૂબ જરૂરી છે. એ દરમિયાન છ એપ્રિલે તુલસીદાસ નામના કોરોનાના શંકાસ્પદ સંક્રમિત દરદીને આ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનો કોરોનાનો ટેસ્ટ-રિપોર્ટ આવ્યો નહોતો એમ છતાં હૉસ્પિટલના કર્મચારીઓની લાપરવાહીથી તુલસીરામના પ્લાઝમા તુલસીદાસને ચડાવી દેવાયા હતા. 

તુલસીરામ પંડ્યાના ભાઈ રોહિતે જણાવ્યું હતું કે ‘ડૉક્ટરે અમને પ્લાઝમાની જરૂર હોવાનું કહેતાં અમે ભાગદોડ કરી હતી અને સોશ્યલ મીડિયાથી લઈને વિવિધ રીતે મદદ મેળવવાની કોશિશ કરી હતી. સંબંધીઓ, મિત્રોની મદદથી જેમ-તેમ પ્લાઝમાની વ્યવસ્થા કરાઈ હતી. ભારે જહેમત બાદ ૩ દિવસ બાદ મંગળવારે રાતે આશરે ૧૨ વાગ્યે મુલુંડના શિવસેના-પ્રમુખની મદદથી ૪૦ હજાર રૂપિયામાં પ્લાઝમાની વ્યવસ્થા કરીને હૉસ્પિટલમાં લાવીને આપવામાં આવ્યા હતા. સવારે ભાઈ તુલસીરામને ફોન કરીને પ્લાઝમા ચડાવ્યા કે નહીં એમ પૂછતાં તેણે કહ્યું કે પ્લાઝમા તેને ચડાવવામાં આવ્યા નથી. એથી અમને પણ આઘાત લાગ્યો કે પ્લાઝમા તો જરૂરી છે એમ કહ્યું હોવા છતાં ચડાવ્યા કેમ નહીં. એથી હૉસ્પિટલમાં જઈને તપાસ કરતાં અમે શૉક થઈ ગયા કે રાતના જ તે પ્લાઝમા તુલસીદાસ નામના દરદીને ચડાવી દેવામાં આવ્યા છે. પ્લાઝમા કોરોના દરદી માટે જીવનદાનનું કામ કરે છે અને હૉસ્પિટલના કર્મચારીની આવી લાપરવાહીથી અમને બધાને નવાઈ લાગી છે.’

‘એક દરદીના પ્લાઝમા બીજા દરદીને ચડાવ્યા હોવાની વાત અમારા ધ્યાનમાં આવી છે. અમે દોષી સામે કડક કાર્યવાહી કરીશું. જે દરદીને પ્લાઝમાની જરૂર છે તેને એ ઉપલ્બધ કરી આપીશું.’ - ડૉ. તેજશ્રી સોનાવણે, મેડિકલ ઑફિસર

coronavirus covid19 mumbai mumbai news mira road bhayander preeti khuman-thakur